- Gujarat
- સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે
તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં ક્રિશ્ચિયન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ શાળાની વિવિધ અનિયમિતતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત ક્ષતિઓ, વહીવટી માળખામાં પારદર્શિતાનો અભાવ, અને નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિઓ સહિતની ગંભીર બાબતો ટાંકવામાં આવી હતી. ત્યારબાદ સરકારે પોતે સ્કૂલનો વહીવટ સંભાળવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વિદ્યાર્થી અને વાલીઓ માટે પણ રાહત આપનારો છે.
DEOની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ, સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ સરકારે પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. હવે પછી આ સ્કૂલમાં નવા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે નહીં. પરંતુ આ નિર્ણયથી હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કોઈ અસર થશે નહીં. તેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે.
હાલમાં આ શાળામાં આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેઓ વર્તમાન વ્યવસ્થા હેઠળ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. સરકારે સેવન્થ-ડે કેમ્પસમાં આવેલી તમામ શાળાઓનો વહીવટ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણ વિભાગનો આ નિર્ણય ખાનગી શાળાઓના વહીવટ અને ભવિષ્યના પ્રવેશ અંગે મહત્ત્વની અસર કરી શકે છે.
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 19 ઓગસ્ટ 2025ના રોજ એક મોટો વિવાદ ઊભો થયો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીને તેના જ જૂનિયર વિદ્યાર્થીએ છરીના ઘા મારી દીધા હતા અને ત્યારબાદ આ વિદ્યાર્થીએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.
સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેણે બેદરકારી દાખવી હતી. તેમણે ઘટનાની જાણ ન કરી અને પહેલાની બુલિંગની ફરિયાદો અવગણી હતી. જેના કારણે રોષ ફેલાયો હતો અને વાલીઓ તથા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. આ મામલે રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને મણિનગર-ખોખરા વિસ્તારમાં બંધ રાખીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

