- Gujarat
- જે દીકરા-દીકરી માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તેમનો સામાજિક બહિષ્કાર કરો: હર્ષ સંઘવી
જે દીકરા-દીકરી માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તેમનો સામાજિક બહિષ્કાર કરો: હર્ષ સંઘવી
માતા-પિતા પોતાના બાળકોને પોતાની દેખરેખ હેઠળ ઉછેરે, મોટા કરે, ભણાવે-ગણાવે અને પછી મોટા થઈને પગભર થઈ જાય ત્યાં સુધી તેમનો સહારો બનીને ઊભા રહે છે. તો બાળકોની પણ ફરજ બને કે, માતા-પિતા વૃદ્ધ થઈ જાય છે, જ્યારે તેમના હાથ-પગ ઓછા કામ કરતા થઈ જાય, જ્યારે તેમની આંખે ઓછું દેખાતું થઈ જાય ત્યારે તેમની સારી દેખરેખ કરવી જોઇએ. પરંતુ કેટલાક લોકો પોતાની જવાબદારીઓથી છટકીને માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોય છે. તો આ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે.
હર્ષ સંઘવીએ એક કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમ અંગે બોલતા કહ્યું કે, માતા-પિતા રાત દિવસ મહેનત કરે છે. મહેનત કરીને એક સપનું જોતા હોય છે કે, દીકરા-દીકરી મોટા થઈને સફળતા પ્રાપ્ત કરે, તે માટે તેમને ભણાવે છે. સારી નોકરી મળે, સારો વેપાર મળે તે માટે મા ખોડલ અને મા અન્નપૂર્ણાને આખી જિંદગી પ્રાર્થના કરે છે અને આવા દીકરા-દીકરીઓ જ્યારે સફળ થઈ જાય છે, ત્યારે તેમને માતા-પિતા સાથે રહેતા શરમ આવવા લાગે છે. અને એ માતા-પિતાને ક્યાં તો ગામ મૂકી આવે ક્યાં તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હું આજે મારા સૌ વડીલોને એક અરજ કરવા આવ્યો છું. હું અહીં બેઠા મારા સૌ સાથીઓને વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર ન પડે. નવા વૃદ્ધાશ્રમ તમે ખોલો તે બદલ હું તમારો આભાર માનું છું. પરંતુ વૃદ્ધાશ્રમોને તાળાં કેવી રીતે લાગે એ દિશામાં આપણે કામગીરી આગળ વધારવાની છે.
તેમણે વધુમાં કહ્યું કે, હું આજે આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે, જે દીકરા-દીકરી તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય, એવા દીકરા-દીકરી ગમે એટલા સફળ થઈ જાય, ગમે તેટલા મોટા થઈ જાય, કરોડો રૂપિયા આપને દાન આપી શકે, પરંતુ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા-દીકરી તેમના માતા-પિતા મૂકશે એવા દીકરા-દીકરોનો એક રૂપિયો એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એને સમાજના એક પણ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે. તેમને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે. પછી જુઓ કોઈ પણ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા. સમાજે આ બાબતે સખત નિયમો બનાવવા અને નિર્ણયો લેવા જોઇએ એવું મારે 100 ટકા માનવું છે.

