- National
- ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. તેમણે પાકિસ્તાન અને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે, સૌ પ્રથમ હું તમામ પક્ષોનો આભાર માનવા માંગુ છું કે તેઓ ઓપરેશન સિંદૂરની સફળતા અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે. હું તે સૈનિકોને સલામ કરું છું જેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર હાથ ધરવા અમે ઘણી બાબતો પર વિચાર કર્યો. પાકિસ્તાનના સામાન્ય લોકોને કોઈ નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી. અમે પાકિસ્તાનના 9 આતંકી સ્થળોને ચોકસાઈથી નષ્ટ કર્યા. 100થી વધુ આતંકીઓ, ટ્રેનર્સ, હેન્ડલર્સને માર્યા. વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરના ઠેકાણાઓનો નષ્ટ કર્યા. આ કાર્યવાહી 22 મિનિટમાં પૂર્ણ થઈ. આતંકવાદીઓને તેમના ઘરોમાં જ ઠાર કરવામાં આવ્યા. આ સિંદૂર લાલ રંગ બહાદુરીની ગાથા છે, ભારતના મસ્તિષ્ક પર વીરતાની નિશાની છે.

તેમણે કહ્યું હતું કે, અમારી કાર્યવાહી સંપૂર્ણપણે સેલ્ફ ડિફેન્સમાં હતી. તે ઉશ્કેરણીજનક કાર્યવાહી નહોતી. પાકિસ્તાને ઇલેક્ટ્રોનિક વોરફેયરનો આશરો લીધો. તેમના નિશાને એરપોર્ટ સહિત ઘણા ઠેકાણા હતા. ભારતે આ બધાને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાન ભારતની કોઈ પણ ઠેકાણા પર કબજો મેળવી શક્યું નહીં. ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો. પાકિસ્તાનની તુલનામાં અમારી કાર્યવાહી મજબૂત અને અસરકારક હતી. સરહદ પાર કરવી કે કેપ્ચર કરવું એ ઉદ્દેશ્ય નહોતો. કાર્યવાહીનો ઉદ્દેશ્ય વર્ષોથી પોષાયેલા આતંકવાદીઓને નિશાન બનાવવાનો હતો. ઓપરેશન સિંદૂરમાં, દળોને પોતાના હેતુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી.
સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાનની આ ઓફરનો સ્વીકાર એ ચેતવણી સાથે કરવામાં આવ્યો કે ઓપરેશન મુલતવી રાખવામાં આવ્યું નથી, તે ફક્ત રોકવામાં આવ્યું છે. જો પાકિસ્તાન કંઈપણ શરૂ કરે છે, તો ઓપરેશન ફરી શરૂ કરી શકાય છે. 12 મેના રોજ બંને દેશોના DGMO વચ્ચે વાતચીત થઈ હતી અને સંઘર્ષ રોકવા માટે એક સહમતિ થઈ હતી.
તેમણે કહ્યું- હું શ્રીનગર અને ભૂજ ગયો અને મેં જાતે જોયું કે સુરક્ષા દળોની આંખોમાં વિશ્વાસ છે. કોઈપણ દેશમાં, જનતા સરકાર અને વિપક્ષને અલગ અલગ કાર્યો સોંપે છે. સરકારનું કામ લોકો માટે કામ કરવાનું છે. વિપક્ષનું કામ સવાલો પૂછવાનું છે. ક્યારેક વિરોધ પક્ષના લોકો પૂછે છે કે આપણા કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા. અમને ક્યારેય પૂછવામાં આવતું નથી કે અમે દુશ્મનના કેટલા વિમાનો તોડી પાડ્યા.
જો અમને પૂછવામાં આવે કે શું અમે દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો, તો જવાબ હા છે. જો અમને પૂછવામાં આવે કે શું આપણે દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો, તો જવાબ હા છે. જો તમારો પ્રશ્ન એ છે કે શું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું, તો જવાબ હા છે. જો અમે આપણી માતાઓ અને બહેનોના સિંદૂરનો બદલો લીધો, તો જવાબ હા છે. જો પ્રશ્ન એ છે કે શું આપણા સૈનિકોને નુકસાન થયું હતું, તો જવાબ ના છે.

રાજનાથ સિંહે કહ્યું- હું લગભગ 40 વર્ષથી રાજકારણમાં છું. મેં ક્યારેય પક્ષીય રાજકારણને દુશ્મનાવટભર્યું નથી જોયું. હું વિપક્ષને કહેવા માંગુ છું કે ભલે અમે આજે સત્તામાં છીએ, તો પણ કાયમ સત્તામાં રહીશું નહીં. જનતાએ એક સમયે અમને વિપક્ષમાં રહેવાની જવાબદારી સોંપી હતી, અને અમે તે પૂર્ણ કરી છે. જ્યારે ચીન સાથેના યુદ્ધના દુ:ખદ પરિણામો આવ્યા, ત્યારે અમે પૂછ્યું કે બીજા દેશે અમારી જમીન પર કબજો કેમ કર્યો? અમારા સૈનિકો કેમ માર્યા ગયા? ત્યારે અમે મશીનોની નહીં પણ પ્રદેશની ચિંતા કરી. અમે ત્યારે લશ્કરી અને રાજકીય નેતૃત્વની પ્રશંસા કરી હતી. અટલજીએ સંસદમાં ઉભા થઈને નેતૃત્વની પ્રશંસા કરી હતી. અમે પૂછ્યું ન હતું કે ભારતના કેટલા સાધનોનો નાશ થયો હતો. ભલે લાલ બહાદુર શાસ્ત્રી હોય, અટલ બિહારી વાજપેયી હોય, મનમોહન સિંહ હોય કે નરેન્દ્ર મોદી, દરેકને ભારતની ચિંતા હતી. શાંતિ માટેના આપણા પ્રયાસોને ગેરસમજ કરવામાં આવ્યા હતા. જ્યારે આપણે શાંતિના માર્ગ પર હતા, ત્યારે તેઓ દુશ્મનાવટના માર્ગ પર હતા. તેમણે પરમાણુ હુમલાની ધમકી આપી હતી. અટલજીએ કહ્યું હતું કે- પાકિસ્તાનના પરમાણુ હુમલાથી આપણને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ પાકિસ્તાન બીજા દિવસનો સૂરજ જોઈ શકશે નહીં.
રક્ષા મંત્રીએ કહ્યું કે- પાકિસ્તાનની સેના અને ISI પ્રોક્સી વોર ચલાવે છે. આ મોદીજીના નેતૃત્વ હેઠળનું ભારત છે જે કોઈપણ હદ સુધી જઈ શકે છે. આપણે શાંતિ માટે પ્રયાસો કેવી રીતે કરવા તે જાણીએ છીએ અને અશાંતિ ફેલાવનારા હાથોને કેવી રીતે ઉખેડી નાખવા તે પણ જાણીએ છીએ. આપણે ભગવાન કૃષ્ણ પાસેથી શીખ્યા છીએ કે ધર્મનું રક્ષણ કરવા માટે સુદર્શન ચક્ર ઉઠાવવું પડે છે. હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છે. ભગવાન કૃષ્ણ આપણને ધીરજ અને બહાદુરી બંને શીખવે છે.

