- National
- ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જાણો લેટરમાં શું લખ્યું, શું કારણ આપ્યું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જાણો લેટરમાં શું લખ્યું, શું કારણ આપ્યું
આખા દેશમાં જેને લઈને બબાલ ચાલી રહી હતી, તેને લઈને ફાઈનલી ખબર આવી ગઈ છે અને શિક્ષણમંત્રીના પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાનો લેટર મૂકી દીધો છે.
https://twitter.com/dpradhanbjp/status/2080938216505667663
તેમણે લેટરમાં લખ્યું હતું કે....
મારા યુવા સાથીઓ,
હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યો છું. મારો હંમેશા એવો વિશ્વાસ રહ્યો છે કે એક સશક્ત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ સશક્ત રાષ્ટ્રનો પાયો હોય છે.
હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, લાગણીઓ અને તેમની વાજબી અપેક્ષાઓનું ઊંડું સન્માન કરું છું. ભારતની યુવા પેઢીના સપના સાકાર કરવા એ આપણા સૌના રાજકીય અને સામાજિક જીવનનો નૈતિક સંકલ્પ રહ્યો છે. આદરણીય વડાપ્રધાન જીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રની સેવા કરવાનો જે અવસર મને મળ્યો તે માટે હું વડાપ્રધાનજીનો આભાર વ્યક્ત કરું છું.
પરંતુ 3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. ભારત સરકારે આ બાબતને તરત જ ગંભીરતાથી લઈને તપાસ CBI ને સોંપી અને પરીક્ષા રદ્દ કરી તેમજ ફરીથી પરીક્ષાની તારીખ જાહેર કરી. આ સાથે જ આગામી વર્ષથી આ પરીક્ષા CBT મોડમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ દરમિયાન અમારી મુખ્ય પ્રાથમિકતા એ રહી કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા સુચારૂ રીતે યોજાય. આ માટે 'whole of government approach' હેઠળ કામ કરવામાં આવ્યું. તેમાં ભારત સરકારની સાથે રાજ્ય સરકાર, ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને માતા-પિતાના સહયોગથી 21 જૂન 2026 ના રોજ આ પરીક્ષા પૂર્ણ થઈ.
પ્રથમ દિવસથી જ, આંગળી ચીંધાયા વગર મેં આની જવાબદારી લીધી અને આ પરિસ્થિતિથી ક્યારેય મોં ફેરવ્યું નથી. મારો એ સંકલ્પ હતો કે આપણે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું ભવિષ્ય પરીક્ષા માફિયાઓના કારણે ખરાબ નહીં થવા દઈએ, કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં થવા દઈએ.
16 જુલાઈના રોજ જાહેર થયેલા નીટ-યુજીના પરિણામો સંતોષજનક રહ્યા જેમાં ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવેલા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ સફળતા મળી.
પરંતુ આ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા વ્યક્તિઓએ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મારું મન અત્યંત વ્યથિત થયું છે.
હું હંમેશા આપણા પ્રજાતંત્રની શક્તિમાં અખૂટ વિશ્વાસ ધરાવનારો રહ્યો છું તથા યુવાનોની આકાંક્ષાઓ, સપનાઓ અને અપેક્ષાઓનું ઊંડું સન્માન કરતો આવ્યો છું. તેઓ માત્ર ભારતનું ભવિષ્ય જ નથી, પરંતુ એક નવા અને વિકસિત ભારતના વાહક, નિર્માતા અને ભવિષ્યના શિલ્પકાર પણ છે.
છેલ્લા 10 દિવસનો ઘટનાક્રમ જોઈને મારું મન દુઃખી છે. આ મારા માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી.
ભારતની યુવાશક્તિ જ આ દેશની અસલી તાકાત છે.
દેશની યુવાશક્તિને ભ્રમના કચક્રમાં ફસાવા નહીં દઈએ, એ જ મારો સંકલ્પ છે.
જંતર-મંતર પર અને દેશમાં જે સ્થિતિ બની છે, આ સ્થિતિનો દેશવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા જળવાઈ રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, આપણા બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે, કરિયર બનાવવા પર ફોકસ કરે, આ જ વાત પર વિચાર કરતા મેં મારું રાજીનામું આદરણીય વડાપ્રધાન જીને મોકલી આપ્યું છે.
હું આદરણીય વડાપ્રધાન જીના માર્ગદર્શન, વિશ્વાસ અને નિરંતર સહયોગ માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સાથે જ, મંત્રીપરિષદના મારા તમામ સન્માનિત સહયોગીઓ, મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓ તથા એ તમામ વ્યક્તિઓનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમના સાથમાં મને કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાષ્ટ્રસેવા મારા જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હું આ માટે હંમેશા સમર્પિત રહીશ.
પ્રભુ શ્રીજગન્નાથ જીના આશીર્વાદથી હું ભવિષ્યમાં પણ ભારત માતા, ઓડિશાની જનતા તથા દેશના યુવાનોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે દરેક શક્ય રીતે સ્વયંને સમર્પિત રાખીશ.
આપનો,
ધર્મેન્દ્ર પ્રધાન

