- National
- રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'
રાહુલે એમ કેમ કહ્યું કે- 'મેં ભૂલ કરી, હું OBCને સમજી શક્યો નહીં...'
કોંગ્રેસ પાર્ટીએ રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં OBC ભાગીદારી મહા સંમેલનનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના CM સિદ્ધારમૈયા, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, રાજસ્થાનના ભૂતપૂર્વ CM અશોક ગેહલોત અને અન્ય ઘણા મોટા નેતાઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા. સભાને સંબોધતા રાહુલે કહ્યું છે કે, હવે OBC માટે લડાઈ તેમની પ્રાથમિકતા રહેશે. તેમણે તેલંગાણાની જાતિ વસ્તી ગણતરીને રાજકીય તોફાન ગણાવી છે. તેમણે RSSને OBCનો સૌથી મોટો દુશ્મન પણ ગણાવ્યો છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે, તેઓ OBC સમુદાયની સમસ્યાઓને સમયસર સમજી શક્યા નથી, અને આ તેમની સૌથી મોટી રાજકીય ભૂલોમાંની એક હતી. તેમણે કહ્યું, 'જો હું UPA શાસન દરમિયાન OBCની પીડા સમજી શક્યો હોત, તો હું તે સમયે જાતિ વસ્તી ગણતરી કરાવત.'
તેમણે કહ્યું કે, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓના મુદ્દાઓને સમજવામાં તેમને સમય લાગ્યો, પરંતુ તેમણે OBCની સ્થિતિને મોડેથી ઓળખી. મેં મનરેગા, ખાદ્ય સુરક્ષા કાયદો, વન અધિકાર કાયદા જેવા મુદ્દાઓ પર સારું કામ કર્યું, પરંતુ OBC પર હું નિષ્ફળ ગયો.
રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું કે, હવે તેઓ આ મોરચે પાછળ નહીં હટે, અને જાતિ વસ્તી ગણતરીથી લઈને અનામત વિસ્તરણ સુધી, તેઓ OBC અધિકારો માટેની લડાઈને નિર્ણાયક વળાંક પર લઈ જશે. તેમણે કહ્યું, 'PGV (પ્રિયંકા ગાંધી વાડ્રા)ને પૂછો, જો રાહુલ ગાંધી કંઈક નક્કી કરે છે, તો શું તેઓ પાછળ હટે છે?'
રાહુલ ગાંધીએ કોંગ્રેસ શાસિત તેલંગાણા સરકારની જાતિ વસ્તી ગણતરીને 'તોફાન' ગણાવી અને કહ્યું કે, તેના આંકડા ચોંકાવનારા છે. તેલંગાણાની કોર્પોરેટ ઓફિસોમાં કેટલા OBC, દલિત, આદિવાસીઓ છે, તે એક મિનિટમાં બહાર આવે છે.
https://twitter.com/RahulGandhi/status/1948663173428772906
તેમણે કહ્યું, 'ફક્ત ઉચ્ચ જાતિઓ પાસે કરોડોના પેકેજ છે, જ્યારે OBC, દલિત, આદિવાસીઓ મજૂરી કરી રહ્યા છે.'
PM નરેન્દ્ર મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'PM નરેન્દ્ર મોદી કોઈ મોટી સમસ્યા નથી. તેઓ ફક્ત તેમના પ્રચારનો શો છે. તેમની પાસે વાસ્તવિક શક્તિ નથી. તેઓ આપણા માથા ઉપર ચઢી ગયા છે, વાસ્તવિક સમસ્યા RSS છે.'
રાહુલ ગાંધીએ OBC સમુદાયને સીધું કહ્યું કે, તેમનો અસલી વિરોધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) છે.
તેમણે દાવો કર્યો હતો કે, જાતિ વસ્તી ગણતરી પછી અનામત પર 50 ટકાની મર્યાદા આપમેળે તૂટી જશે. તેમણે ઉદાહરણ આપ્યું કે, તેલંગાણાના CM રેવંત રેડ્ડી પહેલાથી જ આ દિવાલ તોડી ચૂક્યા છે.
સભાને સંબોધતા કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ કહ્યું, 'આ ભાગીદારી ન્યાય સંમેલન માત્ર એક રાજકીય મેળાવડો નથી, પરંતુ તે ભારતની પછાત અને વંચિત જાતિઓનો સામૂહિક આહવાન છે. ડૉ. આંબેડકરે કહ્યું હતું, 'ન્યાય એ રાષ્ટ્રનો આત્મા છે.' આજે આ આત્મા બહિષ્કાર અને અસમાનતા સામે હાકલ કરી રહ્યો છે.'
તેમણે કહ્યું કે, આપણે સ્વીકારવું પડશે કે, ભારતનું સામાજિક માળખું ન્યાય પર આધારિત નહોતું, પરંતુ બહિષ્કાર પર આધારિત હતું. જેમણે આ દેશ બનાવ્યો, આપણો ઉત્પાદક વર્ગ, જેમાંથી મોટાભાગના પછાત વર્ગના છે, તેમને શિક્ષણ, જમીન અને નેતૃત્વથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમની મહેનતનું સન્માન કરવામાં ન આવ્યું, પરંતુ તેઓને સામાજિક સાંકળોમાં બાંધી દેવામાં આવ્યા. આ કોઈ સંયોગ નહોતો, પરંતુ એક સુનિયોજિત વ્યવસ્થા હતી. BJP-RSSની વિચારધારા આ વ્યવસ્થાનો અંત લાવવા માંગતી નથી, પરંતુ તેને વ્યવસ્થિત રીતે આગળ વધારે છે.

