- Gujarat
- રાજકોટમાં પત્ની-પુત્રએ મળીને પિતાનું કાસળ કાઢી નાખ્યું
રાજકોટમાં પત્ની-પુત્રએ મળીને પિતાનું કાસળ કાઢી નાખ્યું
દરેક પરિવારમાં નાના-મોટા ઝઘડા થતાં રહેતા હોય છે, પરંતુ એ સતત વધી જાય ત્યારે લોકો ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે. ક્યાં તો પોતે આત્મહત્યા કરી લે છે અથવા સામે બાળાનું કાસળ કાઢી નાખતા હોય છે. રંગીલા રાજકોટમાં પણ કઈક એવો જ મામલો સામે આવ્યો છે.
રાજકોટના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસથી કંટાળેલા તા પત્ની અને પુત્રોએ મળીને પિતાનું ઢીમ ઢાળી દીધું. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકની પત્ની અને બંને પુત્રોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અને મોજાં વેચવાનો વ્યવસાય કરતા 40 વર્ષીય નરેશભાઈ નટુભાઈ વ્યાસ ગુરુવારે રાત્રે પોતાના ઘરે હતો. આ દરમિયાન તેની પત્ની અને બે પુત્રો સાથે કોઈ બાબતે ઝઘડો થઈ ગયો. ઘરકંકાસ એટલી હદે વકર્યો હતો કે આવેશમાં આવીને નરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં પડેલા નરેશભાઈ માટે તાત્કાલિક 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ફરજ બજાવતા ડૉક્ટરોર તેને મૃત જાહેર કરી દીધો હતો.
હત્યાની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ DCP અને ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે. મૃતક નરેશભાઈ અને તેમના પરિવારજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ ઝઘડો થયા બાદ આ ઘટના બની હતી.
જોકે, હત્યામાં છરીનો ઘા કોણે માર્યો? પત્ની કે પુત્રોએ તે હજુ સ્પષ્ટ થયું નથી. ભક્તિનગર પોલીસે મૃતકના પત્ની અને બંને પુત્રોને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ શરૂ કરી છે, જે બાદ હત્યાની મુખ્ય ભૂમિકા કોની હતી તે સ્પષ્ટ થશે.
રાજકોટ શહેરના ACP બી. વી. જાધવે જણાવ્યું હતું કે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં નરેશભાઈ નટુભાઈ વ્યાસ (ઉં.વ.42)ની તેના જ ઘરમાં તેમનાં પત્ની અને પુત્ર દ્વારા છરી મારી હત્યા નિપજાવવામાં આવી છે. બનાવ અંગે પુરાવા એકત્રિત કરવા તેમજ સેમ્પલ મેળવવા માટે પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી છે અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધવા માટે તપાસ તજવીજ હાથ ચાલુ છે.

