- National
- બિહાર ચૂંટણીમાં ગરબડીનો દાવો કરનાર અરજીકર્તા પાસે CJI સૂર્યકાંતે આવકવેરાનો હિસાબ માંગી લીધો
બિહાર ચૂંટણીમાં ગરબડીનો દાવો કરનાર અરજીકર્તા પાસે CJI સૂર્યકાંતે આવકવેરાનો હિસાબ માંગી લીધો
સુપ્રીમ કોર્ટે બિહાર ચૂંટણી સંબંધિત જાહેર હિતની અરજી (PIL) દાખલ કરનાર વ્યક્તિ પાસેથી આવકવેરાનો હિસાબ માંગી લીધો. સામાજિક કાર્યકર સાબૂ સ્ટીફને 4 ડિસેમ્બર, 2025ના રોજ કોર્ટમાં RIT અરજી દાખલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બિહાર ચૂંટણીમાં અનિયમિતતાઓ થઈ છે અને યોગ્ય તપાસ થવી જોઈએ. તેમની અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી હતી કે, ચૂંટણી પરિણામો તાત્કાલિક રદ કરી દેવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે સાબૂ સ્ટીફનની અરજી ફગાવી દીધી. જોકે, CJI સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સાબૂને જવા દેવાના મૂડમાં નહોતી. બેન્ચની ટિપ્પણીઓથી લાગ્યું કે તેઓ જાણવા માંગે છે કે અરજદાર વારંવાર અરજીઓ કેમ દાખલ કરી રહ્યો છે. સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે પોતે કહ્યું કે, ‘જો તમે વ્યર્થ અરજીઓ દાખલ કરવાની કળામાં એટલા માહિર છો, તો અમારે એ પણ જાણવું જોઈએ કે જો દંડ ફટકારવામાં આવે તો તમે કેટલી રકમ ચૂકવી શકો છો? આ બધું ફક્ત પબ્લિસિટી હાંસલ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.’
https://twitter.com/Vandana553/status/2011785189660479670?s=20
ત્યારબાદ CJIએ કોઈપણ દંડ ફટકારતા પહેલા અરજદારના છેલ્લા પાંચ વર્ષના આવકવેરા રિટર્નનો રેકોર્ડ માંગ્યો. તેમણે સાબૂ સ્ટીફનને નિર્દેશ આપ્યો કે, તે કોર્ટમાં તેની ITR પ્રોફાઇલ લઈને આવે. સાથે જ એક સોગંદનામામાં તેમના આવકના સ્ત્રોત પણ જણાવે.
આખો મામલો શું છે?
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ EVM અને ચૂંટણીમાં ગેરરીતિઓના મુદ્દા ફરીથી ઉભા થયા હતા. આ મામલો કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. સાબૂ સ્ટીફને સુપ્રીમ કોર્ટમાં RIT અરજી દાખલ કરી હતી, જેમાં બિહાર ચૂંટણીમાં કેટલીક કથિત ગેરરીતિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
1. અરજદારે માંગ કરી હતી કે યોગ્ય તપાસ થાય ત્યાં સુધી બિહાર ચૂંટણી પરિણામોને રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે.
2. અરજીમાં કોર્ટ પાસે માંગ કરવામાં આવી હતી કે પ્રથમ પ્રતિવાદી (ભારતના ચૂંટણી પંચ)ને ઓર્ડર આપવામાં આવે કે તે ફોર્મ 20 જાહેર કરે. ફોર્મ 20, એ અંતિમ મતદાનનો સત્તાવાર દસ્તાવેજ છે.
3. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય ન્યાયિક કમિશનની રચના કરવામાં આવે. આ કમિશન અનુસૂચિ P-2 અને અનુસૂચિ P-4માં પ્રેસ નોટ્સ અનુસાર મતદાર નંબરોમાં ગરબડી, બોગસ મતદાન, સત્તાવાર મિલીભગત, EVM સાથે ચેડાં વગેરેના આરોપોની સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં તપાસ કરે.
4. તેમણે કથિત ચૂંટણી હેરાફેરીમાં સંડોવાયેલા કોઈપણ અધિકારી, રાજકારણી અથવા અન્ય વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે CBI અથવા SIT તપાસની પણ માંગ કરી હતી.
5. ચૂંટણી પરિણામો સ્થગિત કરીને સરકારની રચના તાત્કાલિક અટકાવવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, સાબૂ સ્ટીફન માનવ અધિકાર કાર્યકર્તા છે. તેમનો જન્મ 1973માં કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો. તેમણે દક્ષિણ ભારતમાં દેવદાસી પ્રથા નાબૂદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે ગૌમાંસ પર પ્રતિબંધ સામે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેઓ રખડતા કૂતરાઓને સમસ્યા ગણાવવા સામે પણ અરજી દાખલ કરી ચૂક્યા છે.

