- Gujarat
- સુરતમાં વસંત પંચમીના અવસરે મહિલાઓ પાસે કરાવાયો ડાન્સ
સુરતમાં વસંત પંચમીના અવસરે મહિલાઓ પાસે કરાવાયો ડાન્સ
ગઇકાલે દેશભરમાં વસંત પંચમી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી. આ દિવસે મા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે, પરંતુ સુરતમાં વસંત પંચમીના અવસરને લજવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીના પવિત્ર અવસર પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તિને બદલે અશ્લીલતા પીરસવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આનંદ પાર્ક સોસાયટીમાં મા સરસ્વતીની આરાધના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાહેર મંચ પર મહિલાઓ પાસે ગંદો ડાન્સ કરાડાવી વસંત પંચમીના પવિત્ર ઉત્સવને અપવિત્ર કરવામાં આવ્યો હતો. જેના કારણે ત્યાં હાજર રહેલા વડીલો અને મહિલાઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મહિલાઓ પણ ઉપસ્થિત હતા. કહેવાય છે કે બાળકોના કુમળા છોડ જેવા હોય છે, તેમને જેમ વાળો તેમ વળે. બાળકોને બાળપણમાં જેવા સંસ્કારો મળે, મોટા થઈને બાળકો એવું જ આચરણ કરતા હોય છે ત્યારે વસંત પંચમી જેવા મા સરસ્વતીના ઉત્સવ પર ભક્તિને બદલે ગંદા ડાન્સ પીરસવામાં આવતા બાળકો પર માઠી અસર પડી શકે છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેથી સુરત શહેરમાં આ આયોજનને લઈ ચર્ચાઓ જાગી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આજના સમયમાં ધાર્મિક ઉત્સવો માત્ર મનોરંજન અને અશ્લીલતાનું સાધન બની ગયા છે? સાથે જ એવી માંગ પણ કરવામાં આવી રહી છે કે, જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ. ધર્મના નામે અધર્મ ફેલાવતા આવા તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહીની અપેક્ષા જનતા રાખી રહી છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં.

