- Gujarat
- સુરતમાં લગ્નના પાંચમાં દિવસે પિયર જાવ છું કહી દાગીના લઈને ભાગી ગયેલી લૂંટેરી દુલ્હન 3 વર્ષે પકડાઈ
સુરતમાં લગ્નના પાંચમાં દિવસે પિયર જાવ છું કહી દાગીના લઈને ભાગી ગયેલી લૂંટેરી દુલ્હન 3 વર્ષે પકડાઈ
લગ્નના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરતા સુરતની ચોકબજાર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા ત્રણ વર્ષથી ફરાર મુખ્ય આરોપી મહિલા ‘લૂંટેરી દુલ્હન’ને પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લીધી છે. આ મહિલા લગ્નના માત્ર પાંચ જ દિવસમાં રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 1.80 લાખની છેતરપિંડી આચરી પલાયન થઈ ગઈ હતી.
શું હતો સમગ્ર મામલો?
આ ઘટનાની શરૂઆત જાન્યુઆરી 2023માં થઈ હતી, જ્યારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી યુવકે લગ્ન માટે હર્ષદ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો, જેણે અન્ય સાગરીતો મોમીન ગાંચી અને ગણેશ ઠેપે સાથે મળીને ફરિયાદીની મુલાકાત કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે કરાવી હતી.
ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરતમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ લગ્નના ખર્ચ અને દલાલીના બહાને ફરિયાદી પાસેથી કટકે-કટકે મોટી રકમ પડાવી હતી. જેમાં રૂ. 1,05,000 આરોપી મોમીનભાઈને રોકડા આપ્યા હતા. રૂ. 8,500 લગ્નની દલાલી પેટે ચૂકવ્યા હતા. રૂ. 10,000 અન્ય ખર્ચ અને ભાડા પેટે ચૂકવ્યા હતા.
લગ્ન બાદ કવિતા માત્ર ચાર-પાંચ દિવસ સાસરીમાં રહી હતી. ત્યારબાદ પિયર જવાનું બહાનું કાઢી તે ફરિયાદી સાથે નાસિક બસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં કપડાં બદલવાના બહાને બહેનપણીના ઘરે ગયેલી કવિતા પરત આવી જ નહીં. તે પોતાની સાથે લગ્નમાં મળેલા કિંમતી દાગીના અને કપડાં લઈને રફુચક્કર થઈ ગઈ હતી. આમ, આ ટોળકીએ મળીને કુલ રૂ. 1,80,500ની ઠગાઈ આચરી હતી.
પોલીસે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું?
આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર કવિતા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી રહી હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.જી. ચૌધરીની માર્ગદર્શન હેઠળની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી.
પોલીસને સચોટ બાતમી મળી હતી કે આરોપી મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં છુપાયેલી છે. સુરત પોલીસની ટીમે ત્યાં દરોડો પાડી કવિતા સુનિલ વાઘને ઝડપી પાડી હતી અને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

