- National
- વિધાનસભામાં ગેમ રમતા મંત્રીએ પોતાની જ સરકારને ભિખારી કેમ કહી દીધી? CMએ શું કહ્યું
વિધાનસભામાં ગેમ રમતા મંત્રીએ પોતાની જ સરકારને ભિખારી કેમ કહી દીધી? CMએ શું કહ્યું
વિધાનમંડળમાં ફોન પર રમી રમવાને કારણે વિવાદોમાં આવેલા મહારાષ્ટ્રના મંત્રી માણિકરાવ કોકાટેએ મંગળવારે વધુ એક વિવાદને જન્મ આપી દીધો, જ્યારે તેમણે ખેડૂતો પર પોતાની અગાઉની ટિપ્પણીને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરતા સરકારને ‘ભિખારી’ કહી દીધી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મંત્રીઓ માટે આ રીતે બોલવું અનુચિત છે સાથે જ તેમણે કહ્યું કે, પડકારો હોવા છતાં, મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે.
શું છે આખો મામલો?
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને રાજ્યના કૃષિ મંત્રી કોકાટેએ આ વર્ષની શરૂઆતમાં ખેડૂતોની સરખામણી ભિખારીઓ સાથે કરી દીધી હતી. તેમણે કહ્યું કે, અહી સુધી કે ભિખારી ભિખમાં એક રૂપિયો પણ લેતા નથી, પરંતુ અહીં અમે એક રૂપિયાનો પાક વીમો આપી રહ્યા છીએ. છતા કેટલાક લોકો તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે.’ ટિપ્પણી બાબતે પૂછવામાં આવતા કોકાટેએ મંગળવારે કહ્યું હતું કે, ‘સરકાર ખેડૂતોને એક રૂપિયો આપતી નથી, પરંતુ તેમની પાસેથી એક રૂપિયો લે છે. સરકાર પોતે ભિખારી છે.’
નાસિક જિલ્લાના સિન્નર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા મંત્રીએ જણાવ્યું હતું કે, એક રૂપિયાની પાક વીમા યોજના માટે 5 લાખથી 5.3 લાખ નકલી અરજીઓ મળી હતી અને તેમણે તેને નકારી દીધી હતી અને અનેક સુધારાત્મક પગલાં ઉઠાવ્યા. 2 વર્ષ અગાઉ શરૂ કરાયેલી એક રૂપિયાની પાક વીમા યોજના થોડા મહિના અગાઉ રદ કરી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગૂ કરવામાં આવી.
મુખ્યમંત્રી ફડણવીસે શું કહ્યું?
કોકાટેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા ફડણવીસે કહ્યું કે, ‘જો તેમણે આવી ટિપ્પણી કરી છે, તો મંત્રીઓ માટે આ રીતે બોલવું અનુચિત છે. અમે પાક વીમા યોજનામાં સુધારાત્મક પગલાં લીધાં છે કારણ કે અમે જોયું કે ખેડૂતોને નહીં, પરંતુ વીમા કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. અમે કૃષિ ક્ષેત્રમાં દર વર્ષે 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે પગલાં લીધાં છે. પડકારો છતા મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા સારી છે.’
NCP (SP)ના સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વીટર પર એક પોસ્ટમાં કહ્યું કે રાજ્યને ‘ભિખારી’ કહેવું અસંવેદનશીલતા છે. આ રાજ્યના અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓ અને રાજ્યના લોકોની મહેનતનું અપમાન છે. અમે આ અપમાન ક્યારેય સહન નહીં કરીએ.’
આ અગાઉ, પત્રકારો સાથે વાત કરતા કોકાટેએ દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય પોતાના મોબાઇલ ફોન પર ઓનલાઈન ‘રમી ગેમ’ રમી નથી જેમ કે વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે. તેમણે રાજીનામાની માગણીને નકારી કાઢતા કહ્યું હતું કે એક નાના મુદ્દાને વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મંત્રીનો કાફલો નાસિક રોડ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વિપક્ષ શિવસેના (UBT)ના કેટલાક કાર્યકરોએ તેમનો વિરોધ નોંધાવવા માટે તેમના કાફલા પર પત્તા ફેંકવાનો પ્રયાસ કર્યો.
તમને જણાવી દઈએ કે, NCP (શરદચંદ્ર પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે રવિવારે તેમના X હેન્ડલ પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં કોકાટે વિધાન પરિષદના ચોમાસું સત્ર દરમિયાન તેમના મોબાઇલ ફોન પર ઓનલાઈન 'રમી' રમતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવતા જ રાજકીય હોબાળો મચી ગયો હતો. NCP (SP)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે સોમવારે 2 વીડિયો પોસ્ટ કર્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્ય વિધાનસભા પરિષદના તાજેતરના ચોમાસું સત્ર દરમિયાન કોકાટે તેમના મોબાઇલ ફોન પર 'જંગલ રમી' ઓનલાઇન ગેમ રમતા જોવા મળ્યા હતા.

