- Gujarat
- અમદાવાદમાં મહિલા સોનીની દુકાને જતી અસલી સોનાની વીંટીને બગસરાની વીંટીથી બદલાવી દેતી
અમદાવાદમાં મહિલા સોનીની દુકાને જતી અસલી સોનાની વીંટીને બગસરાની વીંટીથી બદલાવી દેતી
જ્વેલરી શોપ્સમાં ચૂપચાપ ઘરેણાં ચોરી કરવાની ઘટનાઓ વિષે અવારનવાર સામે આવતી રહે છે. તો હવે અમદાવાદમા એક એવી ઘટના સામે આવી છે, જેને બધાને હેરાન કરી દીધા છે. એક મહિલા ઘરેણાં જોવાના બહાને જ્વેલરી શોપ્સમાં જતી હતી અને પછી સોનાની વીંટી લઈને બગસરાની પધરાવી દેતી હતી. આમ આ મહિલાએ 1, 2 કે 3 નહીં 10થી વધુ સોનીઓને ચૂનો લગાવ્યો. જો કે, કાયદાની પકડમાંથી આ ચાલાક ચોર મહિલા પકડાઈ ગઈ છે.
અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ જ્વેલર્સ-શૉપમાં પ્રવિણા નામની મહિલાએ ચોરીની ઘટનાઓને અંજામ આપીને ચકચાર મચાવી દીધો હતો. પ્રવિણા સોનાની વીંટી હોય એવી જ બગસરાની વીંટીનો પોતાની પાસે રાખતી હતી. જ્યારે પણ તે જ્વેલર્સ શોપમાં ચોરી કરવા માટે જાય ત્યારે બગસરાની વીંટી સાથે લઈ જતી હતી. સેલ્સમેન વીંટી બતાવે ત્યારે પ્રવિણા નજર ચૂકવીને બગસરાની વીંટી મૂકી દેતી હતી અને સોનાની વીંટી સેરવી લેતી હતી. ત્યારબાદ ‘વીંટી પસંદ નથી’ કહીને પ્રવિણા જતી રહેતી હતી. જ્યારે જ્વેલરી શોપના માલિક કે કર્મચારીઓને ખબર પડે ત્યાં સુધીમાં પ્રવિણા ફરાર થઈ જતી હતી.
આ દરમિયાન નરોડા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે જ્વેલર્સની શૉપમાંથી સોનાની વીંટીની ચોરી કરનાર એક મહિલા નરોડા સ્મશાનની પાછળના ભાગે ઊભી છે. બાતમીના આધારે નરોડા પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મહિલાની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ પ્રવિણા સેનવા હોવાનું સામે આવ્યું છે અને મૂળ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આંબલિયાળા ગામની રહેવાસી છે અને હાલમાં વડોદરામાં આવેલા ઔડાના મકાનમાં રહેતી હતી. તે. પોલીસ મહિલાની પૂછપરછ કરતા તેણે 5 મહિના અગાઉ વિનાયક ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સોનાની વીંટીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પ્રવિણાની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરી હતી.
પ્રવિણાએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તે જ્વેલર્સની શૉપમાં સોનાના દાગીના ખરીદવાના બહાને જતી અને માલિક તેમજ કર્મચારીઓની નજર ચૂકવીને ચોરી કરતી હતી. પોલીસે પ્રવિણા પાસેથી 99 હજાર રૂપિયાની સોનાની રણી, 49 હજાર રૂપિયાની સોનાની 3 વીંટી સહિત કુલ 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેણે નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં 2 ગુના આચર્યા છે, જ્યારે ઓઢવ અને સાબરમતીમાં 1-1 ગુના કર્યા છે.
સાબરમતી વિસ્તારમાં આવેલા સુખધામ બંગલોઝમાં રહેતા સિદ્ધાર્થ કટારિયાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી હતી. સિદ્ધાર્થ મહાવીર જ્વેલર્સ નામની શોપ ધરાવે છે અને એમાં 9 કર્મચારી નોકરી કરે છે. 17 ઓગસ્ટે સિદ્ધાર્થ શૉરૂમ પર દાગીનાનો સ્ટોક ગણી રહ્યો હતો ત્યારે એક સોનાની વીંટી મળી નહોતી. સિદ્ધાર્થે CCTV ચેક કરતા જાણવા મળ્યું હતું કે એક મહિલા દાગીના જોવાના બહાને આવી હતી અને સેલ્સમેનની નજર ચૂકવીને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગઈ હતી. સિદ્ધાર્થ બહારગામ હોવાથી તેણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ નરોડા પોલીસે પ્રવિણાની ધરપકડ કરી, ત્યારબાદ સિદ્ધાર્થના CCTV ફૂટેજમાં પણ તેજ ગ્રાહક બનીને આવી હોવાનું સામે આવતાં અંતે ગુનો નોંધાયો હતો.
પ્રવિણા વિરુદ્ધ 4 ગુના નોંધાયા છે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક જ્વેલર્સ શૉપમાંથી પ્રવિણાએ સોનાના દાગીનાની ચોરી કરી હતી. તેની હરકતો CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી, જેના કારણે શોપના માલિકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ આ મામલે ગુનો નોંધે એવી શક્યતા છે. પ્રવિણાની ધરપકડ થઈ ત્યારે પોલીસને જાણવા મળ્યું કે તે અનેક વખત પોલીસ સકંજામાં આવી ગઈ છે. ચોરીની ટેવ ધરાવતી પ્રવિણા વિરુદ્ધ વડોદરા પોલીસ સ્ટેશનમાં 6 ગુના દાખલ થયા છે. વડોદરામાં આવેલા લક્ષ્મીપુરા, કઠલાલ, વાડી, ગોત્રી તેમજ હરણી પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયા છે, જ્યારે એક ગુનો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. હાલ પ્રવિણા વિરુદ્ધ 11થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. મહિલાએ હાલ અમદાવાદમાં વધુ 5 ચોરીની કબૂલાત કરી છે.

