- National
- નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું, જાણો શું છે આમાં અલગ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે. ગયા અઠવાડિયે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, લોકસભા મુલતવી રાખવામાં આવી હતી. આજે (11 ઓગસ્ટ), નાણામંત્રીએ ફરીથી આ બિલ લોકસભાના ટેબલ પર મૂક્યું છે.
આ નવું બિલ આવકવેરા અધિનિયમ, 1961નું સ્થાન લેશે. શુક્રવારે અગાઉ, નાણામંત્રીએ ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું, પરંતુ ગૃહની કાર્યવાહી સ્થગિત થવાને કારણે, તેમણે બિલ પાછું ખેંચવું પડ્યું હતું.
આવકવેરા બિલ પાછું ખેંચ્યા પછી, સરકારે સમિતિના સૂચનો પર તેમાં કેટલાક ફેરફારો કર્યા છે, ત્યાર પછી આજે તેને ફરીથી ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. આ વિશે વાત કરતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, 'એવું માની શકાય છે કે આવકવેરા બિલ હવે સંપૂર્ણપણે નવું હશે. તેના પર ઘણું કામ થઈ ગયું છે. તે જૂના બિલથી સંપૂર્ણપણે અલગ હશે.'
લોકસભા સિલેક્ટ કમિટીના અધ્યક્ષપદે રહેલા BJPના નેતા બૈજયંત પાંડાએ આવકવેરા બિલમાં 285 સૂચનો આપ્યા છે, જેને સરકારે સ્વીકારી લીધા છે. આવકવેરા સંબંધિત જૂના બિલ અંગે ઘણી મૂંઝવણ છે, તેથી હવે તેનું નવું સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું છે.
અહીં તમને જણાવી દઈએ કે, સિલેક્ટ કમિટીએ 21 જુલાઈના રોજ આવકવેરા બિલ પર સૂચનો રજૂ કર્યા હતા, જેને નવા બિલમાં સમાવવામાં આવ્યા છે. આમાં કાયદાની ભાષાને સરળ બનાવવા, મુસદ્દો તૈયાર કરવા, શબ્દસમૂહોને યોગ્ય રીતે મૂકવા અને ક્રોસ રેફરન્સિંગ જેવા ફેરફારો શામેલ હોઈ શકે છે. પેનલે આવકવેરા બિલમાં કેટલાક મોટા ફેરફારો સૂચવ્યા હતા.
ટેક્સ રિફંડ: અગાઉના બિલમાં જોગવાઈ હતી કે, જો નિર્ધારિત સમય મર્યાદામાં આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો રિફંડ આપવામાં આવશે નહીં. પેનલે આ જોગવાઈને દૂર કરવાનું સૂચન કર્યું હતું.
ઇન્ટર-કોર્પોરેટ ડિવિડન્ડ: આવકવેરા કાયદાની કલમ 80M કેટલીક કંપનીઓને ઇન્ટર-કોર્પોરેટ ડિવિડન્ડ આપવાની વાત કરે છે. શુક્રવારે રજૂ કરાયેલા બિલમાં આ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, તેથી આ બિલ સરકારે પાછું ખેંચી લીધું હતું.
શૂન્ય TDS પ્રમાણપત્ર: આવકવેરા બિલ પર રચાયેલી સમિતિએ કરદાતાઓને શૂન્ય TDS પ્રમાણપત્ર આપવાનું સૂચન કર્યું હતું.

