- National
- તમિલનાડુના CM MK સ્ટાલિને લોકોને 'જલ્દી બાળકો પેદા કરો...'ની અપીલ કેમ કરી
તમિલનાડુના CM MK સ્ટાલિને લોકોને 'જલ્દી બાળકો પેદા કરો...'ની અપીલ કેમ કરી

તમિલનાડુના CM MK સ્ટાલિને લોકોને તરત જ બાળકો પેદા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કુટુંબ નિયોજનનો સફળ અમલ તમિલનાડુ માટે ખોટનો સોદો રહ્યો છે. CM સ્ટાલિને રાજ્યના લોકોને ચેતવણી આપી હતી કે, વસ્તી આધારિત સીમાંકન તમિલનાડુના રાજકીય પ્રતિનિધિત્વને અસર કરી શકે છે.
CM સ્ટાલિને રાજ્યના રહેવાસીઓને તેમની અપીલ પર ધ્યાન આપવા હાકલ કરી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર 2026માં લોકસભાની બેઠકોનું સીમાંકન કરાવી શકે છે.
બદલાતા વસ્તીના આંકડાઓ વિશે વાત કરતા તેમણે કહ્યું, 'પહેલા અમે કહેતા હતા કે સમય લો, વિચારો અને પછી યોગ્ય વિચારણા કરીને બાળકો પેદા કરો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને આપણે તાત્કાલિક બાળકો પેદા કરવા વિશે વાત કરવી જોઈએ.'

CM MK સ્ટાલિને વસ્તી ગણતરીના ડેટાના આધારે સીમાંકન લાગુ થવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, 'અમે કુટુંબ નિયોજન સફળતાપૂર્વક અમલમાં મૂક્યું છે, અને હવે આપણે આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ.'
તમિલનાડુ પર તેની સંભવિત અસર પર પ્રકાશ પાડતા, CM સ્ટાલિને કહ્યું, 'તેથી હું એમ નહીં કહું કે, તમે તમારો સમય લો પણ તાત્કાલિક તમારા બાળકને જન્મ આપો.'
અહીં તમને જણાવી દઈએ કે, CM સ્ટાલિને સીમાંકનના મુદ્દા પર ચર્ચા કરવા માટે 5 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. CM સ્ટાલિન ઇચ્છે છે કે, બધા ભેગા થાય અને તમિલનાડુના ભવિષ્ય વિશે વિચારે, જેના વિશે તેમણે કહ્યું હતું કે, તે એક નિર્ણાયક તબક્કે છે, જ્યાં તેણે પોતાના અધિકારોનું રક્ષણ કરવા માટે વિરોધ કરવો જ જોઇએ.

અહીં તમને જણાવી દઈએ કે, CM સ્ટાલિને કહ્યું છે કે, જો વસ્તીના આધારે સીમાંકન કરવામાં આવે તો રાજ્યમાં બેઠકો 39થી ઘટીને 31 થઈ જશે.
વિરોધ પક્ષોને આ બેઠકમાં હાજર રહેવા વિનંતી કરતા તેમણે કહ્યું, 'હું તેમને બેઠકમાં હાજર રહેવા વિનંતી કરું છું. કૃપા કરીને અહંકારને બાજુ પર રાખો. તમારે મારી વાત કેમ સાંભળવી જોઈએ તે વિશે વિચારશો નહીં.' CM સ્ટાલિને ભાર મૂકતા કહ્યું કે, આ તમિલનાડુ માટે એક ગંભીર મુદ્દો છે.
CM સ્ટાલિને જાહેરાત કરી હતી કે, ચૂંટણી પંચમાં નોંધાયેલા 40 રાજકીય પક્ષોને મતવિસ્તારોના સીમાંકનની અસરની ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી છે.
CM સ્ટાલિને તેને 'તમિલનાડુ પર લટકતી તલવાર' તરીકે વર્ણવ્યું હતું. 25 ફેબ્રુઆરીના રોજ કેબિનેટની બેઠક પછી બોલતા, CM સ્ટાલિને ભાર મૂક્યો હતો કે, તમિલનાડુમાં કુટુંબ નિયોજન નીતિઓના સફળ અમલીકરણથી હવે રાજ્યને નુકસાન થયું છે. તેમણે કહ્યું હતું કે, 'જો વસ્તી ગણતરીના આધારે સીમાંકન લાગુ કરવામાં આવે તો, તમિલનાડુના આઠ સાંસદો ઓછા થઇ જશે. આના કારણે, તમિલનાડુ સંસદમાં પોતાનું પ્રતિનિધિત્વ ગુમાવશે.'

CM MK સ્ટાલિને કહ્યું છે કે, આનાથી સંસદમાં આપણી હાજરી ઓછી થશે. તમિલનાડુનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, આ તમિલનાડુના અધિકારોનો મામલો છે. બધા પક્ષો અને નેતાઓએ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને આ મુદ્દા પર અવાજ ઉઠાવવો જોઈએ.
જોકે, CM સ્ટાલિનના આ દાવાને કેન્દ્ર સરકાર અને BJP બંનેએ નકારી કાઢ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CM સ્ટાલિન પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, પ્રસ્તાવિત સીમાંકનમાં દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી એક પણ લોકસભા બેઠક ઘટાડવામાં આવશે નહીં.