- Politics
- દેશના સૌથી અમીર ધારાસભ્ય કોણ છે? ટોપ-5માં BJP-કોંગ્રેસના કેટલા MLA? એક પાસે તો છે 3300 કરોડથી વધુની
દેશના સૌથી અમીર ધારાસભ્ય કોણ છે? ટોપ-5માં BJP-કોંગ્રેસના કેટલા MLA? એક પાસે તો છે 3300 કરોડથી વધુની સંપત્તિ
ભારતીય રાજકારણમાં ધારાસભ્યોની સંપત્તિ હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના અહેવાલમાં 28 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના 4,092 ધારાસભ્યોની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, દેશના સૌથી અમીર અને ગરીબ ધારાસભ્યો વચ્ચે ખૂબ મોટું આર્થિક અંતર છે.
આ યાદીમાં ટોચ પર મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘાટકોપર પૂર્વથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહ છે. તેમની કુલ સંપત્તિ લગભગ 3,383 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. ભાજપના નેતા પરાગ શાહ મુંબઈના ઘાટકોપર પૂર્વ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા બે વખતના ધારાસભ્ય છે. પરાગ શાહ એક ગુજરાતી જૈન છે અને તેમણે વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ 1991માં તેમના પરિવારના નિર્માણ વ્યવસાયમાં સામેલ થઈ ગયા. બાદમાં તેઓ એક સફળ રિયલ એસ્ટેટ ડેવલપર બની ગયા. 2002માં તેમણે મૈન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડની સ્થાપના કરી, જેને 2010માં લિસ્ટેડ કરવામાં આવી હતી.
ત્યારબાદ કોંગ્રેસના ડી.કે. શિવકુમાર (કર્ણાટક) 1,413 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. કર્ણાટકના કે.એચ. પુત્તસ્વામી ગૌડા (અપક્ષ) 1,267 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે પ્રિયા કૃષ્ણા (કોંગ્રેસ, કર્ણાટક) 1,156 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. પાંચમા સ્થાને એન. ચંદ્રબાબુ નાયડુ (તેલુગુ દેશમ પાર્ટી, આંધ્રપ્રદેશ) છે, જેમની સંપત્તિ 931 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
દેશના સૌથી ગરીબ ધારાસભ્ય કોણ છે?
અહેવાલ મુજબ, દેશના સૌથી ગરીબ ધારાસભ્ય નિર્મલ કુમાર ધારા (ભાજપ, પશ્ચિમ બંગાળ) છે. તેમની કુલ સંપત્તિ માત્ર 1,700 રૂપિયા નોંધાઈ છે.
કયું રાજ્ય સૌથી અમીર ધારાસભ્યોનું છે?
દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટક અને આંધ્ર પ્રદેશ અમીર ધારાસભ્યો માટે હોટસ્પોટ છે. કર્ણાટકમાં 31 ધારાસભ્યોની કુલ સંપત્તિ 14,179 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં લગભગ 286 ધારાસભ્યોની કુલ સંપત્તિ 12,424 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આંધ્ર પ્રદેશમાં લગભગ 27 સૌથી અમીર ધારાસભ્યો છે, જેમની કુલ સંપત્તિ 14,179 કરોડ રૂપિયા છે.
સૌથી અમીર ધારાસભ્યોવાળી પાર્ટી કઈ છે?
ભાજપ પાસે કુલ 1652 ધારાસભ્યોની સંપત્તિ સરેરાશ 15.89 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય છે. તો કોંગ્રેસના 646 ધારાસભ્યોની સંપત્તિની સરેરાશ 26.86 કરોડ રૂપિયા પ્રતિ ધારાસભ્ય છે. એટલે કે જ્યારે ભાજપ પાસે ધારાસભ્યોની સંખ્યા વધુ છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ વધુ છે.

