- National
- આ મા-દીકરીના ચહેરા પર ન જતા, ખતરનાક છે બંને, આવી રીતે કરોડોનું કરી નાખ્યું
આ મા-દીકરીના ચહેરા પર ન જતા, ખતરનાક છે બંને, આવી રીતે કરોડોનું કરી નાખ્યું
પંજાબના ખન્નામાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં માતા અને પુત્રીએ મળીને કેનેડામાં લગ્ન કરાવવાના અને ત્યાં સ્થાયી કરાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપી મહિલા સુખદર્શન કૌર અને કેનેડામાં રહેતી તેની પુત્રી હરપ્રીત કૌર ઉર્ફે હેરીએ યુવાનોને કેનેડામાં સ્થાયી થવાનું સ્વપ્ન બતાવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં સાતથી વધુ યુવાનો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે.
DSP હેમંત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચાલાક હતી. કેનેડામાં બેઠેલી હરપ્રીત કૌર વીડિયો કોલ, સોશિયલ મીડિયા અને નકલી દસ્તાવેજો દ્વારા યુવાનોનો સંપર્ક કરતી હતી. તે વીડિયો કોલ પર છોકરાઓ સાથે સીધી વાત કરતી હતી, તેમના પરિવારોને મળતી હતી અને પોતાને કેનેડામાં એક સફળ ઉદ્યોગપતિ હોવાનું જણાવી તેમનો વિશ્વાસ જીતી લેતી હતી.
એકવાર યુવક અને તેમના પરિવારોને બરાબર ખાતરી થઈ જાય ત્યારે હરપ્રીત અને તેની માતા સુખદર્શન કૌર લગ્નના નામે અને તેમને કેનેડા મોકલવાના નામે મોટી રકમ વસૂલી લેતા હતા. નકલી સગાઈના દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવતા હતા.
જોકે, આ ગેંગનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે ભૂલથી વોટ્સએપ પર એક યુવકને એક મેસેજ મોકલવામાં આવ્યો, જેમાં બીજા યુવક પાસેથી પૈસા પડાવવા અંગે આવી જ વાતચીત ચાલી રહી હતી. જ્યારે યુવકે આવેલા મેસેજને ચેક કર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ પછી તેણે ફરિયાદ નોંધાવી. કેસ નોંધ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી અને સુખદર્શન કૌર, તેના પુત્ર મનપ્રીત સિંહ અને એક સહયોગી અશોક કુમારની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી કેનેડામાં રહેતી હરપ્રીત કૌર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, ટૂંક સમયમાં ઇન્ટરપોલ દ્વારા તેની ધરપકડ કરીને તેને ભારત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજો, નકલી વિઝા ફોર્મ અને પૈસાના વ્યવહારો સંબંધિત પુરાવા આરોપીઓ પાસેથી મળી આવ્યા છે. હાલમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને છેતરપિંડી કરીને કુલ કેટલી રકમ ભેગી કરી છે.

