- Gujarat
- ગુજરાતની કંપનીએ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 600 વર્કર્સને અચાનક કાઢી મુક્યા
ગુજરાતની કંપનીએ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 600 વર્કર્સને અચાનક કાઢી મુક્યા
કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલી Samaghogha Jindal Saw Ltd કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા લગભગ 600 શ્રમજીવીઓની રોજગારી પર મોટું સંકટ ઉત્પન્ન થઈ ગયું છે. તેમને મેસેજ મોકલીને કહેવામા આવ્યું છે કે તેઓ બીજા દિવસે નોકરી પર હાજર ન રહે. તેમને નોકરીમાંથી હટાવવામાં આવ્યા છે.
અચાનક લેવાયેલા આ નિર્ણયથી લાંબા સમયથી કામ કરતા શ્રમજીવીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. ઘણા સ્થાનિક લોકો સિવાય ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી પોતાના ઘર- પરિવારને છોડીને અહીં રોજીરોટી માટે આવેલા શ્રમજીવીઓ વર્ષોથી કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ સવારે નિયમ મુજબ પંચિંગ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની પંચિંગ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે તેઓ અંદર પ્રવેશી શક્યા નહોતા.
બેરોજગાર થયેલા વર્કર્સે કંપનીના ગેટ પાસે વિરોધ સાથે ધરણા પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો. VTV DIGITALના રિપોર્ટ મુજબ સ્થાનિક આગેવાન શક્તિસિંહ જાડેજા જણાવ્યું હતું કે, કંપનીએ જાણ કર્યા વિના કે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વિના અચાનક આ નિર્ણય લીધો છે, જેના કારણે વર્કર્સની રોજગારી છીનવાઇ ગઈ છે. વર્કર્સ ચીમકી આપી કે, કંપની તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચે અથવા તેમને યોગ્ય વળતર સાથે વિકલ્પ રૂપે રોજગારીની વ્યવસ્થા કરી આપે. નહિતર તેઓ પોતાના હક્ક માટે આંદોલનનો માર્ગ અપનાવશે. જો કે, અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે 600 જેટલા વર્કર્સને કયા કારણે કાઢી મૂકવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કંપની વર્કર્સના હિતમાં નિર્ણય લઈને તેમને કામ પર બોલાવે છે છે કે પછી વર્કર્સે પોતાની રોજગારી અને હક્ક માટે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

