- Politics
- પુતિન માટે રાષ્ટ્રપતિએ ડીનર રાખ્યું થરૂરને બોલાવ્યા રાહુલને ન બોલાવ્યા, થરૂર ગયા પણ, કોંગ્રેસે કહ્યુ...
પુતિન માટે રાષ્ટ્રપતિએ ડીનર રાખ્યું થરૂરને બોલાવ્યા રાહુલને ન બોલાવ્યા, થરૂર ગયા પણ, કોંગ્રેસે કહ્યું...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને ડિનરમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને તેઓ હાજર રહ્યા હતા. પરંતુ, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. કોંગ્રેસ પાર્ટીએ તેના પર પ્રતિક્રિયા આપી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનના સન્માનમાં આયોજિત ડિનરમાં કોંગ્રેસના સાંસદ સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર શશિ થરૂરનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત કરતા દેખાય છે. બંને વાતચીત કરતા હસી પણ રહ્યા છે. પરંતુ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેને ડિનર માટે આમંત્રણ ન મોકલવા પર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ થરૂરને પુતિનના સન્માનમાં આયોજિત ડિનરના આમંત્રિત કરવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, એ ખૂબ જ આશ્ચર્યજનક છે કે નિમંત્રણ મોકલવામાં આવ્યું અને નિમંત્રણ સ્વીકારવામાં આવ્યું. દરેક વ્યક્તિનો અંદરથી અવાજ હોય છે. જ્યારે મારા નેતાને આમંત્રણ નથી આપવામાં આવ્યું, પરંતુ મને બોલાવવામાં આવે છે, ત્યારે આપણે સમજવું જોઈએ કે રમત શું ચાલી રહી છે, આ રમત કોણ રમી રહ્યું છે, અને આપણે તેનો હિસ્સો શા માટે ન બનવું જોઈએ.
https://twitter.com/ANI/status/1996987786080276636?s=20
આ અગાઉ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું હતું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં સામેલ થશે. ખબર નહીં કયા આધાર પર નિમંત્રણ મોકલવામાં આવે છે, પરંતુ હું જરૂર જઈશ. વિપક્ષી નેતાઓને આમંત્રણ ન આપવામાં આવ્યું એ યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, સામાન્ય રીતે પરંપરા છે કે વિદેશથી આવનાર કોઈપણ વ્યક્તિ વિરોધ પક્ષના નેતાને મળે છે. વાજપેયી અને મનમોહન સિંહની સરકાર દરમિયાન આવું થતું હતું. પરંતુ આજકાલ જ્યારે વિદેશી મહેમાનો અથવા હું વિદેશ પ્રવાસ જાઉં છું, ત્યારે કેન્દ્ર સરકાર તેમને વિરોધ પક્ષના નેતાને ન મળવાની સલાહ આપે છે.
સરકારી સૂત્રોએ રાહુલ ગાંધીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 9 જૂન 2024ના રોજ લોકસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા હતા અને અત્યાર સુધીમાં 4 રાષ્ટ્રાધ્યાક્ષોને મળી ચૂક્યા છે, જેમાં બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે.

