- Politics
- 20 વર્ષ બાદ લાલુ પરિવાર પાસે કેમ છીનવાયો 10 સર્ક્યૂલર બંગલો? છુપાયું છે રહસ્ય?
20 વર્ષ બાદ લાલુ પરિવાર પાસે કેમ છીનવાયો 10 સર્ક્યૂલર બંગલો? છુપાયું છે રહસ્ય?
બિહારમાં ફરી એકવાર NDA સરકાર બની ચૂકી છે. નીતિશ કુમાર આ સરકારના મુખ્યમંત્રી છે. સરકાર બની તેના થોડા જ દિવસ થયા છે. આ સાથે કેટલાક નિર્ણયોની ચર્ચા ઠેર-ઠેર થવા લાગી છે. ગઈકાલે લેવાયેલો એક નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર રચાયા બાદ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને તેમનો બંગલો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમને બીજી જગ્યાએ શિફ્ટ થવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. નીતિશ સરકારના આ નિર્ણયને ભાજપની કઠોરતા સાથે જોડવામાં આવી રહી છે. નોટિસ પર લાલુ પરિવાર એકજૂથ છે. રોહિણી આચાર્ય અને તેજ પ્રતાપે નીતિશ કુમારને ઘેર્યા છે.
લાલુ પરિવાર છેલ્લા 20 વર્ષથી, 10 સર્ક્યૂલર રોડ પરનો સરકારી બંગલામાં રહે છે. રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ અહીંથી ચાલતું હતું. આ બંગલો પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને ફાળવવામાં આવ્યો હતો. હવે, નવી NDA સરકારે આ બંગલો પાછો લેવાનો આદેશ જાહેર કરી દીધો છે. લગભગ 20 વર્ષમાં પહેલી વાર લાલુ પરિવાર માટે આ બંગલો એક સમયે પોલિટિકલ નર્વ સેન્ટર રહેતો હતો, જે હવે તેમના હાથમાંથી સરકી રહ્યો છે. આ જ કારણ છે કે રાજકીય વર્તુળોમાં આ મુદ્દાની ખૂબ ચર્ચા થઈ રહી છે.
બિહારમાં, નીતિશ કુમારે NDA અને મહાગઠબંધન બંને સાથે ઘણી વખત સરકારો બનાવી છે. 2000 થી અત્યાર સુધી નીતિશ કુમારે 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે, જ્યારે પણ નીતિશ કુમારે NDA સાથે સરકાર બનાવી છે, ત્યારે રાબડી દેવીના નિવાસસ્થાનને કોઈ અસર થઈ નથી. આ પહેલી વાર છે, જ્યારે સરકાર બન્યા બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, આ વખતે રાજકીય માહોલ અલગ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીઓ બાદ ભાજપ ખૂબ મજબૂત બનીને ઉભરી આવી છે. તેની અસર સરકારના નિર્ણયોમાં સ્પષ્ટપણે દેખાય છે. વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા તરીકે રાબડી દેવીને હવે એક અલગ ઘર ફાળવવામાં આવ્યું છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે ફાળવણીની સત્તાવાર સૂચના આપી છે. આનાથી રાબડી દેવી પાસે 10 સર્ક્યૂલર રોડ ખાલી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
જ્યારે 2015માં ગઠબંધન સત્તામાં આવ્યું, ત્યારે તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે તેમને 5 દેશરત્ન માર્ગનો બંગલો આપવામાં આવ્યો હતો. બંગલાના શાનદાર નવીનીકરણે ખૂબ ધ્યાન ખેંચ્યું. તેજસ્વીના વિભાગે 5 દેશરત્ન માર્ગને નાયબ મુખ્યમંત્રીનું કાયમી ઘર બનાવી દીધું હતું.
જોકે, 2017માં સમીકરણ ફરી એકવાર બદલાઈ ગયું. નીતિશ કુમાર પક્ષ બદલીને ભાજપમાં જોડાયા બાદ, સુશિલ કુમાર મોદી નાયબ મુખ્યમંત્રી બન્યા. નવી સરકારે તેજસ્વીને દેશરત્ન માર્ગ બંગલો ખાલી કરવાનો આદેશ આપી દીધો. ત્યારબાદ તેજસ્વીએ આ સરકારના નિર્ણય સામે હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. ત્યાં પણ તેમને ઝટકો લાગ્યો. કોર્ટે રાજ્યને તમામ પૂર્વ મુખ્યમંત્રીઓ પાસેથી બંગલો, કાર, સુરક્ષા અને સ્ટાફના વિશેષાધિકારો પાછા ખેંચવાનો પણ નિર્દેશ આપ્યો.
બંગલો ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ, લાલુ પરિવાર એકજૂથ દેખાય છે.આવું એટલે કારણ કે રોહિણી આચાર્યથી લઈને તેજ પ્રતાપ યાદવ સુધી આ મુદ્દા અંગે નિવેદનો સામે આવ્યા છે. તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નાના ભાઈએ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને મોટા ભાઈના બંગલાને ખાલી કરવાનો આદેશ આપ્યો. લાલુજી અને તેમનો પરિવાર હવે 10 સર્ક્યૂલર રોડ પરના બંગલામાં નહીં રહે.
તેમણે લખ્યું કે, 28 વર્ષથી જે આવાસથી બિહાર અને RJDના લાખો કાર્યકરોનો ભાવનાત્મક સંબંધ જોડાયેલોહતો, તેણે એક સરકારી નોટિસમાં ખતમ કરી દેવામાં આવ્યું છે. આ ઘર ગુમાવવા સાથે જ, નીતિશજી અને લાલુજી વચ્ચેનો ભાઈચારો અને નૈતિક સંબંધ પણ સમાપ્ત થઈ ગયો છે.’

