- World
- નેપાળમાં પૂરનું કારણ શું હતું? ચર્ચામાં ત્રણ થિયરી, ભારત માટે કેટલું જોખમ? 175 લોકોના શવ મળ્યા, 1500...
નેપાળમાં પૂરનું કારણ શું હતું? ચર્ચામાં ત્રણ થિયરી, ભારત માટે કેટલું જોખમ? 175 લોકોના શવ મળ્યા, 1500થી વધુ લોકો હજુ ગુમ
બુધવારે સવારે નેપાળના અનેક વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું, જેના કારણે થોડા કલાકોમાં જ વ્યાપક વિનાશ વેરાયો હતો. રસુવા, નુવાકોટ, ધાડિંગ અને ચિતવનમાં પુલ તૂટી ગયા અને વીજળીના માળખાને નુકસાન થયું. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અચાનક આટલું પાણીનો પ્રવાહ ક્યાંથી આવ્યું? તેનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે, અને પ્રાથમિક તપાસમાં ત્રણ શક્યતાઓ સામે આવી છે. આ દરમિયાન, પૂરનું પાણી નારાયણી-ગંડક નદીના માર્ગે ભારત સુધી પહોંચી શકે છે; આને જોતા બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર પૂરનું પાણી તિબેટ નજીક લ્હેન્દે નદીના ઉપરના ભાગોમાંથી આવ્યું હતું. બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ પાણી નેપાળના રસુવા જિલ્લામાં પહોંચ્યું, ત્યારબાદ શક્તિશાળી વહેણ નુવાકોટ અને ધાડિંગ સુધી ગયા. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ તિબેટ સરહદ પર રસુવાગઢી, નુવાકોટમાં નવો ત્રિશુલી પુલ અને ધાડિંગમાં મલેખુ પુલની સરખામણી કરવામાં આવી હતી. પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે. આટલું બધું પાણી અચાનક ક્યાંથી આવ્યું?
પ્રથમ આશંકા નદીને રોકીને બેસી ગયો કાટમાળ
પ્રથમ આશંકા છે કે પર્વત પરથી મોટી માત્રામાં બરફ, ખડકો અને કાટમાળ સરકીને નદીમાં પડ્યો, જેનાથી પ્રવાહ અસ્થાયી રૂપે અવરોધાયો. પરિણામે, ઉપર તરફ પાણીનો મોટો જથ્થો એકઠો થતો ગયો. દબાણ એટલું વધી ગયું કે આખરે આ અવરોધ તૂટી ગયો, જેના કારણે પૂર નીચાણવાળા વિસ્તારોમાં ઉતરી આવ્યો.
નેપાળની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, રસુવાગઢીથી આશરે 20 કિલોમીટર દૂર બરફ અને ખડકોના હિમપ્રપાતના સંકેતો મળી આવ્યા છે. આ ઉપરાંત, સેટેલાઇટ છબીઓમાં પણ નદીની પહોળાઈ અચાનક વધતી દેખાઇ રહી છે. જો કે, ફક્ત આ છબીઓના આધારે તે નક્કી નહી કરી શકાય કે પૂર ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ને કારણે જ આવ્યું હતું.
બીજી આશંકા: ભૂકંપ પછી પર્વત ધરાશાયી
બીજી આશંકા ભૂકંપ સાથે જોડાયેલી છે. પૂરના થોડા સમય પહેલા, તિબેટના આ પ્રદેશમાં ભૂકંપ જેવા આંચકા નોંધાયા હતા. શરૂઆતમાં, આ ઘટના ભૂકંપ માનવામાં આવી હતી. હવે, USGSએ તેની સ્થિતિ અપડેટ કરી છે; ભૂકંપીય માહિતી અને સેટેલાઇટ છબીઓની સરખામણી કરવાથી જાણવા મળ્યું છે કે ભૂસ્ખલનને કારણે આ ઝટકા અનુભવાયા હતા. આનાથી ભૂકંપને કારણે પૂર આવ્યું હોવાની શરૂઆતની પૂર્વધારણા નબળી પડી ગઇ છે.
ત્રીજી આશંકા: હિમનદી તળાવ ફાટ્યો?
ત્રીજી આશંકા GLOF એટલે કે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ છે. સરળ શબ્દોમાં કહીએ તો, પર્વતો પર બનેલા હિમનદી તળાવમાંથી પાણી અચાનક ફૂટે તો તે નીચે તરફ એક શક્તિશાળી વહેણ બની શકે છે. નેપાળના જળવિજ્ઞાન અને હવામાનશાસ્ત્ર વિભાગના વરિષ્ઠ હવામાનશાસ્ત્રી મીન કુમાર આર્યાલે જણાવ્યું હતું કે ભોટેકોશીમાં આવેલું પૂર વરસાદને કારણે થયું નહોતું. તેમના મતે, રસુવામાં પાછલા 24 કલાકમાં 7 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો નહોતો. એટલે, હિમનદી તળાવ ફાટવાની શક્યતાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
હવે ભારતની ચિંતા શા માટે વધી?
નેપાળથી આવતા પૂરના પાણીનો માર્ગ ભારતમાં વહેતી નદી સાથે જોડાય છે. ત્રિશુલી નદી દેવઘાટમાં કાલી ગંડકી સાથે ભળે છે, ત્યારબાદ તે નારાયણી નદી બની જાય છે. આ જ નારાયણી ભારતમાં વાલ્મીકિનગર પાસે પહોંચીને, ગંડક નદી તરીકે ઓળખાય છે. આ જ કારણ છે કે ભારતમાં ગંડક નદીના પાણીના સ્તર પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય જળ આયોગે બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગંડકના કિનારાના વિસ્તારોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
બિહારના પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલી જિલ્લાઓમાં દેખરેખ વધારી દેવામાં આવી છે. પશ્ચિમ ચંપારણ એ પૂરના પ્રવાહના માર્ગમાં આવનાર પહેલો મોટો ભારતીય જિલ્લો છે. બેતિયા, ગોપાલગંજ અને મુઝફ્ફરપુરમાં NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે SDRF ટીમો પણ સંવેદનશીલ વિસ્તારોમાં હાજર છે.
ગંડકમાં પાણીના સ્તરમાં વધારાને કારણે, ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને કુશીનગર જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગંડક આગળ નીચે તરફ હાજીપુર અને સોનેપુર નજીક ગંગામાં મળે છે. જો કે, પર્વતોમાંથી નીકળીને જ્યારે પાણી મેદાનોમાં વહે છે, તો નદી પહોળી થવા લાગે છે, આનાથી આગળ વધતા પાણીનો પ્રવાહ ઓછો થઇ શકે છે. તો કોસી, બાગમતી, બૂઢી ગંડક અને ઘાઘરાની દિશા અલગ છે. નેપાળમાંથી આવેલા પૂરનું પાણી સીધા આ નદીઓમાં વહેતા નથી; એટલે, પૂરની અસર મોટાભાગે ગંડકના માર્ગ સાથેના વિસ્તારો સુધી મર્યાદિત રહેવાની ધારણા છે.
હાલમાં, ભારતમાં સૌથી વધુ નજર નારાયણીથી વાલ્મિકીનગર, પછી ગંડકના માર્ગ દ્વારા ઉત્તર બિહાર સુધીના હિસ્સા પર છે. નેપાળમાં પૂરનું અસલી કારણ શું હતું, તે તપાસ પછી સ્પષ્ટ થશે. પરંતુ ભારત માટે નદીનો રસ્તો પહેલા જ સ્પષ્ટ છે. નેપાળથી નારાયણી, નારયણીમાંથી ગંડક અને અંતે ગંગા.

