- National
- કૂતરું કરડ્યું ભેંસને, એ ભેંસના દૂધથી બનેલી વાનગી 200 લોકો ખાઈ ગયા, હવે બધા ઈન્જેક્શન લેવા હોસ્પિટલ
કૂતરું કરડ્યું ભેંસને, એ ભેંસના દૂધથી બનેલી વાનગી 200 લોકો ખાઈ ગયા, હવે બધા ઈન્જેક્શન લેવા હોસ્પિટલ પહોંચ્યા
ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉઝાની વિસ્તારમાં કૂતરું કરડ્યા બાદ એક ભેંસનું મો*ત થઇ ગયું હતું. આ ઘટનાથી આખા ગામમાં હાહાકાર મચી ગયો હતો. કૂતરાના કરડવાથી ભેંસનું મો*ત થતા દૂધમાંથી બનેલું દહીંનું રાયતું ખાનારા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો. સાવચેતી રૂપે લગભગ 200 ગ્રામજનો સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા અને હડકવાની રસી લગાવડાવી હતી.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઉઝાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પિપરોલ ગામમાં 23 ડિસેમ્બરના રોજ તેરમાનો કાર્યક્રમ હતો, જ્યાં આખા ગામને ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજન સમારંભમાં રાયતું પણ પીરસવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ખાધું હતું. બાદમાં એવી માહિતી સામે આવી કે જે ભેંસના દૂધમાંથી બનાવેલા દહીંનું રાયતું તૈયાર કરવામાં આવ્યું હતું, તેને થોડા દિવસો અગાઉ કૂતરું કરડ્યું હતું.
એવું પણ કહેવામાં આવે છે કે 26 ડિસેમ્બરે કૂતરું કરતા ભેંસનું મો*ત થઇ ગયું હતું. ત્યારબાદ ચેપ ફેલાવાની આશંકાને લઈને અફરતાફરી મચી ગઈ હતી. આ ભય વચ્ચે, શનિવાર અને રવિવારે મોટી સંખ્યામાં પુરુષો, સ્ત્રીઓ અને યુવાનો ઉઝાની સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લેવા માટે ઉમટી પડ્યા હતા.
સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા સ્થાનિક રહેવાસી જશોદા દેવીએ જણાવ્યું હતું કે, ગામમાં તેરમું હતું, જેમાં બધાએ રાયતું ખાધું હતું. બાદમાં ભેંસનું મો*ત થવા અને તેને કૂતરું કરડવાની જાણ થતા ગ્રામજનો ગભરાઈ ગયા અને સાવચેતી તરીકે રસી લેવા પહોંચ્યા હતા. અન્ય એક રહેવાસી કૌશલ કુમારે જણાવ્યું કે, ભેંસને પાગલ કૂતરાએ કરડી હતી, અને આ વાતની જાણ ન હોવાને કારણે તેના દૂધમાંથી બનેલા દહીંનું રાયતું બનાવવામાં આવ્યું હતું. તેરમા દિવસે રાયતું ખાધા બાદ, લોકોને ચિંતા હતી કે તેમને પણ પરેશાની થઈ શકે છે, એટલે તેઓ રસી લેવા ગયા હતા.
મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. રામેશ્વર મિશ્રાએ જણાવ્યું હતું કે ગામમાં એક ભેંસને પાગલ કૂતરાએ કરડી હતી અને તેનું મો*ત હડકવાના લક્ષણોને કારણે થયું હોવાની માહિતી મળી છે. ગ્રામજનોએ ભેંસના દૂધમાંથી બનાવેલું દહીંનું રાયતું ખાધું હોવાની વાત સામે આવી છે. સાવચેતી રૂપે, દરેકને હડકવા સામે રસી લેવાની સલાહ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દૂધ ઉકળ્યા બાદ હડકવાનું જોખમ રહેતું નથી, પરંતુ કોઈપણ સંભવિત જોખમને રોકવા માટે રસી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગામમાં કોઈ પ્રકારની બીમારી ફેલાઈ નથી અને પરિસ્થિતિ પૂરી રીતે સામાન્ય છે.

