- National
- કોંગ્રેસની એક ચાલ અને જાળમાં ફસાઈ ગયા જગદીપ ધનખડ, જાણો રાજીનામાની અસલી કહાની
કોંગ્રેસની એક ચાલ અને જાળમાં ફસાઈ ગયા જગદીપ ધનખડ, જાણો રાજીનામાની અસલી કહાની
ભારતીય રાજનીતિમા કોઈ માટે સંકટનો સમય, બીજા માટે અવસર બની જાય છે. હવે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી એવો જ એક અવસર વિપક્ષી પાર્ટીઓને મળી ગયો છે. હવે સંસદના ગલિયારામાં આ મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ આ ઘટનાક્રમને કેન્દ્ર સરકાર પર હુમલો કરવાના અવસર તરીકે જોઈ રહી છે. અગાઉ વિપક્ષ જ્યાં ધનખડને 'સરકારની કઠપૂતળી' કહેતું હતું, હવે એજ વિપક્ષ તેમને 'બંધારણના રક્ષક' તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને સમાજવાદી પાર્ટી (SP)એ તેમના અચાનક રાજીનામા પર સવાલ ઉભા કર્યા છે. એવી અટકળો ચાલી રહી છે કે, શું તેમણે બળજબરીપૂર્વક રાજીનામું આપવું પડ્યું?
મીડિયા રિપોર્ટ અનુસાર, આ સમગ્ર પ્રકરણમાં ઘણા રહસ્યો છુપાયેલા છે, જે હવે ધીમે-ધીમે ખુલી શકે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે મંગળવારે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન 'INDIA'ની બેઠક થઈ હતી, પરંતુ તેમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાગ લીધો નહોતો, જોકે તેના સાંસદો દિલ્હીમાં ઉપસ્થિત હતા. તેનું સીધું કારણ ધનખડ પ્રત્યે તૃણમૂલની જૂની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. TMC તો ધનખડ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા તૈયાર હતી, પરંતુ 2 કોંગ્રેસના સાંસદોના હસ્તાક્ષરોની નકલને કારણે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના પદાધિકારીઓનો દાવો છે કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું હતું, જેથી ધનખડને બચાવી શકાય. TMC તેનાથી ખૂબ નારાજ છે અને કોંગ્રેસ પર અવિશ્વાસ વ્યક્ત કરી રહી છે.
બીજી તરફ એવા સમાચાર છે કે, કોંગ્રેસ 2 મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માગતી હતી- ‘એક જસ્ટિસ વર્મા વિરુદ્ધ’ અને ‘બીજો જસ્ટિસ યાદવ વિરુદ્ધ.’ ધનખડે પાર્ટીના નેતાઓને ભરોસો અપાવ્યો કે તેઓ તેના પર ધ્યાન આપશે, પરંતુ કોઈ નક્કર આશ્વાસન આપ્યું નહોતું. મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારને ખડગે અને કેજરીવાલની મુલાકતોથી ખાસ ચિંતા નહોતી, પરંતુ જ્યારે ધનખડે ડબલ મહાભિયોગ પ્રક્રિયામાં રસ દાખવ્યો, ત્યારે સરકાર સતર્ક થઈ ગઈ. NDAની યોજના લોકસભા અને રાજ્યસભા બંનેમાં એકસાથે મતદાન કરાવવાની હતી. જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગને ભ્રષ્ટાચાર સામેની મોટી લડાઈ તરીકે રજૂ કરવામાં આવી રહી હતી, જેનો શ્રેય સરકાર વિપક્ષને આપવા માગતી નહોતી.
જો કે, કોંગ્રેસ, RJD, સમાજવાદી પાર્ટી અને TMCનું વલણ એકજૂથ દેખાઈ રહ્યું છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ અત્યારે પણ કોંગ્રેસથી નારાજ છે. તેનું માનવું છે કે, કોંગ્રેસે જાણી જોઈને મહાભિયોગ પ્રસ્તાવને નિષ્ફળ બનાવ્યો અને તે એ વ્યક્તિ સાથે ઉભી રહી, જેને તે વર્ષોથી 'સરકારી માણસ' કહી રહી છે.
ધનખડના રાજીનામા પર કોંગ્રેસે તાત્કાલિક પ્રતિક્રિયા આપી. જયરામ રમેશ, પ્રિયંકા ચતુર્વેદી અને તેજસ્વી યાદવ જેવા વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. વિપક્ષનું માનવું છે કે ધનખડ સરકારની તુલનામાં 'નાનો દુશ્મન' છે, પરંતુ અસલી લક્ષ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કોંગ્રેસનો ઉદ્દેશ્ય એ સાબિત કરવાનો છે કે ભાજપ પોતાની અંદર કોઈ પ્રકારની અસહમતિ સહન કરતી નથી. પાર્ટી પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું ઉદાહરણ આપીને આ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસની રણનીતિ સ્પષ્ટ છે. તે ઇચ્છે છે કે જો ધનખડ હવે સરકાર વિરુદ્ધ કંઈક કહે છે, તો વિપક્ષને મોટું હથિયાર મળી શકે છે. જોકે, જાણકારોનું કહેવું છે કે સરકાર પણ આ ચાલને સમજી ચૂકી છે અને તેનો જવાબ આપવાની પૂરી તૈયારી કરી લીધી છે. INDIA ગઠબંધને પુનરોચ્ચાર કર્યો કે જમ્મુ-કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે અને તેની સંપ્રભુતા પર સવાલ ઉઠાવવાનો કોઈપણ પ્રયાસ અસ્વીકાર્ય છે. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે સિંધુ જળ સંધિ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાનો વિષય નથી.

