- Politics
- નવા ધારાસભ્યોમાં 90% કરોડપતિ, સૌથી ધનિક MLA પાસે 170 કરોડ કરતા વધુની સંપત્તિ
નવા ધારાસભ્યોમાં 90% કરોડપતિ, સૌથી ધનિક MLA પાસે 170 કરોડ કરતા વધુની સંપત્તિ
નવી ચૂંટાયેલી 18મી બિહાર વિધાનસભા પહેલા કરતા વધુ અમીર બની છે. 5 વર્ષ અગાઉની સરખામણીમાં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ સભ્યોની સરેરાશ સંપત્તિ પણ લગભગ બમણી થઈ ગઈ છે. 243માંથી 218 ધારાસભ્યો કરોડપતિ છે, એટલે કે કુલ ધારાસભ્યોના લગભગ 90%. પાછલી ટર્મમાં આ આંકડો 194 હતો, જે કુલ ધારાસભ્યોના 81% બરાબર છે. આ વખતે કરોડપતિ ધારાસભ્યોની સંખ્યામાં 9%નો વધારો થયો છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને ઇલેક્શન વૉચ તરફથી ધારાસભ્યોના સોગંદનામાના વિગતવાર અભ્યાસ બાદ આ ખુલાસો થયો છે. બંને સંસ્થાઓએ ચૂંટણી નામાંકન દરમિયાન સબમિટ કરાયેલી સંપત્તિઓની વિગતોનું વિશ્લેષણ કરીને જણાવ્યું કે વિધાનસભાની કુલ જાહેર કરેલી સંપત્તિ લગભગ 2193 કરોડ રૂપિયા છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, 5 વર્ષ અગાઉ ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.32 કરોડ રૂપિયા હતી, જ્યારે આ વખતે તે 9.2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલે કે લગભગ બમણી વૃદ્ધિ.
નવી વિધાનસભામાં સંપત્તિ અને ગરીબી વચ્ચેનો તફાવત પણ ખૂબ જ મોટો છે. સૌથી વધુ સંપત્તિ મુંગેરના ભાજપના ધારાસભ્ય કુમાર પ્રણયની છે, જેમની પાસે 170 કરોડ રૂપિયાથી વધુ જાહેર કરવામાં આવેલી સંપત્તિ છે. સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્ય પીરપૈંટીના ભાજપના ધારાસભ્ય મુરારી પાસવાન છે, જેમની સંપત્તિ 6 લાખથી થોડી વધુ છે. આ ઉપરાંત, મોકામાના JDUના ધારાસભ્ય અનંત સિંહ 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. દરમિયાન, આગિયાંવના ભાજપના ધારાસભ્ય મહેશ પાસવાન પાસે લગભગ 8 લાખ રૂપિયાની સંપત્તિ છે.
કઈ પાર્ટી કેટલા કરોડપતિ ધારાસભ્યો લાવી?
ADR રિપોર્ટ મુજબ, પાર્ટીવાર સંપત્તિના આંકડા નીચે મુજબ છે:
JDU: 85માંથી 78 ધારાસભ્યો કરોડપતિ છે
BJP: 89માંથી 77 ધારાસભ્યો કરોડપતિ છે
RJD: 25માંથી 24 ધારાસભ્યો કરોડપતિ છે
LJP (રામવિલાસ): 19માંથી 16 કરોડપતિ છે
કોંગ્રેસ: 6માંથી 6 કરોડપતિ છે
AIMIM બધા 5 ધારાસભ્યો કરોડપતિ છે
HAM: 5માંથી 4 કરોડપતિ છે
રાષ્ટ્રીય લોક મોરચા: 4માંથી 4 કરોડપતિ છે
CPM: 1 ધારાસભ્ય
CPI-ML: 2માંથી 1 કરોડપતિ છે
આમ, આ વખતે લગભગ દરેક પાર્ટી આ વખત કરોડપતિ ધારાસભ્યો સાથે વિધાનસભામાં પહોંચી છે.
કઈ પાર્ટીનાના ધારાસભ્યની સરેરાશ સંપત્તિ કેટલી છે?
પાર્ટીવાર સરેરાશ સંપત્તિના આંકડા પણ ખૂબ જ રસપ્રદ છે. રાષ્ટ્રીય લોક મોરચાના 4 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 22.93 કરોડ રૂપિયા છે, જે સૌથી વધુ છે. 2 CPI-ML ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ માત્ર 1.46 કરોડ રૂપિયા છે, જે સૌથી ઓછી છે. 89 ભાજપના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 8.68 કરોડ રૂપિયા છે. JDUના 85 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 9.53 કરોડ રૂપિયા છે. RJDના 25 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 5.80 કરોડ રૂપિયા છે. LJP (રામવિલાસ)ના 19 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 13.66 કરોડ રૂપિયા છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.82 કરોડ રૂપિયા છે. HAMના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 6.16 કરોડ રૂપિયા છે અને AIMIM ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 2.1 કરોડ રૂપિયા છે.

