- National
- CM હિમંત બિસ્વા શર્માના મતે મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નહીં, આ લોકોથી હિંદુઓને જોખમ છે
CM હિમંત બિસ્વા શર્માના મતે મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નહીં, આ લોકોથી હિંદુઓને જોખમ છે

હિંદુઓને મુસ્લિમો અને ખ્રિસ્તીઓથી નહીં, પરંતુ લેફ્ટ (વાંમપંથી)અને લિબરલ (ઉદારવાદી)ઓથી વધુ જોખમ છે. આમ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનું કહેવું છે. રવિવારે આક્ષેપ કર્યો હતો કે, વાંમપંથી અને ઉદારવાદી હિંદુઓ માટે સૌથી મોટા જોખમી છે. શર્માએ દાવો કર્યો હતો કે મુસ્લિમો કે ખ્રિસ્તીઓ ક્યારેય હિંદુઓ માટે જોખમી નથી, પરંતુ હિંદુઓને નબળા પાડનાર લોકો તેમના પોતાના સમાજમાં છે.

અહીં એક ખાનગી સંસ્થાના એવોર્ડ સમારોહના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે, મારું માનવું છે કે વાંમપંથીઓ અને ઉદારવાદી લોકો હિન્દુઓ માટે સૌથી વધારે જોખમી છે. પશ્ચિમ બંગાળમાં હિંદુઓને નબળા કરવાની પ્રવૃત્તિ (પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી) મમતા બેનર્જીને વાંમપંથીઓ અને ઉદારવાદીઓ પાસેથી વારસામાં મળી છે. વ્યક્તિએ એ યાદ રાખવું જોઈએ કે ભારતની સભ્યતા 5,000 વર્ષથી વધુ જૂની છે અને તેની શરૂઆત 1947માં દેશની આઝાદીથી નથી થઈ. ભારત સ્વાભાવિક રીતે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે અને કોઈએ તેને સહિષ્ણુતા અને ભાઈચારાના ગુણો શીખવવાની જરૂર નથી.
તેમણે આ સંબોધનનો વીડિયો પોતાના 'X' હેન્ડલ પર શેર કર્યો છે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, જો રાહુલ ગાંધી કે મમતા બેનર્જી વિચારે છે કે, હિન્દુઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે, તો તેમને ખબર હોવી જોઈએ કે હિન્દુઓ હંમેશાં અસ્તિત્વમાં રહેશે. તેમણે દાવો કર્યો કે, આસામમાં હિન્દુઓની ટકાવારી ઘટીને 58 ટકા થઈ ગઈ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ઘટીને 65 ટકા થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે, હિન્દુ સભ્યતા યથાવત રહેશે અને ફળતી-ફૂલતી રહેશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે રહેતા ભારત તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે. રામ મંદિરનું નિર્માણ 500 વર્ષ બાદ થયું. હવે સમય આવી ગયો છે કે (હાલના) વક્ફ કાયદાને ખતમ કરી દેવામાં આવે. તેમણે કહ્યું કે ત્રિપલ તલાકને પહેલાથી જ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે અને દેશમાં સમાન નાગરિક સંહિતા લાગૂ થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

તેમણે દાવો કર્યો હતો કે, મોદીના સત્તામાં આવ્યા બાદ ભારતનું પુનરુત્થાન શરૂ થયું, જેમાં દેશે અર્થવ્યવસ્થા, નાણાંથી લઈને વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. શર્માએ કહ્યું કે, આઝાદી બાદ પાકિસ્તાન ઈસ્લામિક ગણરાજ્ય બની ગયું, જ્યારે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ બની રહ્યો કેમ કે તેની હજારો વર્ષ જૂની સંસ્કૃતિ હંમેશા એવી જ રહી છે. તેમણે કહ્યું કે, ઘણી સંસ્કૃતિઓ આવી અને ગઈ, પરંતુ હિન્દુ સંસ્કૃતિ અકબંધ રહી.