- National
- રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યામાં આ દિવસોમાં દર્શન માટે ભક્તોની ખુબ લાંબી લાઈનો નજરે પડી રહી છે. અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા એક મહિનાથી એક નવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તે સમસ્યા રામ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓના જૂતા અને ચંપલના નિકાલની છે. દરરોજ, મંદિરના પ્રવેશદ્વાર પરથી JCBની મદદથી લાખો જૂતા અને ચંપલ એકત્રિત કરવામાં આવે છે. પછી તેમને ટ્રોલીમાં ભરીને 4-5 કિલોમીટર દૂર એક જગ્યાએ ફેંકી દેવામાં આવે છે.
આ પાછળનું કારણ ભીડ વ્યવસ્થાપન માટેના નિયમોમાં કરાયેલા ફેરફારને આભારી છે. હકીકતમાં, રામ મંદિરનો દ્વાર 1એ રામ પથ પર સ્થિત પ્રવેશદ્વાર છે. ભક્તોને તેમના બુટ ચપ્પલ અહીં જમા કરાવવા માટે કહેવામાં આવતું હોય છે. મંદિર પરિસરમાં અડધો કિલોમીટર ચાલ્યા પછી, લોકોને બુટ ચપ્પલ લેવા માટે તે જ દરવાજા પર પાછા ફરવું પડે છે.
પરંતુ ભીડને નિયંત્રિત કરવા માટે, અયોધ્યા વહીવટીતંત્રે લોકોને ગેટ 3 અને બીજા અન્ય દરવાજાઓમાંથી બહાર નીકળવાની સૂચના આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, અહીંથી તેમને તેમના બુટ ચપ્પલ પાછા લેવા માટે ગેટ નંબર 1 પર પાછા આવવું પડતું હોય છે. આ રીતે લોકોને લગભગ 5-6 કિલોમીટર ચક્કર મારવું પડે છે. અધિકારીઓ કહે છે કે, ઘણા લોકો મંદિરમાંથી બહાર નીકળીને બુટ ચપ્પલ ત્યાં જ છોડીને ખુલ્લા પગે નીકળી જાય છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ આ અંગે એક સમાચાર એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મહાકુંભને કારણે મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું, 'છેલ્લા 30 દિવસથી વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેથી ભક્તોની અણધારી ભીડ કોઈપણ અંધાધૂંધી વિના સરળતાથી દર્શન કરી શકે. મંદિર સંકુલનો ગેટ નંબર 3 ખોલી નાખવામાં આવ્યો છે. મંદિરમાં દર્શન કર્યા પછી, ભક્તોને આ દરવાજામાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.'

અનિલ મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, દર્શન કર્યા પછી, ભક્તો શ્રી રામ હોસ્પિટલથી આગળ નીકળી જાય છે. રામ પથ પર એક તરફી રસ્તો હોવાને કારણે, ભક્તોને જ્યાં બુટ ચપ્પલ રાખ્યા હોય છે તે જગ્યા સુધી પહોંચવા માટે ફરીથી 5-6 કિલોમીટર ચાલવું પડે છે. આ જ કારણ છે કે, ગેટ નંબર એક પર બુટ અને ચંપલનો ઢગલો છે.
કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દરરોજ લાખો દાવા વગરના બુટ અને ચપ્પલ દૂર કરી રહ્યું છે, તેમને JCB મશીનોનો ઉપયોગ કરીને એકત્રિત કરી રહ્યું છે અને ટ્રોલી પર નાખીને બહાર ફેંકી દેવામાં આવે છે.