- Gujarat
- આવી ધાડ તમે ક્યારેય નહીં જોઈ હોય, ચોરે અમદાવાદમાં દંપતીને એક-બીજાના માથે હાથ મુકાવી સોગંધ ખવડાવ્યા ક...
આવી ધાડ તમે ક્યારેય નહીં જોઈ હોય, ચોરે અમદાવાદમાં દંપતીને એક-બીજાના માથે હાથ મુકાવી સોગંધ ખવડાવ્યા કે…
ચોરી, લૂંટ, ધાડની અનેક ઘટનાઓ વિષે તમે સાંભળ્યું હશે અને અખબારોમાં વાંચ્યું પણ હશે. કેટલાક એવા કિસ્સા હોય છે, જે લોકોને વિચારતા કરી મૂકે. અગાઉ એવી પણ ઘટના સામે આવી ચૂકી છે કે ચોરી કરવા ગયેલા ચોરોએ મેગી બનાવીને ખાધી હોય અથવા આરામ કરવાના ચક્કરમાં ચોર એજ ઘરમાં ઊંઘી ગયો હોય અને પછી સવારે ઊઠે ત્યારે મેથીપાક મળ્યો હોય અને પોલીસ કસ્ટડીમાં જવું પડ્યું હોય. એવી અનેક ઘટનાઓ બની છે, પરંતુ આ વખતે ચોરીની કઈક એવી ઘટના સામે આવી છે, જેની બાબતે તમે સપનામાં પણ વિચારી નહીં શકો.
અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં વૃદ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. આ દંપતીની હ*ત્યા કરવાની ધમકી આપીને 3 લોકોએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીએ બંધક બનાવીને હીરાજડિત સોનાના ઘરેણાં સહિત કુલ 21.91 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. લૂંટારાઓએ વૃદ્ધ દંપતીને ધમકી આપી હતી કે જો ગુનો દાખલ કરશો તો તમને જીવથી મારી નાખીશું. ભોગ બનનાર આરોપી 75 વર્ષીય ભરતભાઈ શાહે ફરિયાદ નોંધાવતા બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શીલજ વિસ્તારમાં આવેલા આર્યમાન બંગલોઝમાં રહેતા 75 વર્ષીય ભરતભાઈ શાહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 21.91 લાખની લૂંટની ફરિયાદ કરી છે. તેઓ પત્ની પલ્લવીબેન સાથે રહે છે અને ચાંગોદરમાં આવેલી ક્રોસમાર્ક ઈનોવેશન નામથી ભાગીદારીમાં ટેક્સટાઈલ મશીનરી બનાવવાનો વેપાર કરે છે. 26 ઓક્ટોમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ ભરતભાઈ અને પલ્લવીબેન બેડરૂમમાં ઊંઘી ગયા હતા. ત્યારબાદ રાત્રે 01:30 વાગ્યાની આસપાસ ભરતભાઈ બાથરૂમ કરવા માટે જાગ્યા હતા. બાથરૂમ જઈને ભરતભાઈ પરત આવીને સૂઈ ગયા ત્યારે બેડરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો.
ભરતભાઈ 10 મિનિટ બાદ પાછા જાગ્યા ગયા ત્યારે તેમની સામે બે અજાણ્યા લોકો ઊભા હતા. બંનેના હાથમાં છરી હતી, જેથી ભરતભાઈએ ચોર-ચોરની બૂમો પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તો એકદમ એક વ્યક્તિ છરી લઈને તેમની નજીક આવ્યો હતો અને હિન્દીમાં બોલ્યો હતો કે ‘આવાજ મત કરના, નહીં તો માર દેંગે’.
આ દરમિયાન પલ્લવીબેન પણ જાગી જતા ત્રીજો વ્યક્તિ છરી લઈને આવી ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે ‘ઘર મેં જો ભી હૈ હમે દે દો, વરના તુમ્હારે પતિ કો માર દેંગે’. તેણે પલ્લવીબેનને કહ્યું હતું કે ‘તિજોરી કહા હૈ વો દીખા’. પલ્લવીબેન ગભરાઈ ગયાં, જેથી તેમને બેડરૂમની તિજોરી બતાવી દીધી અને ખોલી પણ આપી. પલ્લવીબેનની સામે 2 વ્યક્તિએ હીરાની બૂટી, સોનાની કંઠી, હીરાનું પેન્ડલ, સોનાની બંગડી, હીરાના પ્લેટિનયમ કડા, સોનાનો સેટ, સોનાનો હાર, 8 સોનાની લગડી, રાડો કંપનીની ઘડિયાળ, લોજીનેસ કંપનીની ઘડિયાળ, એક લાખની રોક્ડ સહિત કુલ 21.91 લાખની મતાની લૂંટ કરી. લૂંટારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ભરતભાઈએ તરત જ સિક્યોરિટી ગાર્ડને બોલાવ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ આવતાંની સાથે જ ઘરમાં લગાવેલા CCTV કેમેરા ચેક કર્યા હતા, જેમાં સામે આવ્યુ હતું કે ત્રણેય તસ્કરો ડાઈનિંગ ટેબલની બાજુમાં આવેલી બારીનો કાચ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. રાત્રે 12:57ના સમયે લૂંટારાઓ મકાનના પાછળની દીવાલ કૂદીને આવ્યા હતા અને ગાર્ડનમાંથી બારીનો કાચ તોડીને પ્રવેશ્યા હતા. 3 કલાક લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ રાતે 2:48 વાગે તેઓ દીવાલ કૂદીને જતા રહ્યા હતા. આ ઘટના બાદ વૃદ્ધ દંપતી ગભરાઈ ગયા હતા.
ભરતભાઈએ આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘તેમણે મારી પત્નીનો હાથ મારા માથા પર મૂકાવીને સોગદ ખવડાવી અને કહ્યું કે, કહો તમે પોલીસને ફોન નહીં કરો અને જો કર્યો તો અમે તમને બંનેને મારી નાખીશું.’ હાલ, સમગ્ર મામલે પોલીસે ત્રણ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બોડકદેવ પોલીસ CCTV ફૂટેજ અને સ્થાનિક બાતમીના આધારે શંકાસ્પદોની ઓળખ કરવાના પ્રયાસો કરી રહી છે.

