- Gujarat
- કેજરીવાલ ફક્ત 5 ટકામાં ગુજરાત કોંગ્રેસનું કામ તમામ કરી દેશે!
કેજરીવાલ ફક્ત 5 ટકામાં ગુજરાત કોંગ્રેસનું કામ તમામ કરી દેશે!
આમ આદમી પાર્ટીના સાહેબ અરવિંદ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં કોર્ટે ક્લીન ચીટ આપી. કોંગ્રેસે કહ્યું કે આતો ગુજરાતની ચૂંટણી આવે છે એટલે ભાજપે કેજરીવાલને નવડાવી-ધોવડાવીને સ્વચ્છ કરી દીધા છે જેથી કોંગ્રેસને નુક્સાન પહોંચાડી શકે. આ તો કોંગ્રેસનો રાજકીય આરોપ છે પરંતુ તેની સાથે એક હકીકત પણ છે કે જો કેજરીવાલ થોડું જોર લગાવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કામ તમામ કરી શકે છે. કોંગ્રેસને એક આંકડામાં લાવી શકે છે.

રાજકીય રણનીતિ
ભારતીય જનતા પાર્ટી જ્યાં પણ ફક્ત કોંગ્રેસ સામે લડે છે ત્યાં તેને જીતવા ખાસ્સો સંઘર્ષ કરવો પડે છે. જેમ કે રાજસ્થાન કે મધ્યપ્રદેશ કે હરિયાણા. પરંતુ જ્યાં ત્રીજી પાર્ટીની એન્ટ્રી થાય છે કે બીજી નાની નાની પાર્ટીઓ આવે છે ત્યાં ભાજપ જીતી જાય છે. જેમ કે હાલ જ બિહાર કે મહારાષ્ટ્રની ચૂંટણીઓ. વર્ષ 2022 સુધી ગુજરાતમાં કોઇ ત્રીજી પાર્ટી ન હતી. છતાં ચૂંટણીના સમયે કેશુભાઇ પટેલ કે પછી ગોરધન ઝડફિયા કે પછી શંકરસિંહ વાઘેલાની કોઇ નવી પાર્ટી ઊભી થઇ. કોંગ્રેસે ફાઇટ આપી પણ ખરી. 2017માં તો જીતવું મુશ્કેલ બન્યું હતું. પરંતુ વર્ષ 2022માં આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી.
હવે ગણિત જોઇ લઇએ
જો ભાજપની વાત કરીએ તો વર્ષ 2017ની ચૂંટણીમાં તેને 49 ટકા મત મળ્યા હતા અને 99 બેઠકો આવી હતી. કોંગ્રેસને 41 ટકા મત મળ્યા ને 77 બેઠકો આવી. ત્યારે આમ આદમી પાર્ટી પિક્ચરમાંન હતી. હવે વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીના મત 49 ટકાથી 3 ટકા વધીને 52 ટકા થયા અને બેઠકો અધધ 57 વધીને થઇ ગઇ 156. આટલો મોટો તફાવત કેવી રીતે આવી ગયો? આ તફાવત આવ્યો આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી. વર્ષ 2022માં કોંગ્રેસના મતોની ટકાવારી 41 ટકાથી ઘટીને થઇ ગઇ 27 ટકા એટલે કે 14 ટકા ઘટી ગઇ અને બેઠકો 60 ઘટીને 77થી 17 થઇ ગઇ. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ 13 ટકા મતો ખેંચી લીધા અને 5 બેઠકો જીતી. આમ, સ્પષ્ટ છે કે કોંગ્રેસના જે મતો ઘટ્યા તે આમ આદમી પાર્ટીને ટ્રાન્ફસર થયા.

હવે 2027માં આપના 5 ટકા મતો પણ વધે તો?
આમ તો મતદાનની ટકાવારી અને સીટ વચ્ચે સીધો સંબંધ નથી છતાં વર્ષ 2022ની પેટર્ન જોતા એક અંદાજ લગાવી શકાય કે જો આમ આદમી પાર્ટી 13 ટકાથી વધારીને પોતાના મતોની ટકાવારી 18 ટકા કરી લે તો કોંગ્રેસ એક આંકડામાં આવી જાય. આમ, કોંગ્રેસ ગુજરાતમાંથી ખતમ થઇ જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઇ ગઠબંધન થાય તેવી શક્યતા દેખાતી નથી. કોર્ટના ચુકાદા પછી બન્નેએ એકબીજા પર જે રીતે આરોપો લગાવ્યા છે તે જોઇને નક્કી છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે મોટો ખતરો છે. કોંગ્રેસ ખતમ થવાને આરે છે.
બીજા ઘણા રાજ્યોમાં પણ આવું થયું છે
એક સમય હતો કે કોંગ્રેસ ઘણા રાજ્યોમાં સૌથી મોટી પાર્ટી હતી પરંતુ હવે તે ધીરે ધીરે ખતમ થઇ ગઇ છે. સૌથી મોટો દાખલો દિલ્હીનો છે. આમ આદમી પાર્ટીના ઉદય સાથે ત્યાં કોંગ્રેસ ખતમ થઇ ગઇ. તે રીતે જ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ઉદય સાથે કોંગ્રેસ ખતમ થઇ. તેલંગણામાં પણ કોંગ્રેસ ખતમ થઇ ગઇ. હવે શું ગુજરાતમાં પણ 2027માં કોંગ્રેસ ખતમ થઇ જશે?

શું કોંગ્રેસ પાછી બેઠી થઇ શકે?
ઇતિહાસમાં ઘણા દાખલા છે કે કોંગ્રેસ ફરી બેઠી થઇ છે. ઇમરજન્સી પછી આખા દેશમાં સાફ થઇ ગયા પછી ઇન્દિરા ગાંધી ફરી પીએમ બન્યા હતા. કર્ણાટકમાં પણ કોંગ્રેસની સરકાર ફરી પાછી આવી. તામિલનાડુમાં ડીએમકે ખતમ થઇ જાય તેમ લાગતું હતું પરંતુ તે ફરી બેઠી થઇ. પરંતુ કોંગ્રેસ પાસે હાલ સમય ઓછો છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે. ગુજરાત ભાજપનો ગઢ છે. ભાજપ પાસે સંગઠનથી લઇને તિજોરિયો ભરીને રૂપિયા છે. આમ આદમી પાર્ટી મતો તોડવા તૈયાર છે. બીજી બાજુ કોંગ્રેસ જનઆક્રોશ યાત્રા કાઢી તેને ઠીક ઠીક પ્રતિસાદ પણ મળ્યો. જિગ્નેશ મેવાણીએ પોતાને એક મજબૂત નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા. હવે લગભગ 22 મહિનાનો સમય છે. આગામી ચૂંટણી ડિસેમ્બર 2027માં થવાની શક્યતા છે. આ સમયગાળામાં કોંગ્રેસ કેટલું જોર લગાવે છે તે જોવાનું રહ્યું.

