- Gujarat
- હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં 6 ઑગસ્ટ સુધી કેવું રહેશે વાતાવરણ, અંબાલાલ બોલ્યા- ‘નવી વરસાદની સિસ...
હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં 6 ઑગસ્ટ સુધી કેવું રહેશે વાતાવરણ, અંબાલાલ બોલ્યા- ‘નવી વરસાદની સિસ્ટમ બનશે..’
રાજ્યમાં વરસાદની ગતિ મંદ પડી છે. છેલ્લા થોડા કલાકોમાં દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં હવામાન સૂકું રહ્યું છે. હવે હવામાન વિભાગે જણાવ્યું કે ઑગસ્ટના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે, કેટલો વરસાદ રહેશે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાનની આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં 6 ઑગસ્ટ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
રામાશ્રય યાદવના મતે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 1-31 જુલાઈ સુધી 27 ટકા વધુ વરસાદ નોંધાયો છે. (પહેલી ઑગસ્ટનો વેધર મેપ) 1-6 ઑગસ્ટ સુધી રાજ્યમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતા કહ્યું કે, તારીખ 31 જુલાઈ થી 2 ઑગસ્ટ સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે 1-3 ઑગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6-10 ઑગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18-22 ઑગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે તો ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18-20 ઑગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને 23 ઑગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27-30 ઑગસ્ટ વરસાદ રહેશે. 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે.

