- Politics
- સંસદમાં ઇ-સિગારેટ પર બબાલ! અનુરાગ ઠાકુરે TMC સાંસદ પર લગાવ્યો આરોપ, સ્પીકર બોલ્યા- ‘.. તો કાર્યવાહી
સંસદમાં ઇ-સિગારેટ પર બબાલ! અનુરાગ ઠાકુરે TMC સાંસદ પર લગાવ્યો આરોપ, સ્પીકર બોલ્યા- ‘.. તો કાર્યવાહી થશે’
ગુરુવારે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ સાંસદ અનુરાગ ઠાકુરે ઈ-સિગારેટ પીવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈનું નામ લીધા વિના ભાજપના સાંસદે તૃણમૂલ કોંગ્રેસના (TMC)ના સાંસદ પર ગૃહની અંદર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો.
આ સમયે સંસદનું શિયાળુ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. ગુરુવારે સંસદની કાર્યવાહી દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભાની અંદર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો. તેમણે કોઈ સાંસદનું નામ લીધું નહોતું, પરંતુ એક TMC સાંસદનો ઉલ્લેખ જરૂર કર્યો હતો. ઠાકુરના આરોપ પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે એવી કોઈ પરંપરા કે નિયમ નથી કે જે કોઈપણ સાંસદને સંસદમાં ઈ-સિગારેટ પીવાની મંજૂરી આપે. જો આવો કોઈ મામલો તેમના ધ્યાન પર આવશે, તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ઓમ બિરલાએ જણાવ્યું હતું કે નિયમો બધા સાંસદોને સમાન રીતે લાગૂ પડે છે અને ગૃહની ગરિમા જાળવવી એ દરેક સભ્યની જવાબદારી છે. સ્પીકરે એમ પણ કહ્યું હતું કે હજુ સુધી તેમના ધ્યાન પર કોઈ ઔપચારિક ફરિયાદ લાવવામાં આવી નથી, પરંતુ જો આવો કોઈ કેસ સામે આવે અથવા તેમને કોઈ પુરાવા મળે, તો નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંચ છે, અને અહીં બેઠેલા તમામ પ્રતિનિધિઓની જવાબદારી છે કે તેઓ જનતાની અપેક્ષાઓ અનુસાર અનુશાસન અને ગરિમા જાળવી રાખે.
લોકસભામાં TMCના સાંસદે ઈ-સિગારેટ પીધી હોવાના ભાજપના સાંસદના આરોપ અંગે TMC સાંસદ ડોલા સેને કહ્યું કે, ‘જેમનુ કામ નજર રાખવાનું છે તેઓ જોશે. કોઈપણ અનુશાસનહીનતા માટે સંસદમાં જોગવાઈઓ છે. અનુરાગ ઠાકુર કોઈ ગુરુ નથી કે અમે તેમની વાત માની લઈએ.
શું છે ઈ-સિગારેટ અને ભારતમાં તેના પર કેમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
ભારત સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તે યુવાનોમાં, ખાસ કરીને સ્કૂલનાં બાળકોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી હતી. ઈ-સિગારેટ એ બેટરીથી ચાલતા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે જે નિકોટિન ધરાવતા પ્રવાહીને ગરમ કરે છે અને તેને વરાળમાં ફેરવે છે, જે વપરાશકર્તાઓ શ્વાસ દ્વારા અંદર લે છે.
2019માં પ્રતિબંધની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે યુવાનોમાં એક ગેરસમજ હતી કે ઈ-સિગારેટ હાનિકારક નથી, જોકે નિષ્ણાતોએ જણાવ્યું કે તે નિયમિત સિગારેટ જેટલી જ ખતરનાક છે. સરકારની ચિંતા એ વાતને લઈને વધી ગઈ કે કેટલાક યુવાનો ઈ-સિગારેટ દ્વારા ઘાતક ડ્રગ્સનો ઉપયોગ પણ કરી રહ્યા હતા.
અહેવાલો અનુસાર, ભારતમાં ઈ-સિગારેટ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, જે 'ઈલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ લાગૂ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તેમનું ઉત્પાદન, વેચાણ, આયાત, નિકાસ અને જાહેરાત ગેરકાયદેસર છે, જેના ઉલ્લંઘ પર કેદ અને દંડની જોગવાઈ છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ઇ-સિગારેટનો દૈનિક ઉપયોગ હૃદયરોગના હુમલાનું જોખમ 79 ટકા વધારી શકે છે. તેમાં નિકલ, ટીન અને સીસું જેવી ભારે ધાતુઓ હોય છે. આ ધાતુઓ કેન્સર, DNA નુકસાન અને ફેફસાના ગંભીર રોગોનું કારણ બની શકે છે.

