- National
- ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
ભારતીય વાયુસેનાના જવાનના ઘરમાં ચોરી, ID કાર્ડ-યુનિફોર્મ ગાયબ, 2 દિવસ પછી ચોર તેને પાછું મૂકી ગયા!
ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ ભારતીય વાયુસેના (IAF) અધિકારીના ઘરમાંથી માત્ર રોકડ રકમ જ ચોરી ન કરી, પરંતુ તેમનો યુનિફોર્મ અને ID કાર્ડ પણ લઈને ભાગી ગયા. પણ આટલું જ નહીં. 48 કલાક પછી, ચોરોએ ફરીથી હિંમત બતાવી અને તે જ ઘરમાં પાછા ગયા. ચોરોએ ચોરી કરેલો યુનિફોર્મ અને ID કાર્ડ પાછું મૂકી દીધું અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.
પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. ચોરી ભારતીય વાયુસેના (IAF) સાર્જન્ટ ભારદ્વાજ યાદવના ઘરમાં થઈ હતી. તે મંધના વિસ્તારના શિવ વિહાર કોઠી વિસ્તારમાં રહે છે. મીડિયા સૂત્રોએ CCTV ફૂટેજનો ઉલ્લેખ કરીને અહેવાલ આપ્યો છે કે, આખી ઘટના સુનિયોજિત હોય એવું લાગી રહ્યું છે. ચોરી સમયે સાર્જન્ટ ઘરના બીજા ભાગમાં હતો. એવું લાગે છે કે ચોરી કરનારા ઘરનો નકશો પણ સારી રીતે જાણતા હતા. સાર્જન્ટે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ચોરો 10,000 રૂપિયા, યુનિફોર્મ, ઓળખપત્ર, ક્રેડિટ કાર્ડ, મોબાઇલ અને કેટલાક અન્ય દસ્તાવેજો પણ લઈ ગયા. બે દિવસ પછી જ્યારે સાર્જન્ટ તેની અગાસી પર પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેનો યુનિફોર્મ અને ઓળખપત્ર ત્યાં પડેલા હતા. એવું કહેવાય છે કે, ચોરો ફરીથી તે ઘરમાં પાછા આવ્યા હતા અને કોઈને ખબર ન પડે તે રીતે યુનિફોર્મ અને ઓળખપત્ર અગાસી પર છોડીને નીકળી ગયા હતા. આનાથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.
ACP રણજીત કુમારની ટીમ શંકાસ્પદોને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.
મંધના ચોકીના ઇન્ચાર્જ તનુજ સિરોહીએ કહ્યું કે, કેટલીક વસ્તુઓ મળી આવી છે, પરંતુ 10,000 રૂપિયા અને મોબાઇલ મળી આવ્યા નથી. તેમણે કહ્યું કે, ચોરી કરનારાઓની શોધ ચાલુ છે, ટૂંક સમયમાં જ કેસ પર ખુલાસો કરવામાં આવશે.
અધિકારીઓ નજીકના CCTV ફૂટેજ ચકાસી રહ્યા છે અને સ્થાનિક બાતમીદારોની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસે વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારી દીધું છે. સેવા સંબંધિત દસ્તાવેજોની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના વહીવટીતંત્રે પણ આની નોંધ લીધી છે.

