- National
- કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યુ- 'પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, સમય આવવા દો...'
કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યુ- 'પાર્ટી સાથે મારા કેટલાક મતભેદો છે, સમય આવવા દો...'

કેરળના તિરુવનંતપુરમ લોકસભા મતવિસ્તારના સાંસદ શશી થરૂરે પાર્ટીની અંદરના મતભેદો સ્વીકાર્યા છે. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીની અંદર આ અંગે ચર્ચા કરશે. આ ઉપરાંત, તેમણે કહ્યું છે કે PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા ફક્ત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. તેમણે કહ્યું કે તેઓ હંમેશા દેશની સેવા કરવા માટે તૈયાર છે.
હકીકતમાં, તિરુવનંતપુરમમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતી વખતે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'હું છેલ્લા 16 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યો છું. મારા પાર્ટી સાથે કેટલાક મતભેદ છે, અને હું પાર્ટીની અંદર તેના પર ચર્ચા કરીશ... હું આજે તેના વિશે વાત કરવા માંગતો નથી. મારે તેમને મળીને તેમની સાથે વાત કરવી છે, સમય આવવા દો, પછી હું તેના પર ચર્ચા કરીશ.'

બીજી બાજુ, PM નરેન્દ્ર મોદી સાથેની ચર્ચા અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે, 'PM મોદી સાથેની ચર્ચા ફક્ત સાંસદોના પ્રતિનિધિમંડળ સંબંધિત બાબતો પર હતી. જ્યારે દેશ માટે કોઈ મુદ્દો ઉભો થાય છે, ત્યારે દેશ સાથે ઉભા રહેવાની આપણી જવાબદારી છે. જ્યારે દેશને મારી સેવાની જરૂર હોય છે, ત્યારે હું હંમેશા તૈયાર રહું છું.'
https://twitter.com/ANI/status/1935605612311662642
અહીં તમને જણાવી દઈએ કે, ભારત સરકારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે વિશ્વના દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યા હતા, જેમાંથી એકનું નેતૃત્વ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે કર્યું હતું. તે દરમિયાન, શશી થરૂરે પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કોલંબિયા જેવા દેશોની મુલાકાત લીધી હતી. તેમની દલીલોને કારણે, કોલંબિયાએ પાકિસ્તાનના સમર્થનમાં પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું, જેને શશી થરૂર માટે રાજદ્વારી વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

જ્યારે શશિ થરૂર સહિત પ્રતિનિધિમંડળના બધા નેતાઓ તેમના વિદેશ પ્રવાસો પછી પાછા ફર્યા, ત્યારે PM નરેન્દ્ર મોદી તેમને મળ્યા અને તેમના અનુભવો વિશે પણ પૂછ્યું. શશિ થરૂર વિશે રાજકારણ એટલા માટે પણ ગરમાયું છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિનિધિમંડળ માટે મોકલવામાં આવેલા નેતાઓના નામોમાં શશિ થરૂરનું નામ નહોતું, તેમ છતાં, ભારત સરકારે શશિ થરૂરને માત્ર પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા જ નહીં, પરંતુ તેમને એક પ્રતિનિધિમંડળના મુખ્ય નેતા પણ બનાવ્યા.