- National
- બાળકોને મધ્યાહન ભોજન પણ કાગળના ટુકડાઓ પર અપાયું, વીડિયો વાયરલ
બાળકોને મધ્યાહન ભોજન પણ કાગળના ટુકડાઓ પર અપાયું, વીડિયો વાયરલ
શું મધ્ય પ્રદેશમાં મધ્યાહન ભોજન વ્યવસ્થા કાગળ પર ચલાવવામાં આવી રહી છે? આનું ઉદાહરણ શ્યોપુર જિલ્લામાં જોવા મળ્યું. એક સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને થાળીઓને બદલે કાગળના ટુકડા પર મધ્યાહન ભોજન પીરસવામાં આવતું હતું. બાળકો ધૂળવાળી જમીન પર બેસીને કાગળ પર ખાવાનું ખાતા જોવા મળ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું.
આજતકના અહેવાલ મુજબ, શ્યોપુર જિલ્લાના વિજયપુર બ્લોકના હલલપુર ગામની એક સરકારી પ્રાથમિક શાળામાં આ ઘટના બની હતી. એવો આરોપ છે કે નાના બાળકોને કાગળના ટુકડા પર મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. વાયરલ વીડિયોમાં એ સ્પષ્ટ દેખાય છે. ઘણા બાળકો લાઇનમાં બેઠા છે. સ્વ-સહાયતા જૂથની મહિલાઓ કાગળના ટુકડા પર શાક અને રોટલી મૂકી રહી છે. કેટલાક બાળકો પોતાના હાથથી ભોજન ઉપાડી રહ્યા છે, જ્યારે અન્ય લોકો મુઠ્ઠીમાં કાગળ દબાવીને કાગળ પકડીને ખાઈ રહ્યા છે.
https://twitter.com/Benarasiyaa/status/1986674487396589652?s=20
આ વીડિયો કોઈપણ સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી શકે છે. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એમ.એલ. ગર્ગે તાત્કાલિક કાર્યવાહી કરતા શાળાના પ્રભારી ભોગીરામ ધાકડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. BRCC અને જનશિક્ષકને કારણદર્શક નોટિસ કારવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે મધ્યાહન ભોજન માટે જવાબદાર સ્વ-સહાયતા જૂથનો કરાર રદ કરવામાં આવ્યો છે. DEO એમએલ ગર્ગે કહ્યું કે, "આ ખૂબ જ ગંભીર અને અમાનવીય ઘટના છે. બાળકો સાથે આ પ્રકારનો વ્યવહાર સહન કરવામાં નહીં આવે. પૂરી તપાસ કરવવામાં આવી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’
બીજી તરફ, ગ્રામજનોનું કહેવું છે કે આ પહેલીવાર બન્યું નથી. પૂરતા વાસણો ન હોવાનો દાવો કરીને કાગળમાં ભોજન પીરસવામાં આવે છે. આ વખતે કોઈએ વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ ઘટના મંગળવાર 4 નવેમ્બરના રોજ બની હતી, જ્યારે સ્વ-સહાયતા જૂથે ભોજન તૈયાર કરવાનો અને પીરસવાનો હતો. વાસણોના અભાવના બહાના હેઠળ બાળકોને કાગળમાં ભોજન આપવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશ દેશના એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં મોટી સંખ્યામાં બાળકો કુપોષણથી પીડાય છે. આ અમારો દાવો નથી, પરંતુ રાજ્ય સરકાર પોતે કહે છે. ફેબ્રુઆરી 2024માં કોંગ્રેસના ધારાસભ્ય આતિફ આરીફ અકીલે વિધાનસભામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ગૃહમાં સરકારનો જવાબ ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી નિર્મલા ભૂરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 1,36,000 બાળકો ગંભીર કુપોષણથી પીડાઈ રહ્યા છે, જેમાંથી 29,000થી વધુ બાળકો અતિ કુપોષણથી ગ્રાસિત છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યસભાના સાંસદ ભીમ સિંહે કુપોષણ અંગે રાષ્ટ્રવ્યાપી આંકડા માગ્યા હતા. જવાબમાં સરકારે જે ડેટા આપ્યા તેમાં મધ્ય પ્રદેશનું નામ ટોચ પર જોવા મળે છે.

