- Gujarat
- દર્દીએ સુરતના ડેન્ટલ સર્જન સામે કરેલી ફરિયાદ ગ્રાહક કમિશને રદ કરી
દર્દીએ સુરતના ડેન્ટલ સર્જન સામે કરેલી ફરિયાદ ગ્રાહક કમિશને રદ કરી
સુરત. સુરતના મહિલા ડેન્ટલ સર્જને પોતાની દાંતની ટ્રીટમેન્ટમાં બેદરકારી દાખવી હોવાનું આક્ષેપ કરી સર્જન પાસે પોતાને વળતર અપાવવા દાદ માંગતી ફરિયાદ ફરિયાદી અધુરી સારવાર પુર્ણ કરાવવા ડોકટર પાસે આવ્યા જ ન હોવાથી તેમજ સારવારમાં ડોકટરએ બેદરકારી રાખવામાં આવેલ હોવાના કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હોવાનું ઠરાવી ફરિયાદ રદ કરવાનો હુકમ સુરત જિલ્લા ગ્રાહક(મુખ્ય) દ્વારા કરવામાં આવેલ છે.
કેસની વિગત મુજબ એક ફરિયાદીએ સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય) સમક્ષ સુરતના ડો. પૂજા મોદી (B.D.S. Dental Surgeon) સામાવાળા વિરુદ્ધ દાખલ કરાવેલ ફરિયાદમાં ફરિયાદીની હકીકત એવી છે કે, ફરિયાદીને દાઢમાં દુખાવાની તકલીફ ઊભી થયેલ અને અસહ્ય દુખાવો થયેલો. જેથી ફરિયાદીએ સામાવાળાનો તેમના ક્લિનિકમાં કન્સલ્ટ કરેલા. દાઢની તપાસ અને X-Ray કરીને જણાવેલું કે જમણી તરફ ઉપરના જડબાનું ત્રણ દાઢમાં રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવી પડશે. ડોક્ટરએ જણાવેલી રૂા. 7,5૦૦/- ફરિયાદીએ બે તબક્કામાં ડોક્ટરને ચૂકવેલી. ફરિયાદીના જણાવ્યા મુજબ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પણ એ જ દાઢમાં ફરીથી દુખાવો થયેલો. જેથી ફરિયાદી અમદાવાદમાં વારંવાર પેનકીલર દવાઓ લેવી પડેલી. પરંતુ દાઢમાં અસહ્ય દુખાવો રહેતા ફરિયાદી સુરતમાં અન્ય ડેન્ટલ સર્જનને બતાવેલું. જે બીજા ડેન્ટલ સર્જને ફરિયાદીને જણાવેલ કે ફરિયાદીની દાઢમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ થઈ જ નથી અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. જેથી ફરિયાદી બીજા સર્જનને રૂપિયા 4,૦૦૦/- ચૂકવીને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવેલ અને ત્યારબાદ સામાવાળા ડેન્ટલ સર્જનએ સેવામાં ખામી દાખવી હોવાનો આક્ષેપ કરી પોતાને અસહ્ય શારીરિક -માનસિક ત્રાસ ભોગવવો પડેલો હોવાનું જણાવી રૂપિયા 60,૦૦૦/- નું વળતર અપાવવાની દાદ માંગી હતી.
તે દરમિયાન ફરિયાદીએ ગુજરાત ડેન્ટલ કાઉન્સિલ અમદાવાદ સમક્ષ પણ દાંતની સારવારમાં બેદરકારી રખાય હોવા બાબતની ફરિયાદ કરી ડોક્ટરનું રજીસ્ટ્રેશન રદ કરવા લેખિત રજૂઆતો કરી હતી. ડોક્ટરે એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ડેન્ટલ કાઉન્સિલ સમક્ષ ફરિયાદીની ફરિયાદનો ખુલાસો તૈયાર કરાવી રજૂ કર્યો હતો. અને ગુજરાત ડેન્ટલ કાઉન્સિલે ફરિયાદીને લખેલ પત્ર દ્વારા ફરિયાદીની દાંતની સારવારમાં કોઈપણ જાતની ડોક્ટરની બેદરકારી ફલિત થતી ન હોવાથી ફરિયાદીની ફરિયાદ દફતરે કરવાનો નિર્ણય ડેન્ટલ કાઉન્સિલે કરેલ હોવાની જાણ કરી હતી.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન સમક્ષની કાર્યવાહીમાં એડવોકેટ શ્રેયસ દેસાઈ ડોક્ટર તરફે હાજર થઈ ફરિયાદીની સારવાર સામાવાળા ડોક્ટરના પક્ષે કોઈ બેદરકારી ન થયેલ હોવાની રજૂઆત કરેલી હતી. ફરિયાદીની ફરિયાદ તારીખ ૨૯/૦૮/૨૦૨૦ ના રોજ ના હુકમ અન્વયે સુરત જિલ્લા ગ્રાહક કમિશન મુખ્ય દ્વારા રદ કરવામાં આવેલી હતી.
હુકમથી નારાજ ફરિયાદી ગુજરાત સ્ટેટ કમિશન સમક્ષ અપીલ કરી હતી. અપીલ અન્વયે ગુજરાત સ્ટેટ કમિશનએ ચુકાદો આપી ફરિયાદીને રજૂઆતની વધુ તક આપવા માટે મેટર રિમાન્ડ કરી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ને પરત મોકલી હતી જેથી ત્યારબાદ ફરી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) સમક્ષ સુનાવણી થઈ હતી.
ગ્રાહક કમિશનની બીજી વારની સુનાવણીમાં ડોક્ટર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન દેસાઈએ હાજર થઈ જણાવ્યું હતું કે, સામાવાળાએ દાંતનું પરીક્ષણ કરી જમણી બાજુની ઉપરની ત્રણ દાઢ ઘસાઈ ગયેલ હોઈ, અને દાઢની નસ અંશત: ખુલી ગયેલ હોઈ, તેમજ દાઢની નસોમાં ઈન્ફેકશન થઈ ગયેલ હોય. દાઢમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટની આપવી પડશે. તેવું ફરીયાદીને જણાવેલું. સામાવાળાએ ફરીયાદીને એ પણ સમજ આપેલી કે રૂટ કેનાલની ટ્રીટમેન્ટમાં પ્રથમ તબક્કામાં દાઢની નસો ખુલ્લી કરી તેમાં રહેલો સડો સાફ કરી તેમાં કામ ચલાઉ ડ્રેસીંગ કરવામાં આવે છે. અને ઇન્ફેક્શન મટાડવા માટે ટેબ્લેટ આપવામાં આવે છે. બીજા તબક્કામાં અગાઉ ખુલેલી નસોનું ડ્રેસીંગ ખોલી તેમાં બાયોમેકેનીકલ રિપેરેશનથી ડ્રેસીંગ કરવામાં આવે છે. અને ત્રીજા (છેલ્લા) તબક્કામાં ખુલ્લી કરેલી નસોમાં રૂટ કેનાલ ફીલીંગની કામગીરી કરવામાં આવે છે. ફરિયાદીના કેસમાં રૂટકેનાલ ઓપનીંગની કાર્યવાહી બાદ ત્રણેય દાઢોમાં સામાવાળાએ દવાથી ડ્રેસીંગ કરી, દુખાવો દબાવવા(પેઈન કીલર ટેબ્લેટ) ની દવા લખી આપેલ. તથા બીજા તથા ત્રીજા તબક્કાની કાર્યવાહી કરવા માટે એપોઈન્ટમેન્ટ લઈ મહત્તમ અઠવાડીયામાં આવી જવા માટે ફરિયાદીને જણાવાયેલ. પરંતુ, ફરિયાદી, વિલંબથી બીજા તબકકાની સારવાર માટે આવેલ, ત્યારે સામાવાળાએ બાયોમેડીકલ પ્રીપેરેશનથી ડ્રેસીંગ કરેલ અને છેલ્લા યાને ત્રીજા તબકકાની કામગીરી યાને રૂટકેનાલ ફીલીંગ માટે ફરિયાદીને આવવા જણાવેલ. પરંતુ, ત્યારબાદ ફરિયાદી સામાવાળાને ત્યાં બાકીની સારવાર લેવા માટે આવ્યા જ હતા.
આમ, ફરિયાદીની સારવારની કામગીરી ફરિયાદીની પોતાની નિષ્કાળજીના કારણે અધુરી રહેલ અને રૂટકેનાલ ઓપનીંગ બાદ ફક્ત બાયોમીકેનીકલ પ્રીપેરેશનથી ડ્રેસીંગની કામગીરી સુધીનો જ તબક્કો થયેલ હોય અને રૂટકેનાલ ફીલીંગની કામગીરી બાકી રહેલ હોય. અને તેવી અધુરી સારવારના પરિણામ બાબતની સંપૂર્ણ જવાબદારી ફરિયાદીની જ હતી. વધુમાં, ગુજરાત ડેન્ટલ કાઉન્સિલના લેખિત અભિપ્રાયમાં સ્પષ્ટ નોંધ છે કે ફરિયાદીની દાંતની સારવારમાં સામાવાળા તરફથી કોઈ પણ બેદરકારી ફલિત થતી નથી. અને તે સંજોગોમાં ફરિયાદ રદ થવા પાત્ર હોવાની રજુઆત કરેલ.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખિયા અને સભ્ય ડોક્ટર તીર્થશ મહેતાએ સામાવાળા તરફે થયેલી રજૂઆતો મહદઅંશે ગ્રાહ્ય રાખી ફરિયાદીની દાંતની સારવાર સામાવાળા ડેન્ટલ સર્જનના પક્ષે કોઈ બેદરકારી થતી હોવાનું પુરવાર થતું ન હોવાનું જણાવી ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે.

