- Gujarat
- સાધુનું કમંડળ એ ફળનું કઠણ પડ છે
સાધુનું કમંડળ એ ફળનું કઠણ પડ છે
સાધુનાં હાથમાં લાકડાનું વાસણ હોય છે તેને કમંડળ કહે છે. ભગવાન શિવની છબીમાં એ જોઈ શકાય છે.
આ કમંડળ ખરેખર તો એક જંગલી વેલાનાં ફળને કોતરીને બનાવેલું હોય છે, આપણાં જંગલોમાં એ વેલા ઊગી નીકળે છે અને ચોમાસામાં તેમાં ફળ કે શાક લાગે તે ક્યારેક એવા મોટા થાય કે માંડ ઉપાડી શકાય ! આ વેલો એટલે આપણી તુંબડી ! જેમાં કડવી અને મીઠી એમ બે જાત થાય છે. દૂધીનાં વેલા જેવો જ વેલો થાય છે. તેના ફળને તુંબડું કહેવાય છે.
આ ફળને સુકાવી તેની અંદરનો ગર કાઢી લઈને તેના વિવિધ ઉપયોગ થાય છે. ધાતુનાં વાસણોની કમી હતી અને લોકો પાસે ખરીદવાની શક્તિ પણ ન હતી ત્યારે આ તુંબડામાંથી બનેલા વાસણો ઠેર ઠેર જોવા મળતાં હતા. તેમાંથી શકોરું બનતું, વાટકા બનતાં, કમંડળ તો બનતું જ, દહીં દૂધ રાખવા માટે પણ તેનો ઉપયોગ થતો, અરે હુકો પણ બનતો ! સાધુઓ પાણી ભરી રાખવા તેનું કમંડળ બનાવીને સાથે રાખતાં. નાના મોટા ફળનો જરૂર મુજબ ઉપયોગ થતો હતો.
નદી ઓળંગવી હોય તેની કેડે આવા સૂકા મોટા મોટા તુંબડા બાંધી દેવામાં આવતા. એટલે ડૂબે નહી. તુંબડામાં હવા હોવાથી તે ઉપર રહે અને તેને આધારે નદી આસાનીથી ઓળંગી જવાય. તુંબડાનો હવે ગૃહ સુશોભનની ચીજો બનાવવા પણ ઉપયોગ થાય છે. તેની ખેતી થાય છે. તુંબડાને અંગ્રેજીમાં Calabash (કૅલબૅશ) કહે છે. જૂના જમાનાનો માનવી કુદરતની વધારે નજીક હતો એટલે જ કદાચ વધારે સુખી હતો.

