- National
- રેલવે ભાડામાં થનારા વધારાથી ચિંતિત થશો નહીં, તેની પાછળ છુપાયેલો છે એક 'મોટો હેતુ'
રેલવે ભાડામાં થનારા વધારાથી ચિંતિત થશો નહીં, તેની પાછળ છુપાયેલો છે એક 'મોટો હેતુ'

રેલ્વે ભાડું વધારવા જઈ રહ્યું છે, પરંતુ તેની પાછળનો હેતુ આવક વધારવાનો છે. રેલ્વે મંત્રાલય AC ક્લાસ, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના ભાડામાં વધારો કરી શકે છે. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, નવા દરો 1 જુલાઈથી અમલમાં આવી શકે છે. ભાડા વધારા અંગે ટોચના સ્તરે વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર ટૂંક સમયમાં તેના અંગે સૂચના બહાર પાડી શકે છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, AC ક્લાસ માટે પ્રતિ કિલોમીટર બે પૈસા, નોન-AC (મેઇલ/એક્સપ્રેસ) માટે પ્રતિ કિલોમીટર એક પૈસા અને સેકન્ડ ક્લાસ (જનરલ ક્લાસ)માં 500 કિલોમીટરથી વધુ અંતર માટે પ્રતિ કિલોમીટર અડધા પૈસાનો વધારો થઈ શકે છે.

પેસેન્જર કિલોમીટર (PKM)ના પ્રોજેક્શન મુજબ, ભાડા વધારા પછી, નાણાકીય વર્ષ 2025-26ના બાકીના સમયમાં લગભગ 700 કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી શકાય છે.
રેલવેના મતે, નાણાકીય વર્ષ 2025-26માં મુસાફરોના ભાડામાંથી કુલ અંદાજિત આવક 92,800 કરોડ રૂપિયા થઈ શકે છે કારણ કે મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. નાણાકીય વર્ષ 2024-25માં, 736 કરોડથી વધુ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને તેમાંથી કુલ યાત્રી આવક 75,215 કરોડ રૂપિયા હતી.

રેલવેને તેની આવકનો લગભગ 65 ટકા માલભાડામાંથી મળે છે, જ્યારે મુસાફરોના ભાડા 30 ટકા ફાળો આપે છે અને બાકીની આવક અન્ય સ્ત્રોતોમાંથી આવે છે.
મુસાફરોના ભાડામાં, AC ફર્સ્ટ ક્લાસ, AC 2-ટાયર, AC 3-ટાયર અને AC ચેર કાર મુસાફરોના ભાડામાંથી લગભગ 54 ટકા આવક આપે છે, પરંતુ કુલ મુસાફરોમાંથી માત્ર 4.8 ટકા મુસાફરો AC ક્લાસમાં મુસાફરી કરે છે, જ્યારે સ્લીપર અને જનરલ ક્લાસ મળીને લગભગ 37 ટકા મુસાફરોનું વહન કરે છે. ઉપનગરીય ટ્રેનો કુલ મુસાફરોના 57 ટકા જેટલા મુસાફરોનું વહન કરે છે.

જાન્યુઆરી 2020માં, જ્યારે મંત્રાલયે નોન-AC ક્લાસ (મેલ/એક્સપ્રેસ), જેને સ્લીપર ક્લાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, માટે પ્રતિ કિલોમીટર 2 પૈસા અને AC ક્લાસ માટે પ્રતિ કિલોમીટર 4 પૈસાનો વધારો કર્યો હતો. 80 Km સુધીના ઉપનગરીય ભાડા અથવા સીઝન ટિકિટમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો.
મે 2022માં, AC EMU (એર કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ-જેમ કે મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનો)ની એક જ મુસાફરી માટે ભાડું 50 ટકા સુધી ઘટાડવામાં આવ્યું હતું. પ્રથમ વર્ગના ભાડામાં પણ 41 ટકા થી 49 ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2024માં, રેલ્વે પરની સ્થાયી સમિતિએ ભારતીય રેલ્વેને ભલામણ કરી હતી કે, AC ક્લાસમાંથી થતી આવકની સમીક્ષા કરવામાં આવે. રેલ્વે મુસાફરોની સેવાઓને ભારે સબસિડી આપી રહી છે.
સંસદીય સમિતિના અહેવાલ મુજબ, ઉપનગરીય સેવાઓ ખર્ચના લગભગ 30 ટકા અને નોન-AC મુસાફરીથી 39 ટકા કમાય છે જ્યારે AC મુસાફરીથી ફક્ત 3.5 ટકા કમાય છે.

સમિતિએ કહ્યું હતું કે, ભારતીય રેલ્વેની આવક વધારવા માટે, પેસેન્જર ભાડામાંથી થતી આવક વધારવી સૌથી મહત્વપૂર્ણ છે. સમિતિએ કહ્યું હતું કે, 'ભારતીય રેલ્વે કરોડો ગરીબ લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે અને સામાજિક જવાબદારીઓને કારણે ભારતીય રેલ્વેને ખર્ચ કરતાં ઓછું ભાડું વસૂલવાને કારણે નુકસાન સહન કરવું પડે છે.'
સમિતિએ સ્વીકાર્યું હતું કે 'જનરલ ક્લાસ' મુસાફરી સામાન્ય માણસ માટે પોસાય તેવી રહેવી જોઈએ, પરંતુ તેણે ભારતીય રેલ્વેને AC ક્લાસમાંથી થતી આવકના ખર્ચની સમીક્ષા કરવા પણ વિનંતી કરી હતી જેથી મુસાફરોના ભાડામાં થતા નુકસાનને ઘટાડી શકાય.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
