- National
- મરાઠી ભાષા વિવાદ પર RSSનું મોટું નિવેદન, સુનિલ આંબેકર બોલ્યા- ‘બધા લોકો..’
મરાઠી ભાષા વિવાદ પર RSSનું મોટું નિવેદન, સુનિલ આંબેકર બોલ્યા- ‘બધા લોકો..’
સંઘની અખિલ ભારતીય સ્તરીય પ્રાંત પ્રચારક બેઠક પૂરી થયા બાદ દિલ્હીમાં RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે એક પત્રકાર પરિષદ દરમિયાન તમામ સવાલો અને મુદ્દાઓ પર RSSનું વલણ સ્પષ્ટ કર્યું હતું. સુનિલ આંબેકરે પત્રકાર પરિષદ દરમિયાન મીડિયાના તમામ સવાલોના જવાબ પણ આપ્યા હતા.
ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાના સવાલ પર તેમણે કહ્યું કે દેશમાં બનેલી ઘટનાઓ પર ચર્ચા થઈ. કેવી રીતે આતંકની ઘટના બાદ તેનો જવાબ આપ્યો તેને લઈને ચર્ચા થઈ. ઘણા દેશોના હિન્દુ મંદિરો પર થયેલા હુમલાને લઈને ચર્ચા બાબતે વાત કરતા તેમણે કહ્યું કે બધા વિષયો પર ચર્ચા થઈ, પરંતુ આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભાષા વિવાદ પર થયેલા સવાલના જવાબમાં સુનિલ આંબેકરે કહ્યું કે સંઘની હંમેશાં ભૂમિકા છે કે ભારતની બધી ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે. બધા લોકો પહેલાથી જ પોતાની ભાષામાં શિક્ષણ લે છે અને આ વાત પહેલાથી જ સ્થાપિત છે. ધર્માંતરણ પર તેમણે કહ્યું કે વ્યક્તિને પોતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે, પરંતુ જો કોઈ કાવતરું કરીને અથવા લાલચ આપીને કોઈનો અભિપ્રાય બદલવાનો પ્રયાસ કરે છે, તો તે ખોટું છે. સમાજ હંમેશાં તેને રોકવાનો પ્રયાસ કરે જ છે.
કોંગ્રેસ તરફથી સંઘ પર પ્રતિબંધ લગાવવાના નિવેદનો પર તેમણે કહ્યું કે સંઘ પર અગાઉ પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને પછી તેને પાછા લેવા પડ્યા. તે કાયદેસર રીતે યોગ્ય નહોતું, એટલે પાછો લેવો પડ્યો. ગેરકાયદેસર ઘુસણખોરોને બહાર કાઢવાના સવાલ પર તેમણે કહ્યું કે સંઘના કાર્યકરો સતત કામ કરી રહ્યા છે. અમે પહેલા પણ જાગૃતિનું કામ કર્યું છે, અમે હજુ પણ સતત કામ કરી રહ્યા છીએ.
મણિપુરની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ વિવાદ થાય છે, ત્યારે તેને સામાન્ય થવામાં સમય લાગે છે, પરંતુ ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. તો નક્સલીઓ સામે કાર્યવાહી અંગે તેમણે કહ્યું કે નક્સલ હિંસક ષડયંત્ર ચાલી રહ્યું હતું, સમાજમાં એવી ચર્ચા હતી કે તેનો અંત આવવો જોઈએ. લોકતંત્રમાં, લોકતાંત્રિક રીતે વાત રાખવાનો એક માર્ગ છે. સારી વાત છે નક્સલવાદ સામે કાર્યવાહી થઈ રહી છે.
સુનિલ આંબેકારે ઈમરજન્સી સિવાય સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાની સમીક્ષા કરવાના સવાલ પર કહ્યું કે જેમ ઈમરજન્સી દરમિયાન જેલોમાં લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો, તેવી જ રીતે સંવિધાન પર પણ અત્યાચાર થયો છે. જે પરિસ્થિતિઓમાં સંવિધાનમા બદલાવ કરવામાં આવ્યો તે સારી સ્થિતિ નહોતી. તેને નવી પેઢીએ જાણવું જોઈએ.

