- Gujarat
- અમદાવાદમાં મહિલાએ પોલીસ પતિના નિધન બાદ બીજા લગ્ન કર્યાનું છૂપાવી ખોટા દસ્તાવેજથી પેન્શન લીધા કર્યું
અમદાવાદમાં મહિલાએ પોલીસ પતિના નિધન બાદ બીજા લગ્ન કર્યાનું છૂપાવી ખોટા દસ્તાવેજથી પેન્શન લીધા કર્યું
મણિનગર વિસ્તારમાં રહેનારી દક્ષાબેન વ્યાસ નામની મહિલાએ પોતાના પોલીસ કોન્સ્ટેબલ પતિના મૃત્યુ બાદ ખોટી માહિતી આપી પેન્શન વિભાગને છેતર્યું હોવાનું બહાર આવ્યું છે. દક્ષાબેને પતિના મૃત્યુ પછી પુનઃલગ્ન કર્યા હોવા છતાં આ હકીકત છૂપાવી ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને ગેરકાયદેસર રીતે કુલ રૂ. 14.89 લાખનું ફેમિલી પેન્શન મેળવ્યું હતું. સાથે જ પતિની જગ્યાએ ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમ રેલવે કચેરીમાં જૂનિયર ક્લાર્ક તરીકે નોકરી પણ મેળવી હતી.

ખોટી સ્વઘોષણા આપી પેન્શન મેળવ્યું
માહિતી મુજબ, દક્ષાબેન વ્યાસના પતિ કાર્તિક વ્યાસ અમદાવાદ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 1993માં કેન્સરથી તેમનું અવસાન થયું હતું. ત્યાર બાદ દક્ષાબેને “બીજા લગ્ન કર્યા નથી” એવા ખોટા સ્વઘોષણા પત્રો અને બોગસ દસ્તાવેજો પેન્શન કચેરીમાં રજૂ કરીને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ કર્યું હતું.
તપાસમાં ભાંડો ફૂટી ગયો
પછી દક્ષાબેને પુનઃલગ્ન કર્યા હોવાની માહિતી પોલીસે મેળવતા, અધિક પોલીસ મહાનિર્દેશક (સીઆઈડી ક્રાઈમ રેલવે) કચેરીએ તેમની ખાતાકીય તપાસ શરૂ કરી. વર્ષ 2020માં પેન્શન વિભાગને આ અંગે જાણ કરાતાં દક્ષાબેનનું પેન્શન રોકી દેવામાં આવ્યું.

14.89 લાખની ગેરકાયદેસર વસૂલાત
તપાસમાં ખુલ્યું કે દક્ષાબેને છેલ્લા કેટલાંક વર્ષોમાં કુલ રૂ. 14.89 લાખ ફેમિલી પેન્શન તરીકે ગેરકાયદે મેળવ્યા હતા. જેના આધારે ગાંધીનગર પેન્શન વિભાગે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસને પત્ર પાઠવ્યો હતો.
હાલ કારંજ પોલીસ સ્ટેશને દક્ષાબેન વ્યાસ સામે ઠગાઈ અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.

