- National
- કોંગ્રેસથી દૂર જઇ રહ્યા છે શશિ થરૂર, બોલ્યા- સરકાર તરફ વધારી દીધા છે પગલાં, જાણો તેનો શું અર્થ છે
કોંગ્રેસથી દૂર જઇ રહ્યા છે શશિ થરૂર, બોલ્યા- સરકાર તરફ વધારી દીધા છે પગલાં, જાણો તેનો શું અર્થ છે
શશિ થરૂરને મોટાભાગે કોંગ્રેસના 'બળવાખોર પરંતુ વિદ્વાન' નેતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વખત તેમણે જે કહ્યું છે તે માત્ર ચર્ચા જ નહીં, પરંતુ પાર્ટીમાં મંથન અને બેચેનીનું કારણ બની ગયું છે. થરૂરે ચોખ્ખેચોખ્ખું કહી દીધું છે કે, તેઓ દેશની રાજનીતિ કોંગ્રેસની વામપંથી-મધ્યમાર્ગી વિચારથી નીકળીને હવે એક વધુ ‘મજબૂત રાષ્ટ્રવાદી’ દિશામાં જઈ ચૂક્યા છે, જ્યાં કરિશ્માઈ અને કેન્દ્રિય નેતૃત્વની માગ છે.
આ કોઈ સાધારણ વિશ્લેષણ નથી, પરંતુ થરૂરનો સંકેત છે કે તેઓ પોતે આ બદલાવને સ્વીકારે છે અને તેની તરફ 'પગલાં' વધારી ચૂક્યા છે. તેમણે ન તો ભાજપનું નામ લીધું કે ન તો મોદીનું, પરંતુ જે વાત છુપાવવામાં આવી તે શબ્દોની પસંદગીથી આપોઆપ સ્પષ્ટ થઈ ગયું. થરૂરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ પહેલાથી જ ઇમરજન્સીને ‘કાળો અધ્યાય’ કહી ચૂક્યા છે અને કોંગ્રેસ નેતૃત્વ તેના પર મૌન છે. આ અગાઉ, તેઓ વિદેશ નીતિ અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. એવામાં ‘અમે હવે કરિશ્માઈ અને કેન્દ્રિય નેતૃત્વ તરફ આગળ વધી ચૂક્યા છીએ’ એમ કહેવું કોંગ્રેસની વિચારધારા અને કાર્યશૈલીથી એક સ્પષ્ટ દૂરી દર્શાવે છે.
કોઈનું નામ લીધા વિના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે તેમના પર નિશાનો સાધતા કહ્યું હતું કે, ‘જ્યારે કોઈ ભાજપની ભાષા બોલવા લાગે તો, પક્ષી પોપટ બની જાય છે.’ રસપ્રદ વાત એ છે કે ગયા મહિને આ જ ‘પોપટ’વાળા કટાક્ષથી થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પર પલટવાર કર્યો હતો.
ભાજપે થરૂરના નિવેદનને 50 વર્ષ બાદ કોંગ્રેસની આંખો ખોલવાનું ગણાવ્યું. પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસ જો થરૂરના વિચારો સાથે અસહમત હોય, તો તેનો અર્થ એ છે કે તે આજે પણ ઇમરજન્સીની માનસિકતામાં જીવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘હવે જો કોંગ્રેસને પોતાના જ સાંસદ દ્વારા સત્ય બોલવા પર માઠું લાગતું હોય, તો આ આંતરિક તાનાશાહી છે.’ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, ફરી એક વખત શશિ થરૂરે કોંગ્રેસને અરીસો બતાવ્યો છે. થરૂરે માની લીધું કે અગાઉ કોંગ્રેસની લેફ્ટની નીતિ રહેતી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય હિતને નહીં, પરિવાર હિત અને વૉટ બેંકના હિતને આગળ રાખતી હતી.
રાજનીતિક ગલિયારામાં સવાલ ઉઠી રહ્યા છે કે શું શશિ થરૂર ખરેખર કોંગ્રેસથી દૂર જઈ રહ્યા છે? શું તેઓ ભાજપમાં જશે? કે પછી તેઓ કોંગ્રેસમાં ‘વિચારોનો બળવો’ શરૂ કરી રહ્યા છે? થરૂરે ન તો પાર્ટી છોડી છે કે ન તો ભવિષ્યને લઈને કંઈ કહ્યું છે, પરંતુ તેમના નિવેદનોની રેખાઓ હવે પાર્ટીની મુખ્યધારા સાથે મેળ ખાતી નથી. કુલ મળીને થરૂરનું આ નિવેદન માત્ર એક ઇન્ટરવ્યૂ નથી, પરંતુ કોંગ્રેસ માટે ‘રેડ એલર્ટ’ છે. પાર્ટીએ નક્કી કરવું પડશે કે શું તે શશિ થરૂર જેવા નેતાઓની વિચારસરણીને જગ્યા આપશે કે તેમને બીજા 'ભૂલી ગયેલા નેતા'ની લાઇનમાં ઊભા કરી દેશે.

