- National
- અમેરિકામાં મોહન ભાગવતે કહ્યું- ભારતમાંથી મુસ્લિમોને કાઢવા એ હિંદુત્વ નથી, તમામ માર્ગો ભગવાન તરફ જાય
અમેરિકામાં મોહન ભાગવતે કહ્યું- ભારતમાંથી મુસ્લિમોને કાઢવા એ હિંદુત્વ નથી, તમામ માર્ગો ભગવાન તરફ જાય છે...'
મોહન ભાગવતે અમેરિકાના ન્યૂયોર્કમાં 'એક વિશ્વ, એક માનવતા' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે હું એવા સમાજમાં કામ કરી રહ્યો છું જે પરંપરાગત રીતે કહે છે કે ધર્મ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ માનવતા એક છે. સત્ય એક છે અને માનવતા એજ સત્યની ઉપજ છે. તેથી માનવતા એક છે. સત્ય એક છે, પરંતુ તેને અલગ અલગ રીતે કહેવામાં આવે છે અને સમજાવવામાં આવે છે. કારણ કે આપણે મનુષ્યો આપણા અનુભવો અને આપણી મર્યાદાઓના કેદી છીએ. આપણે માણસ છીએ અને ઓછામાં ઓછા સાત રંગો જોઈએ છીએ. હું એક પશુ ચિકિત્સક છું, હું કૂતરા વિશે જાણું છું. કૂતરા માત્ર કાળા અને સફેદ રંજ જ જુએ છે. હવે તમે કૂતરાને દુનિયા અંગે ગમે તેટલી વખત સમજાવો, તે આપણી જેમ તેને ક્યારેય સમજી શકશે નહીં. પરંતુ આનો અર્થ એ નથી કે કૂતરાનો અનુભવ અસત્ય છે. તેણે જે જોયું છે તે તેના માટે વાસ્તવિક છે. એ જ રીતે, માણસ તરીકે, સાત રંગો જોવું અને અનુભવવું એ પણ આપણા માટે સત્ય છે. પરંતુ આપણે બધા એક જ વસ્તુનો અનુભવ કરી રહ્યા છીએ, જે તે સત્ય પર આધારિત છે.
તેમણે કહ્યું કે દુનિયામાં અનેક ધર્મો છે. આજના વિશ્વમાં ધર્મોની ઓળખ મોટાભાગે તેમના રીતિ-રિવાજો અને અનુષ્ઠાનો દ્વારા ઓળખાય છે. કોઈપણ ધાર્મિક અનુશાસનમાં સામેલ થવા અને તે માર્ગને અનુસરતા દિવ્યતા સુધી પહોંચવા માટે, આ ધાર્મિક વિધિઓ અને શિસ્તોનું પાલન કરવું જરૂરી છે. પણ દરેક ધર્મ આપણને ક્યાં લઈ જાય છે? તે આપણને એજ અંતિમ સત્ય તરફ લઈ જાય છે.
https://twitter.com/ANI/status/2093746841997434891?s=20
મોહન ભાગવતે કહ્યું કે જો હું કોઈ વસ્તુ તરફ ઈશારો કરીને તમને કહું કે ત્યાં પ્રકાશ છે તો તમે પહેલા મારી આંગળી અને પછી તે પ્રકાશ તરફ જોશો. પરંતુ જો તમે મારી આંગળીને જોતા રહો અને તેના પર જ અટકી જશો, તો તમે તે પ્રકાશને ક્યારેય જોઈ શકશો નહીં. પછી હેતુ જ સમાપ્ત થઈ જાય છે. અમારો ઉદ્દેશ્ય અંતિમ સત્યને શોધવાનો છે. એ દિવ્યતાને, જેને આપણે જુદા જુદા નામોથી બોલાવીએ છીએ. આજકાલ વિજ્ઞાન તેને 'કોન્શિયસનેસ' એટલે કે ચેતના કહે છે. આપણે સત્યના એ માર્ગ પર ચાલવાનું છે. પરંતુ આપણે હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે લક્ષ્ય એક છે અને રસ્તાઓ અનેક છે. હું આપણી પરંપરામાંથી બીજું ઉદાહરણ આપવા માંગું છું.
તેમણે કહ્યું આપણી પરંપરામાં કહેવાયું છે કે પૃથ્વી પર પડતું દરેક પાણી આખરે સમુદ્ર સુધી પહોંચે છે. રસ્તાઓ જુદા-જુદા છે. ઘણા રસ્તાઓ છે. કેટલાક સીધા છે, કેટલાક વાંકાચૂકા છે. કેટલાક માર્ગો અન્ય કરતા લાંબા છે, કેટલાક ટૂંકા છે. કેટલાક ખૂબ જ સારી રીતે બનાવવામાં આવેલા માર્ગો છે અને કેટલાક માત્ર જંગલના માર્ગ છે. રસ્તાઓનું અલગ-અલગ છે અને જુદા જુદા રસ્તાઓ આપણી ધારણાઓમાં તફાવતને કારણે છે. પરંતુ તમામ માર્ગો એજ દિવ્યતા, એજ ભગવાન અથવા એજ સત્ય તરફ દોરી જાય છે.
https://twitter.com/ANI/status/2093749264799449349?s=20
મોહન ભાગવતે કહ્યું કે આપણે ત્યાં પરંપરાગત રીતે તમામ સંપ્રદાયોના લોકો માટે સ્થાન છે. ભારતે હંમેશાં દરેકને આશ્રય આપવાનો પ્રયાસ કર્યો છે. દુનિયામાં જ્યાં સુરક્ષિત જગ્યા નથી મળી, તેમણે અહીં આવીને આશરો લીધો હતો. પરંતુ આ બધી બાબતોને કારણે કેટલીક સમસ્યાઓ અને અસ્થિરતા પણ ઊભી થઈ છે. અમે RSS તરીકે, કારણ કે અમારી પાસે એ જ્ઞાન છે કે સમગ્ર માનવતા એક છે, આપણું કર્તવ્ય માનીએ છીએ કે સમગ્ર વિશ્વમાં જઈએ અને દરેક વ્યક્તિને કહીએ કે આપણી વિવિધતા હોવા છતાં આપણે એક છીએ. વિવિધતા એક શણગાર છે. તેને સ્વીકારવું જોઈએ, તેનો આદર કરવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. જેમ હું મારા પોતાની અનન્ય પ્રકૃતિનું રક્ષણ કરું છું તેમ મારે બીજાની વિશિષ્ટતાની પણ રક્ષા કરવી જોઈએ. કારણ કે વિવિધતા એ પ્રકૃતિનો નિયમ છે અને એકતા એ પ્રકૃતિ પાછળનું સત્ય છે.
https://twitter.com/ANI/status/2093749876618338642?s=20
આ વિચાર સાથે 1925માં આ સફર શરૂ થઈ હતી. છેલ્લા 100 વર્ષો દરમિયાન અમે અમારા સમાજમાં પોતાનું સ્થાન અને પ્રતિષ્ઠા બનાવી છે. આજે જ્યારે હું આ વાત કહું છું ત્યારે કોઈ પૂછે કે આટલા વર્ષો તમે ક્યાં હતા? તમે આજે આ કહાની કહી રહ્યા છો. અમે અહીં હતા, પરંતુ સમાજે ન સ્વીકાર્યા અથવા અમારી અવગણના કરવામાં આવી હતી. જો હું તે સમયે અહીં આવ્યો હોત અને ભાગ લેવાનો પ્રયત્ન કર્યો હોત, તો કદાચ મને બહાર અટકાવી દેવામાં આવ્યો હોત. આજે આપણા સમાજમાં આપણી કેટલીક વાતો સાંભળવામાં આવે છે. આટલા બધા બોજ હોવા છતાં, અમે આશા રાખીએ છે કે સાથે મળીને રહી શકીએ છીએ.
https://twitter.com/ANI/status/2093746841997434891?s=20
2018માં દિલ્હીમાં એક કાર્યક્રમમાં મુસ્લિમ ભાઈઓ પણ હાજર રહ્યા હતા. તેમણે મને એક પ્રશ્ન પૂછ્યો કે, તમે હિન્દુ સંગઠન છો, તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો, તો પછી અમારું શું થશે? શું તમે અમને કાઢી દેશો? મેં કહ્યું- નહીં. આ હિંદુ વિચાર નથી. જો કોઈ હિંદુ એવું માને છે કે કોઈએ મુસ્લિમ ન હોવું જોઈએ, તો તે હિંદુ રહી શકે નહીં. હિંદુ હોવાનો અર્થ એ માનવું છે કે તમામ માર્ગો એજ સત્ય તરફ જાય છે અને દરેક મનુષ્યનું ગૌરવ છે. માણસો વચ્ચે કોઈ ભેદ નથી. એક જ્ઞાની માણસ પણ કૂતરા અને વિદ્વાન બ્રાહ્મણ વચ્ચે પણ સમાનતા જુએ છે, કારણ કે આ બધા તફાવતો પ્રકૃતિની વિવિધતાનો ભાગ છે. આપણે આ વિવિધતા સાથે આગળ વધવાનું છે. પરંતુ જે વાસ્તવિકતા હંમેશાં અસ્તિત્વમાં છે તે એક છે. આપણી વચ્ચેના તફાવતો અને તેમની મૂંઝવણ થોડા સમય માટે અસ્તિત્વમાં હોઈ શકે છે, પરંતુ આખરે તે દૂર થઈ જશે.
તેમણે કહ્યું કે હું તમને આ શીખવવા આવ્યો નથી. તમે એ જાણો છો અને ખરેખર તમે જ લોકોને તે શીખવી રહ્યા છો. સમસ્યા માનવ જ્ઞાનની નથી. આ સમગ્ર વિશ્વની પરંપરાગત જ્ઞાન-પરંપરાઓમાં આ વાત છે. દરેક સમાજની પોતાની પરંપરામાં આ જ્ઞાન છે. સમસ્યા એ છે કે હવે આપણે એવી પરિસ્થિતિ ઊભી કરવી પડશે કે જ્યાં આ જ્ઞાન અસરકારક હોય અને માનવ વર્તનને દિશા આપે. આપણે આપણા વર્તનમાં એકતા અને પ્રેમના જ્ઞાનનો અમલ કરવો પડશે. મોહન ભાગવતે કહ્યું કે આજે અહીં અલગ-અલગ સત્રોમાં જે પણ કહેવામાં આવ્યું છે તેની સાથે હું સહમત છું. આપણે નીતિઓ બનાવતા પહેલા તેને પ્રભાવિત કરવા માંગીએ છીએ. આપણે તેમને સમજાવવા માંગીએ છીએ. આપણે યુદ્ધ રોકવા માંગીએ છીએ. આ બધી બાબતો માટે આપણે રાજકારણમાં આપણી ભૂમિકા વધારવી પડશે. તેમણે કહ્યું કે આપણી પરંપરા માનવતાની એકતાની વાત કરે છે અને આપણાં તમામ નેતાઓએ અલગ-અલગ સમયે તેના પર ભાર મૂક્યો છે. આઝાદી પછી બનેલા આપણા બંધારણમાં પણ આ ભાવના પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ આ માત્ર રાજનીતિથી જ નથી થતું. કમનસીબે, રાજકારણ હવે ઘણી જગ્યાએ સ્વાર્થની રમત બની ગયું છે.
આપણો અનુભવ છે કે આપણે સમાજમાંથી શરૂઆત કરવી પડશે. અમે આની શરૂઆત પહેલાથી જ કરી દીધી છે. 2018 પછી ઘણા લોકોએ મારા તે ભાષણ પર પ્રતિક્રિયા આપી. તેમણે અમને સંવાદ માટે બોલાવ્યા. ત્યારબાદ અમે મુખ્યત્વે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું. સંવાદ એ પ્રથમ પગલું છે. બીજું પગલું સેવા છે. સંવાદની સાથે સાથે સેવા પણ કરવી પડશે અને અમે આ કરી રહ્યા છીએ. પોતાના અસ્તિત્વના સમયથી સેવા કરતા આવીએ છીએ. સેવા કરતી વખતે, આપણે આપણી સામેની વ્યક્તિ કોણ છે તેમાં ભેદ રાખતા નથી. જેને જરૂર હોય તેની સેવા કરવામાં આવે છે. આજે સમાજની મદદથી 1 લાખ 30 હજાર જેટલા નાના-મોટા સેવા પ્રકલ્પ ચાલી રહ્યા છે. તેઓ દરેક જગ્યાએ કામ કરે છે અને દરેકને સમાન રીતે સેવા આપે છે.
મોહન ભાગવતે કહ્યું કે હું મારી વાતને મજબૂત કરવા માટે એક ઉદાહરણ આપવા માંગુ છું. હરિયાણામાં બે વિમાનો અથડાયા હતા. બંને વિમાન આરબ દેશોના હતા અને મોટાભાગના મુસાફરો મુસ્લિમ હતા. દુર્ઘટના પછી અમારા સ્વયંસેવકો સૌથી પહેલા ત્યાં પહોંચનારાઓમાં હતા. તેમણે ઇજાગ્રસ્તોની સારવાર કરી, જેઓની હાલત અત્યંત ગંભીર હતી. બાકીના મૃત્યુ પામ્યા હતા. તેમણે મૃતદેહોને કાઢવામાં, અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં અને મૃતકોની ઓળખ કરવામાં પણ મદદ કરી હતી. તે સમયે અમે વિચાર્યું નહોતું કે તેઓ મુસ્લિમ છે. અમે આ કરી શક્યા કારણ કે અમને કોઈ વળતરની અપેક્ષા નહોતી. અમને બદલામાં કંઈ જોઈતું નથી. એટલા માટે આપણે પ્રચારની બાબતમાં ઘણા પાછળ છીએ. અમારી બાબતે ખોટા નેરેટિવને કારણે ઘણી બધી ગેરસમજો છે. પરંતુ જ્યારે તમે અમને અંદરથી જુઓ છો, ત્યારે આમાંની ઘણી ધારણાંઓ ખતમ થઈ જાય છે.
મોહન ભાગવતે કહ્યું કે હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આપણે સમાજથી શરૂઆત કરવી પડશે અને પોતાની તાકાત બનાવવી પડશે, જેથી આપણે રાજકારણને પ્રભાવિત કરી શકીએ. આજે, લોકશાહીમાં રાજકારણ ઘણી હદ સુધી જનતાના અભિપ્રાય પર નિર્ભર છે. જો જનતાનો અભિપ્રાય મજબૂત હશે તો કોઈ રાજકારણી તેની વિરુદ્ધ જવાની હિંમત કરશે નહીં. આથી આજની સંયુક્ત ચર્ચા પછી આપણે સમાજમાં રહીને સ્થાનિક કક્ષાએથી જ કામ કરવું પડશે. આપણા જ દેશમાં આપણે આવા નાના વિસ્તારો અને સમુદાયો બનાવવાના છે જ્યાં નિઃસ્વાર્થ સેવા અને એકતાનું વાતાવરણ હોય. અને તેમની સાથે સંવાદ ચાલુ રાખવો પડશે. આપણે આ સંવાદ દ્વારા લોકોને જોડવા પડશે.
તેમણે કહ્યું કે જ્યારે લોકો અમારા સેવા પ્રોજેક્ટમાં આવે છે, ત્યારે તેમાંથી ઘણાને તેમની મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. આ પછી તેઓ પોતે જ અમારા પ્રોજેક્ટ્સમાં કામ કરવા પાછા આવે છે. તેમને લાગે છે કે આ પ્રોજેક્ટે તેમને ઘણું બધુ આપ્યું છે અને હવે તેઓએ પણ તેમાં કંઈક યોગદાન આપવું જોઈએ. અમે તેમને તે કરવાનું શીખવતા નથી. આ લાગણી આપોઆપ ઉત્પન્ન થાય છે. આ જ પરિવર્તન લઇને આવે છે. આપણે પોત-પોતાના સ્થાન પર એ દુનિયાના મોડલ બનાવા જોઇએ, જેને આપણે જોવા માંગીએ છીએ.
આપણે આ સંવાદ સતત ચાલુ રાખવો જોઈએ. આ સંવાદને નીચલા સ્તરે પણ લઈ જવો પડશે. જો આપણે અહીંથી શરૂઆત કરીએ અને આપણા લોકોને તેના વિશે કહીએ, તો પછી વિવિધ દેશોમાં, તે દેશોના પ્રાંતોમાં સંવાદ શરૂ કરીએ છીએ, એ દેશોના પ્રાંતોમાં જિલ્લા સ્તરે અને બ્લોક સ્તરે જઈએ, પછી ધીમે ધીમે વાતાવરણ બદલાશે. મોહન ભાગવતે કહ્યું કે સૌ પ્રથમ હું આપ સૌનો આભાર માનું છું. છેલ્લા 23 સત્રોમાં તમે મને ઘણું શીખવ્યું છે. મારા માટે સૌથી મહત્ત્વનો પાઠ એ છે કે તમે બધા એક જ દિશામાં વિચારી રહ્યા છો. અમારા મનમાં પણ આ જ વિચારો ચાલી રહ્યા છે. આપણે એક જ પૃષ્ઠ પર છીએ. અમારે માત્ર એકબીજા સાથે જોડાવાનું છે અને સ્થાનિક સ્તરે કામ શરૂ કરવાનું છે. તમે જે કહ્યું છે તે સંપૂર્ણપણે સાચું છે. અમારા વિચાર પણ તેને સમર્થન આપે છે અને અમારો વ્યવહારુ અનુભવ પણ તે જ દર્શાવે છે. મને લાગે છે કે જો આપણે બધા સાથે મળીને કામ કરવાનું શરૂ કરીએ તો પરિસ્થિતિ બદલી શકીએ છીએ. પરંતુ તેમાં ઘણો સમય લાગશે. લોકોનું મન બદલવું સહેલું નથી.
દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાન અહીં છે. દરેક વ્યક્તિ જાણે છે કે શું થવું જોઈએ. પરંતુ તેમ છતાં લોકો પોતાની પસંદ-નાપસંદને કારણે ખોટા રસ્તે જતા રહે છે. હું પોતે ડાયાબિટીક છું. હું જાણું છું કે ખાંડ મારા માટે સારી નથી. હું પશુ ચિકિત્સક છું, તેથી હું માનવ ડાયાબિટીસ વિશે પણ જાણું છું. પણ જ્યારે મારી સામે કોઈ મીઠાઈ આવે છે ત્યારે હું કહું છું કે ક્યાંરેક ક્યાંરેક ખાવામાં શું છે? હું મારા માટે બહાનું શોધી લઉં છું અને ખાઇ લઉં છું. તેવી જ રીતે, લોકોને યોગ્ય વસ્તુનું જ્ઞાન હોય છે, પરંતુ તેને વ્યવહારમાં મૂકવું મુશ્કેલ છે. તેથી માત્ર શિક્ષણ આપવું પૂરતું નથી. આપણે અભ્યાસ વિકસાવવો પડશે.
તેમણે કહ્યું કે અહીંથી ધાર્મિક વિધિઓનું મહત્ત્વ સામે આવે છે. તમામ ધર્મોના સંસ્કારો તેમની શ્રદ્ધાને આચરણમાં મૂકવાની પ્રક્રિયા શીખવે છે. રામકૃષ્ણ પરમહંસ આપણી પરંપરામાં એક ઉદાહરણ છે. તેમણે જુદા જુદા ધર્મોનો અભ્યાસ કર્યો. તેમણે ભારતીય મૂળના ધર્મો તેમજ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો પણ અભ્યાસ કર્યોં અને તેમના અંતિમ અનુભવો સુધી પહોંચ્યા. આ પછી તેમણે કહ્યું કે, જેટલા મત છે, તેટલા જ રસ્તાઓ છે, પરંતુ બધા એક જ લક્ષ્ય સુધી પહોંચે છે. આ માત્ર સિદ્ધાંત જ નહોતો, પરંતુ તેમનો વાસ્તવિક અનુભવ હતો.
એક બીજા વ્યક્તિ હતા, જેનું નામ હું જાણું છું, તેથી હું તેનું ઉદાહરણ આપી રહ્યો છું. તેઓ પ્રિન્સટન યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગના ડીન હતા. તેમણે વિશ્વની વિવિધ પરંપરાઓમાં આધ્યાત્મિક અનુભવોનો અભ્યાસ કર્યો. તેમણે ગ્રીક પરંપરાઓ, ઇસ્લામિક પરંપરાઓ, કેથોલિક પરંપરાઓ અને વિશ્વની અન્ય પરંપરાઓમાં નોંધાયેલા આવા અનુભવોનો અભ્યાસ કર્યો અને તેના પર અનેક પુસ્તકો લખ્યા. તેમનો નિષ્કર્ષ એ હતો કે માર્ગ ભલે ગમે તે હોય, વિવિધ પરંપરાઓમાં આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરનારા લોકોના અનુભવોમાં આશ્ચર્યજનક સમાનતાઓ જોવા મળે છે. તેથી, આપણે આ બાબતોને સમાજમાં લઈ જવી પડશે.
તેમણે કહ્યું કે પણ હું સમજું છું કે કંઈક બુદ્ધિપૂર્વક સમજવું પૂરતું નથી. મારે મારી આદત બદલવી પડશે. અને તેમાં સમય લાગે છે. આદત એટલી ગહન રીતે બદલવી જોઈએ અને નવી આદત એટલી મજબૂત હોવી જોઈએ કે તે આપણને ભૌતિક સુખોના આકર્ષણ, પ્રભાવશાળી વ્યક્તિ અથવા પ્રભાવશાળી જૂથ બનવાની ઇચ્છા અને શ્રેષ્ઠતાની લાગણી જેવી વસ્તુઓથી બચાવી શકે છે. આ બાબતો સમાજમાં સમસ્યાઓ ઊભી કરે છે. આપણે એવા સમાજ બનાવવાના છે જે આ આકર્ષણો અને દબાણો વચ્ચે પણ તેમના મૂલ્યો પકડીને રાખી શકે.
તેમાં ઘણો સમય લાગશે. તેથી આપણે નિરાશ ન થવું જોઈએ. મેં રીડર્સ ડાયજેસ્ટમાં એક કહાની વાંચી હતી. તેનું શીર્ષક હતું- 'સફળતા અને હાર વચ્ચેનો તફાવત'. કહાની એક એવા માણસની હતી જેણે બધું ગુમાવી દીધું હતું. તેણે નોકરી ગુમાવી દીધી, તેની પત્નીએ તેનું ઘર, કાર અને અન્ય વસ્તુઓ છીનવી લીધી. તેની પાસે માત્ર $150 બચ્યા હતા. કોઈ તેને નોકરી આપવા તૈયાર નહોતું કારણ કે તેના વિશે ખરાબ પ્રચાર થઇ ચૂક્યો હતો.
તેણે નક્કી કર્યું કે તે આત્મહત્યા કરશે. પરંતુ મરતા પહેલા તેણે આ 150 ડોલર ખર્ચવાનું વિચાર્યું. તે લાસ વેગાસ ગયો. ત્યાં તેને એક ખાણ વિસ્તાર વિશે ખબર પડી. લગભગ એક માઈલ લાંબી અને અડધો માઈલ પહોળી જમીન 150 ફૂટ સુધી ખોદવામાં આવી હતી. એવી આશા હતી કે ત્યાંથી કોઇ ખનીજ મળશે. કંપનીઓએ ત્યાં ખોદકામ કર્યું હતું પરંતુ કંઈ મળ્યું નહોતું. તેઓ નિરાશ થઈ ગઈ અને તેણે જમીનની હરાજીની નોટિસ આપી દીધી. આ વ્યક્તિએ સાંજનું અખબાર વાંચ્યું અને તેને તે હરાજી વિશે ખબર પડી. તેણે વિચાર્યું, હું જમીન વિના મરીશ નહીં. હું આ જમીન ખરીદીશ અને પછી મરીશ. તે હરાજીમાં ગયો. જમીન ખરીદનાર તે એકમાત્ર વ્યક્તિ હતો, તેથી તેને તે જમીન મળી ગઇ. હરાજી પૂરી થયા બાદ ત્યાં કામ કરતા કામદારોએ તેને પૂછ્યું કે શું હવે તમે માલિક છો? શું આપણે ખોદવાનું ચાલુ રાખીશું કે કામ બંધ કરી દઇએ? તેણે કહ્યું કે તમે સાંજે 5 વાગ્યા સુધી પૈસા લધા છે, તેથી વધુ ત્રણ ફૂટ ખોદી લો. તેમણે વધુ ત્રણ ફૂટ ખોદ્યો અને ત્યાંથી સોનું મળ્યું. મને ખબર નથી કે આ વાર્તા વાસ્તવિક છે કે કાલ્પનિક. પરંતુ આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે, આપણે કદાચ ત્રણ ફૂટ આગળ કામ કરવાનું ચાલુ રાખવું પડી શકે છે. કામ ક્યારેય પૂરું થતું નથી. તેને સતત ચાલુ રાખવું પડશે.
ધર્મગુરુઓએ સમયાંતરે આ જ્ઞાન સમાજ સુધી પહોંચાડવું પડશે. અમે 2018 થી સતત આ કામ કરી રહ્યા છીએ. કેટલીકવાર લોકો મારી પાસે આવે છે અને કહે છે કે આપણેસાત વખત સાથે બેઠા છીએ, પરંતુ કંઈ થયું નથી. હું તેમને કહું છું સતત કરતા રહો. જો તમારો ધ્યેય સાચો છે, તો કંઈક ચોક્કસપણે થશે. કદાચ આપણે પહેલા આપણી જાતને સુધારવી પડશે. પરંતુ જો આપણો ઉદ્દેશ્ય સાચો હોય તો આપણે આગળ વધતા રહેવું પડશે. આજે આપણે આ સહિયારા રીઝોલ્યુશનમાં વધુ એક વસ્તુ ઉમેરવી જોઈએ. આપણે આ ધ્યેયને ત્યાં સુધી અથાકપણે આગળ વધવાનું ચાલુ રાખીશું. આપણે આ કાર્ય સતત કરતા રહીશું, જેથી માનવ સમાજ ફરી ક્યારેય દુષ્ટતાના ખાડામાં ન પડે. એવું ન થવું જોઈએ કે લોકો અંદરોઅંદર લડતા રહે અને આખરે તેમની સાથે આ પૃથ્વીનો નાશ કરી દે. આના માટે આપણી પાસે એક રસ્તો છે. હું ખૂબ ખુશ અને આશ્વસ્ત છું કે આવું નહીં થાય.

