- National
- કેરળનું પોતાનું 'ઓળખ કાર્ડ' હશે! CM પિનરાયી સરકારે નેટિવિટી કાર્ડ રજૂ કર્યું, BJP કોર્ટ જશે
કેરળનું પોતાનું 'ઓળખ કાર્ડ' હશે! CM પિનરાયી સરકારે નેટિવિટી કાર્ડ રજૂ કર્યું, BJP કોર્ટ જશે
કેરળ સરકારે રાજ્યમાં કાયમી નેટિવિટી કાર્ડ (રહેઠાણ પ્રમાણપત્ર) રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાર્ડમાં ધારકનો ફોટો પણ હશે. CM પિનરાયી વિજયને 24 ડિસેમ્બરે આ જાહેરાત કરી હતી. આ નવું કાર્ડ હાલના નેટિવિટી પ્રમાણપત્રની જગ્યા લેશે.
CM પિનરાઈએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, કોઈને પણ રાજ્યમાં તેમની ઓળખ, જન્મ અથવા લાંબા ગાળાના રહેઠાણનો પુરાવો વારંવાર આપવો ન પડે. તેમણે કહ્યું, 'એ અત્યંત ચિંતાજનક છે કે, લોકોને વારંવાર તેમની ઓળખ સાબિત કરવી પડે છે. કોઈને પણ બિનજરૂરી રીતે પરેશાન ન કરવું જોઈએ. આ માટે એક એવા કાનૂની દસ્તાવેજની જરૂર છે, જે કાયમી અને વિશ્વસનીય હોય.'
CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, હાલનું નેટિવિટી પ્રમાણપત્ર ફક્ત જન્મ અને રહેઠાણનો પુરાવો પૂરો પાડે છે, પરંતુ તેની કોઈ કાયમી કાનૂની માન્યતા નથી હોતી, અને વિવિધ હેતુઓ માટે વારંવાર નવા પ્રમાણપત્રો મેળવવાની જરૂર પડે છે. સરકારને લાંબા સમયથી આ સમસ્યા અંગે ફરિયાદો મળી રહી હતી, જેના કારણે કાયમી ઉકેલની જરૂર પડી હતી.
નવા પ્રસ્તાવ હેઠળ, આ નેટિવિટી કાર્ડ કાયદેસર રીતે માન્ય દસ્તાવેજ હશે અને તેનો ઉપયોગ રાજ્ય સરકારની યોજનાઓ માટે થઈ શકે છે. ભવિષ્યમાં લાભાર્થીઓને ઓળખવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
CM પિનરાયી વિજયને જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ આ કાર્ડને કાયદેસર માન્યતા આપવા માટે કાયદા વિભાગ સાથે પરામર્શ કરીને કાયદાનો મુસદ્દો તૈયાર કરશે, જેને ત્યાર પછી મંજૂરી માટે કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કાર્ડ બહાર પાડવા માટે તહસીલદારો જવાબદાર રહેશે.
BJPએ કેરળ સરકારના આ પગલાનો સખત વિરોધ કર્યો છે, તેને 'ખતરનાક અલગતાવાદી રાજકારણ' ગણાવ્યું છે. BJPના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ આ નિર્ણયને કાયદેસર રીતે પડકારશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રકારનું પગલું કોઈપણ સંગઠન કે જાહેર માંગણીના જવાબમાં લેવામાં આવ્યું નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, CM પિનરાયી વિજયન જાણી જોઈને જનતામાં ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જાહેરાત તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાસક ગઠબંધનની હાર પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવી છે.

