- Gujarat
- સુરતમાં 'લાલો' ફિલ્મ જેવું થયું, ચોરી કરવા કારખાનામાં ઘૂસેલા ચોર નીકળવાનો રસ્તો જ ભૂલી ગયા, ફાયર બ્ર...
સુરતમાં 'લાલો' ફિલ્મ જેવું થયું, ચોરી કરવા કારખાનામાં ઘૂસેલા ચોર નીકળવાનો રસ્તો જ ભૂલી ગયા, ફાયર બ્રિગેડે આવીને બચાવ્યા
સુરતના ખટોદરા વિસ્તારમાં એક અજીબોગરીબ અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે. અહીં કારખાનામાં ચોરી કરવા આવેલા ચોરો બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો ન મળતા બંને ચોર ગભરાઇ ગયા હતા અને ત્રીજા માળે આવેલી બારીમાંથી 'બચાવ બચાવ'ની બૂમો પાડવા લાગ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમે તેમનું રેસ્ક્યૂ કર્યું હતું. જ્યાં પોલીસે બંનેને સીધા કસ્ટડીમાં લઈ લીધા હતા.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય રોશન બિનબહાદુર સહાની તેના એક સગીર સાગરીત સાથે રવિવારે સાંજે ચોરીના ઈરાદે નીકળ્યો હતો. બંનેએ ખટોદરા GIDC સ્થિત બમરોલી રોડ પર આવેલા એક બંધ કારખાનાને ટાર્ગેટ બનાવ્યું હતું. રવિવારની શાંતિનો લાભ ઉઠાવીને બંને કારખાનામાં ચોરી કરવા છાનામાના અંદર ઘૂસી ગયા હતા. જોકે, અંદર ગયા બાદ અંધારામાં કે માલસામાન શોધવાના ચક્કરમાં તેઓ ક્યાંથી પ્રવેશ્યા હતા તે રસ્તો જ ભૂલી ગયા હતા.
કારખાનામાંથી બહાર નીકળવા માટે બંનેએ કલાકો સુધી દરવાજો શોધવા ફાંફા માર્યા હતા. પરંતુ પ્રયાસો નિષ્ફળ જતાં ચોરી કરવાનો તેમનો ઉત્સાહ ગભરાટ અને ડરમાં ફેરવાઈ ગયો હતો. કારખાનામાં ભૂખ્યા-તરસ્યા પૂરાઈ રહેવાના ડરથી આખરે બંને ત્રીજા માળે પહોંચ્યા હતા અને ત્યાં આવેલી બારીમાંથી નીચે ઊભેલા લોકોને જોરજોરથી બચાવો... બચાવો...ની બૂમો પાડવા લાગ્યા હતા.
રાતના સમયે બંધ કારખાનામાંથી ચીસાચીસનો અવાજ આવતા આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. બંધ એકમમાંથી બૂમો આવતી હોવાથી કોઈ અઘટિત ઘટના બની હોવાની શંકા સાથે લોકોએ તુરંત કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો, જેથી PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી. કારખાનું અંદરથી બંધ હોવાથી અને યુવક-સગીર ત્રીજા માળે ફસાયેલા હોવાથી પોલીસે તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો. મજુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક લીડર અને રેસ્ક્યૂ સાધનો સાથે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ બંનેને બારી વાટે સહીસલામત નીચે ઉતાર્યા હતા.
ફાયર વિભાગે રેસ્ક્યૂ કરીને નીચે ઉતારતાં બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ નીચે પગ મૂકતા જ તેમની સામે પોલીસ ઊભી હતી. PCRના જવાનોએ બંને 'અણઘડ' ચોરોને તાત્કાલિક ઝડપી પાડીને ખટોદરા પોલીસને સોંપ્યા હતા. ખટોદરા પોલીસે રોશન સહાની અને તેના સગીર સાથીદાર વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે, તેઓ અગાઉ અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે નહીં?

