- National
- બાઇકમાં 200, કારમાં 2,000… આ જિલ્લામાં મર્યાદાથી વધુ પેટ્રોલ-ડીઝલ નહીં મળે
બાઇકમાં 200, કારમાં 2,000… આ જિલ્લામાં મર્યાદાથી વધુ પેટ્રોલ-ડીઝલ નહીં મળે
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં પેટ્રોલ પંપ પર વધતી ભીડ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રએ એક મોટો નિર્ણય લીધો છે. ટૂ-વ્હીલર ગાડીઓને હવે 200 રૂપિયા સુધીનું પેટ્રોલ અને ફોર-વ્હીલર્સને મહત્તમ ₹2,000 સુધી જ ડીઝલ ભરવાની પરવાનગી આપવામાં આવી છે. ભીડને નિયંત્રિત કરવા અને તમામ નાગરિકો માટે સમાન ઇંધણ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી પ્રવિણ ફુલારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગે ફેલાતા અહેવાલો સંપૂર્ણપણે અફવાઓ છે. લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી.
છેલ્લા કેટલાક દિવસોથી, ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે સોશિયલ મીડિયા પર ઇંધણની અછત અંગેની અફવાઓ ફેલાવા લાગી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા અને તેમના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવવા લાગ્યા. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે જે લોકો સામાન્ય રીતે ઓછી માત્રામાં ઇંધણ ખરીદતા હઆતા તેઓ પણ મોટી માત્રામાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાગ્યા, જેના કારણે લાંબી-લાંબી લાઈનો અને અવ્યવસ્થા પેદા થઈ ગઈ. આને ધ્યાનમાં રાખીને છત્રપતિ સંભાજીનગર જિલ્લા વહીવટીતંત્રએ ભીડને કાબૂમાં લાવવા માટે અસ્થાયી રૂપે પેટ્રોલ-ડીઝલ વિતરણ મર્યાદા નક્કી કરી દીધી છે. ટૂ-વ્હીલર ગાડીઓને હવે એક વખતમાં માત્ર 200 રૂપિયાનું ઇંધણ આપવામાં આવશે, જ્યારે ફોર-વ્હીલર્સને 2,000રૂપિયા સુધીનું ઈંધણ આપવામાં આવશે.
સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા વહીવટીતંત્રએ બોટલ અથવા કેનમાં પેટ્રોલ-ડીઝલ વિતરણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. અધિકારીઓનું કહેવું છે કે રહેણાંકમાં ઇંધણ સંગ્રહ કરવું ખતરનાક હોય શકે છે, એટલે ફક્ત વાહનની ટાંકીમાં જ ભરવું જોઈએ. વહીવટીતંત્રએ એ પણ સ્પષ્ટતા કરી છે કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય આવશ્યક સેવાઓ માટે ઇંધણ પુરવઠો કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે. સાથે જ, બધા પેટ્રોલ પંપોને તેમના ઉપલબ્ધ ઇંધણ સ્ટોકની માહિતી જાહેરમાં પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
તો, પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ, પુરવઠામાં બિલકુલ કોઈ અછત નથી, અને ડેપો પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ, અફવાઓના કારણે લોકો જરૂરિયાત કરતા વધુ ઇંધણ ભરાવી રહ્યા છે, જેના કારણે પંપ પર દબાણ વધી રહ્યું છે. છત્રપતિ સંભાજીનગરના જિલ્લા પુરવઠા અધિકારી પ્રવીણ ફુલારીએ લોકોને બિનજરૂરી ભીડ ન કરવા અને કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં ઇંધણની કોઈ અછત નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

