- Gujarat
- બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો
બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે, AAP નેતા ચૈતર વસાવાએ સરકારના આ પરિપત્રનો કર્યો વિરોધ
રાજ્ય સરકારે તાજેતરમાં જ બે નિર્ણય લીધા હતા. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ-બહેનને પણ PMJAY હેઠળ મળતી કેશલેસ સારવારનો લાભ મળશે. તેમજ PPO બુક કે આધાર-પૂરાવાઓમાં નામમાં માનવાચક શબ્દનો તફાવત હશે તો પણ પેન્શન અટકાવવામાં નહીં આવે.
કચેરીની સૂચના અનુસાર ‘ભાઈ’, ‘કુમાર’, ‘દાસ’, ‘લાલ’, ‘બેન’ જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતાં નાના તફાવતને ધ્યાનમાં લઈ પેન્શન ચૂકવણી અટકાવવી યોગ્ય નથી. જો PPOમાં નોંધાયેલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચૂકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે.
10 માર્ચે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સરકારી કર્મચારીઓ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. જેમાં એકથી વધુ પત્ની હોય તેવી સ્થિતિમાં બીજી પત્નીને સરકારી દવાખાનાની સારવારનો લાભ નહીં મળે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાલાએ પણ સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવ્યો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, AAP નેતા ચૈતર વસાવાએ જણાવ્યું કે, ‘આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાજેતરમાં 2015ના નિયમોમાં સુધારો કરીને નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગુજરાત સરકારમાં સેવા આપતા કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારીને એકથી વધુ પત્ની હોય તો બીજી પત્નીને તબીબી સારવારનો લાભ આપવામાં નહીં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી સેવાઓમાં આદિવાસી તેમજ મુસ્લિમ સમુદાયના હજારો કર્મચારીઓ કાર્યરત છે. આ બંને સમુદાયોમાં તેમના વ્યક્તિગત કાયદા અને સામાજિક પરંપરાઓ મુજબ એકથી વધુ પત્ની રાખવાની માન્યતા છે. આવા સંજોગોમાં સરકારના આ પરિપત્રના કારણે મોટી સંખ્યામાં કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે અન્યાય થવાની શક્યતા છે.
તેમણે વધુમાં કહ્યું કે, બીજી પત્નીને તબીબી લાભ નહીં મળે તો તેમના બાળકો પર પણ તેની સીધી અસર થશે. જેના કારણે ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ખાસ કરીને આદિવાસી સમુદાયના ઘણા કર્મચારીઓ હાલ નિવૃત્તિના આરે છે, ત્યારે આ પ્રકારનો પરિપત્ર તેમના માટે ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. ચૈતર વસાવાએ સરકારને આ પરિપત્ર તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરવામાં આવશે અને આ પરિપત્ર રદ કરવાની માંગ કરવામાં આવશે.
તો દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાલાએ કહ્યું કે, ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે અને આ પરિપત્ર તેનો જ એક ભાગ હોવાનું લાગે છે. તેમના મતે આ નિર્ણયથી ખાસ કરીને મુસ્લિમ અને આદિવાસી સમાજના કર્મચારીઓને સીધી અસર થશે. ઘણા એવા કર્મચારીઓ છે જેમને એકથી વધુ પત્ની છે અને જો બીજી પત્નીને તબીબી લાભ નહીં આપવામાં આવે તો તે મહિલાઓ સાથે અન્યાય સમાન છે. પહેલી પત્ની જેટલી જ બીજી પત્ની પણ હક્કદાર છે. ઇસ્લામ ધર્મમાં 4 પત્ની કરવાની મંજૂરી છે તેમજ આદિવાસી સમાજમાં પણ એકથી વધુ પત્ની રાખવાની પરંપરા છે. તેથી સરકારને તેમના વ્યક્તિગત જીવનમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. જો કર્મચારી અને તેમના પરિવારને કોઈ વાંધો ન હોય તો સરકાર આ પરિપત્ર રદ કરે તેવી તેમણે માંગ કરી છે.

