- Gujarat
- અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?
અંબાલાલ પટેલની આગાહી: શું ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા?
ગુજરાતમાં વરસાદે જાણે કે વિદાઇ લઈ લીધી હોય વરસાદ પછીનો તડકો અને બફારો અનુભવાઈ રહ્યો છે. અને હવે આગામી થોડા દિવસોમાં નવરાત્રિ પણ આવી રહી છે. દર વર્ષે નવરાત્રીમાં એક-બે દિવસનું માવઠું પડતું હોય છે. તો શું આ વખતે પણ મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડવા વિલન બનીને આવશે? કે પછી નવે-નવ દિવસ નોરતાની મજા માણવા દેશે? હવે તાજેતરમાં જ હવામાન વિભાગે જણાવ્યું હતું કે 12 ઓક્ટોબર સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારે હવે અંબાલાલ પટેલની તાજેતરની આગાહી સામે આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 48 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વાદળછાયું વાતાવરણ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતનાં ભાગો, મધ્ય ગુજરાતનાં ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે.
તેમના જણાવ્યા અનુસાર 11-13 ઓક્ટોબર દરમિયાન નવરાત્રીના શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક હળવો વરસાદ પડવાની શક્યતા છે. 12 ઓક્ટોબર સુધીમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે પશ્ચિમ વિક્ષેપને કારણે આ વાદળો આવવાની શક્યતા છે. ત્યારબાદ પણ હવામાનમાં વારંવાર ફેરફાર થવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં પણ સક્રિય થવાની શક્યતા છે. અને 11-20 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં સક્રિય બની શકે.
તેમનું કહેવું છે કે 17-20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગર વધુ સક્રિય થાય અને લૉ પ્રેશર બનવાની શક્યતા રહે જેના લીધે લગભગ તેના ભેજના કારણે મધ્ય પ્રદેશ અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં પણ તેની અસર આવી શકે છે. કદાચ મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતનાં ભાગો સુધી પણ તેની અસર આવવાની શક્યતા રહેલી છે.

