- National
- પિતાએ 70 લાખની કાર સાથે 800 ગ્રામ સોનું આપ્યું છતા લોભિયા સાસરિયાઓને ઓછું પડ્યું અને રિધાન્યાનો જીવ
પિતાએ 70 લાખની કાર સાથે 800 ગ્રામ સોનું આપ્યું છતા લોભિયા સાસરિયાઓને ઓછું પડ્યું અને રિધાન્યાનો જીવ ગયો
એપ્રિલ 2025માં, 27 વર્ષીય રિધાન્યાના લગ્ન કવિન કુમાર (28) સાથે થયા. રિધાન્યાના પિતા અન્નાદુરાઈએ 100 સોવરિન (800 ગ્રામ) સોનાના દાગીના અને 70 લાખ રૂપિયાની વોલ્વો કાર દહેજ તરીકે આપી હતી. પરંતુ હવે રિધાન્યાએ કથિત રીતે આત્મહત્યા કરી છે, કારણ કે તેના સાસરિયાઓ તેને 'ઓછા દહેજ' માટે હેરાન કરી રહ્યા હતા. પીડિતાના પરિવારે ફેબ્રુઆરીમાં એક ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં ઉજવણી પર 2.5 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે સોશિયલ મીડિયા પર પત્નીઓ દ્વારા પતિઓની કથિત હત્યાઓની ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો માને છે કે આ કિસ્સાઓ વધુ ચર્ચામાં એટલા માટે આવે છે કારણ કે પુરુષો સામે ગુનાઓ થઈ રહ્યા છે. જ્યારે તેની તુલનામાં, સ્ત્રીઓ વિરુદ્ધ ગુનાઓ હજુ પણ ખૂબ વધારે થતા હોય છે.
રવિવાર, 29 જૂનના રોજ, રિધાન્યાએ મોંડીપલાયમમાં એક મંદિરમાં જઈ રહી હોવાનું કહીને ઘરેથી નીકળી ગઈ. આ સમય દરમિયાન, તેણે રસ્તા પર પોતાની કાર રોકી અને કથિત રીતે આત્મહત્યા કરી. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં લાંબા સમય સુધી એક કાર પાર્ક કરેલી જોઈ અને પોલીસને તેના વિશે જાણ કરી. જ્યારે પોલીસ પહોંચી અને જોયું તો રિધાન્યા કારની અંદર મૃત હાલતમાં મળી આવી હતી.
મીડિયા સૂત્રોએ સ્થાનિકો પાસેથી મળેલી માહિતીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, રિધાન્યાએ તેના મૃત્યુ પહેલા વોટ્સએપ પર તેના પિતાને સાત ઓડિયો સંદેશા મોકલ્યા હતા. જેમાં તેણે પોતાના નિર્ણય માટે માફી માંગી હતી. અને તેણે કહ્યું હતું કે તે કથિત ત્રાસ સહન કરી શકતી નથી. તેણે કહ્યું હતું કે તે રોજિંદા માનસિક ત્રાસ સહન કરી શકતી નથી.
ઓડિયોમાં તેણે કહ્યું, 'કવિન અને તેના માતા-પિતાએ મારા લગ્ન તેની સાથે કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. હવે હું તેમનો રોજિંદો માનસિક ત્રાસ સહન કરી શકતી નથી. મને ખબર નથી કે આ વિશે કોની સાથે વાત કરું. જોનારાઓ ઇચ્છે છે કે હું સમાધાન કરું, તેઓ કહે છે કે જીવન આમ જ ચાલશે અને તેઓ મારું દુઃખ સમજી શકતા નથી. તમે પણ વિચારતા હશો કે હું જૂઠું બોલી રહી છું, પણ એવું નથી. બધા બનાવટ કરી રહ્યા છે અને મને ખબર નથી કે હું કેમ ચૂપ છું અથવા હું આવી કેમ બની ગઈ છું. પણ હું આખી જિંદગી તમારા પર બોજ બનવા માંગતી નથી. આ વખતે મેં કોઈ ભૂલ કરી નથી. મને આ જીવન ગમતું નથી.'
આ ઘટનાથી વ્યાપક આક્રોશ ફેલાયો છે, રિધાન્યાના સંબંધીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, રિધાન્યાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસે કેસ નોંધીને તેના પતિ કવિન કુમાર, સસરા ઈશ્વરમૂર્તિ અને સાસુ ચિત્રાદેવીની ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) અને દહેજ પ્રતિબંધ કાયદાની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

