- Gujarat
- કોર્ટને લાગ્યું- અરજદાર સમય બગાડે છે, તો 40 લાખનો તેને જ દંડ કરી દીધો
કોર્ટને લાગ્યું- અરજદાર સમય બગાડે છે, તો 40 લાખનો તેને જ દંડ કરી દીધો
વડોદરાના એક અરજદારે શહેરની ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમને લઇને વારંવાર અરજી કરીને હાઇ કોર્ટનો સમય બગાડ્યો હોવાનું જણાઈ આવ્યું છે. જેમાં અરજદારે ડેવલોપરોને પક્ષકાર બનાવ્યા વિના બાંધકામ મંજૂરી રદ કરવા માંગ કરી હતી. હાઇકોર્ટે તેને અયોગ્ય હેતુ માટે અરજી કરનાર વ્યક્તિ ગણાવી, સમગ્ર પ્રક્રિયાને "જાહેર હિતની અરજીનો દુરુપયોગ" જાહેર કર્યો અને 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
PM અને આંબેડકરના ફોટાવાળું લેટરપેડ પણ ચકાસાયું
ઓથોરિટી તરફથી વકીલે દલીલ કરી કે અરજદાર પોતાને RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર તરીકે ઓળખાવે છે, પરંતુ અવારનવાર હાઇકોર્ટમાં અનાવશ્યક અરજીઓ કરે છે. RTI માટે તે જે લેટરપેડ ઉપયોગ કરે છે, તેના પર એક તરફ વડાપ્રધાનનો અને બીજી તરફ બાબાસાહેબ આંબેડકરનો ફોટો હોય છે, જેનાથી સરકારી કર્મચારીઓમાં ભ્રમ ઊભો થાય છે. આ પ્રકારનો લેટરપેડ ઉપયોગ કરવો અને વડાપ્રધાનના ફોટાનો વ્યકિતગત હેતુ માટે ઉપયોગ કરવો કાયદેસર ગુનો ગણાય છે.
અરજદારનો આશય ‘જાહેર હિત’ નહીં, પણ ‘વ્યક્તિગત હિત’
કોર્ટે નોંધ્યું કે અરજદારે જે TP સ્કીમની સામે વાંધો ઉઠાવ્યો છે, તે હજુ પ્રારંભિક તબક્કામાં છે અને રાજ્ય સરકારની મંજૂરી પણ મળેલી નથી. છતાં અરજદાર કાનૂની રીતે મંજૂરી મેળવેલા ડેવલોપમેન્ટ પરમિશનને રદ કરવા દબાણ કરે છે. RTI માધ્યમથી પણ અરજદાર ઓથોરિટી ઉપર દબાણ ઊભું કરે છે.
પૂર્વે પણ કરી ચૂક્યા છે આવી અરજીઓ
અરજદારે અગાઉ પણ એ જ મુદ્દાઓ પર હાઇકોર્ટમાં અરજીઓ કરી હતી. જોકે, દરેક અરજીમાં ડેવલોપર્સ કે અન્ય સંબંધિત પક્ષકારોને સામેલ કર્યા વગર માત્ર દમદાર આરોપો મૂક્યાં હતાં. કોર્ટે કહ્યું કે આવું વર્તન હાઇકોર્ટના પ્લેટફોર્મ માટે યોગ્ય નથી. આવા લોકોએ કશું કહેવું હોય તો જાહેર રસ્તા પર જઈને બૂમો પાડવી જોઈએ, કોર્ટનો સમય બગાડવો નહીં.
દંડની ચુકવણી અને ભાવિ પ્રતિબંધ
હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે અરજદારે 40 લાખ રૂપિયાનો દંડ બે સરખા હપ્તામાં ચાર મહિનાની અંદર ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રારમાં જમા કરાવવાનું રહેશે. આ રકમ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મહિલા અને બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો અરજદાર આ રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તેની સામે વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હાઇકોર્ટે એવો પણ આદેશ આપ્યો કે ભાવિમાં અરજદાર હાઇકોર્ટમાં કોઈપણ પ્રકારની જાહેર હિતની અરજી દાખલ નહીં કરી શકે. હાલમાં દાખલ કોઈ અરજી હોય તો પણ તે પાછી ખેંચી લેવામાં આવે.
"હાઇકોર્ટનો સમય બગાડ્યો": એક કલાક સુધી ચાલેલી સુનાવણી
કોર્ટે નોંધ્યું કે અરજદારના કારણે સુનાવણીમાં અંદાજે એક કલાક જેટલો સમય બગડ્યો હતો. એવું પણ ઉમેરવામાં આવ્યું કે, કોર્ટના મંચનો ઉપયોગ માત્ર તે લોકો માટે થવો જોઈએ, જેઓ સાચા અને સ્વચ્છ ઇરાદા સાથે આવે છે.

