- National
- લગ્નને હજુ એક વર્ષ પણ નથી થયું, ભરણપોષણ તરીકે 5 કરોડની માંગ કરી
લગ્નને હજુ એક વર્ષ પણ નથી થયું, ભરણપોષણ તરીકે 5 કરોડની માંગ કરી
છૂટાછેડાના કેસમાં ભરણપોષણ તરીકે 5 કરોડ રૂપિયાની માંગણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે એક મહિલાને સખત ઠપકો આપ્યો છે. લગ્નના એક વર્ષ પછી છૂટાછેડા માંગનારા દંપતીને મધ્યસ્થી કેન્દ્ર દ્વારા સમાધાન શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે, તેમને જાણ કરવામાં આવી છે કે, પત્નીએ પતિ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરી છે. જો પત્ની આવી જ ગેરવાજબી માંગણીઓ કરતી રહેશે, તો તે એક એવો આદેશ પસાર કરશે જે તેને મંજૂર નહીં હોય. કોર્ટે મહિલાને વાજબી માંગણી કરવા અને કેસનો અંત લાવવાની સલાહ આપી હતી.
આ કેસ છૂટાછેડાનો હતો, જેના પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પારડીવાલા સુનાવણી કરી રહ્યા હતા. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોર્ટે અવલોકન કર્યું કે લગ્ન માંડ એક જ વર્ષ ચાલ્યા હતા, અને પત્ની લગ્નનો અંત લાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી રહી હતી. કોર્ટે મહિલાની આ માંગણી પર ચિંતા વ્યક્ત કરી અને તેના વકીલ દ્વારા પતિને કહ્યું કે 'તમે તેને પાછી બોલાવીને ભૂલ કરી રહ્યા છો.' કોર્ટે પતિને એમ પણ કહ્યું કે, તેની પત્ની 'મોટા સપના' જુએ છે અને તે તેને પોતાની સાથે રાખી શકશે નહીં.
ન્યાયાધીશ પારડીવાલા આટલેથી અટક્યા નહીં. રૂ. 5 કરોડના ભરણપોષણ અંગે, તેમણે મહિલાને ચેતવણી આપતા કહ્યું, 'તમે મધ્યસ્થી કેન્દ્રમાં પાછા જાઓ અને ફરીથી વાત કરો. હવે પછી આગલી વખતે જો તમે રૂ. 5 કરોડનો ઉલ્લેખ કરશો, તો અમે એક એવો કડક આદેશ આપીશુ કે, જે તેમને બિલકુલ ગમશે નહીં.'
ન્યાયાધીશ પારડીવાલાએ કહ્યું કે, તેમને આશા છે કે પત્ની વાજબી માંગ કરશે અને કેસનો અંત લાવશે.
કોર્ટ ફાઇલિંગ અનુસાર, એમેઝોનમાં એન્જિનિયર તરીકે કામ કરતા પતિએ કાનૂની વિવાદનો અંત લાવવા માટે અંતિમ સમાધાન તરીકે રૂ. 35 લાખથી રૂ. 40 લાખની ઓફર કરી હતી. જોકે, પત્નીએ આ ઓફર નકારી કાઢી.
ન્યાયાધીશ પારડીવાલાએ બંને પક્ષોને 5 ઓક્ટોબરના રોજ સવારે 11:30 વાગ્યે સુપ્રીમ કોર્ટના મધ્યસ્થી કેન્દ્ર સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો. મધ્યસ્થી રિપોર્ટ રજૂ થયા પછી કેસની ફરીથી સુનાવણી કરવામાં આવશે. જો કે, સુનાવણી દરમિયાન, પત્નીના વકીલે બેન્ચને જાણ કરી કે મધ્યસ્થી કરવાના અગાઉના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. આના પર કોર્ટે નિષ્ફળ જવાના કારણો પર સવાલ ઉઠાવ્યા અને પત્નીને સમાધાન લાવવા માટે વધુ વ્યવહારુ બનવા વિનંતી કરી.
https://twitter.com/gharkekalesh/status/1969783035953562003
ભરણપોષણની આ માંગણીએ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી. નેટીઝન્સે પત્નીની માંગણીને લોભી અને બિનજરૂરી ગણાવી. વધુમાં, ઘણા વપરાશકર્તાઓએ કોર્ટના વલણની પ્રશંસા કરી. કેટલાક લોકોએ ભારતીય છૂટાછેડા કાયદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આવા કિસ્સાઓમાં, લોકો લગ્નને એક વ્યવસાયિક સોદો તરીકે જોવા લાગ્યા છે.

