- Gujarat
- સુરતમાં દીકરાએ જ પોતાના ઘરમાં આગ લગાવી દીધી, પૈસા પણ સળગી ગયા, પિતાએ ફરિયાદ નોંધાવી
સુરતમાં દીકરાએ જ પોતાના ઘરમાં આગ લગાવી દીધી, પૈસા પણ સળગી ગયા, પિતાએ ફરિયાદ નોંધાવી
સુરતના નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચમાં એક પુત્રએ માનવતા અને લોહીના સબંધોને લજવતું કૃત્ય કર્યું છે. નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં રહેતા એક રિક્ષાચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ આગની ઘટનામાં લગભગ 18 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા ગોવર્ધનવાડ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેણે પોતાના પુત્ર સામે જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમની વડીલોપાર્જિન મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા વર્ષોથી ભાડે આપી રાખી છે. આ જગ્યા ખાલી કરાવી પોતાને રહેવા આપી દેવા પુત્ર સની પટેલ વારંવાર માંગણી કરતો અને આના કારણે ઝઘડા પણ કરતો હતો. સાથે જ ભાડે આપેલી જગ્યા નહીં આપવામાં આવે તો સળગાવી દેવાની ચીમકી પણ આપતો રહેતો હતો.
શનિવારે વહેલી સવારે સનીએ ઘરમાં ફરીથી ઝઘડો કર્યો અને ઝઘડા બાદ સની બહાર જતો રહ્યો. થોડા સમયા બાદ એ પ્લાસ્ટિકની બોટલોમાં પેટ્રોલ લઈ આવ્યો. તેણે ભાડે આપેલી સંપત્તિની બારીમાંથી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. કોઈને ખબર ન પડે એવી રીતે સની પોતાની પત્ની અને દીકરીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આગ લાગવાથી આસપાસના રહેવાસીઓ ભેગા થઈ ગયા હતા.
ત્યારબાદ લોકોએ ફાયર વિભાગ અને પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ એ અગાઉ જ ભાડૂયાત વિશાળ પટેલની દુકાનમાં ભારે નુકસાન થયું હતું. આગને કારણે દુકાનમાં રાખેલા લેઝર મશીન, રેડિયમ કટિંગ મશીન, 3 કમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો સામાન બળીને રાખ થઈ ગયું હતું. સાથે જ મકાનના સ્ટ્રકેચરને પણ નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, આગમાં ભાડૂત લગભગ 12 લાખનું અને મકાનના સ્ટ્રક્ચર 6 લાખ મળીને કુલ 18 લાખનું નુકસાન થયું છે. આ મામલે અઠવાલાઇન્સ પોલીસે ફરિયાદીના પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

