- National
- કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?
કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?
ઉત્તરાખંડના કોટદ્વારમાં બજરંગ દળના લોકોએ એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ બદલવાને લઇને હોબાળો કર્યો હતો. પટેલ માર્ગ પર આવેલી દુકાનના નામમાં ‘બાબા’ શબ્દ છે. હિન્દુત્વવાદી સંગઠનના લોકો તેને બદલવાની માંગ કરી રહ્યા હતા. એક વાયરલ થયેલા વીડિયોમાં, કાર્યકરો વૃદ્ધ મુસ્લિમ દુકાનદાર સાથે બહેસ કરતા જોવા મળે છે. પછી, શખ્સ જે વીડિયોમાં પોતાનું નામ મોહમ્મદ દીપક જણાવે છે, તે બજરંગ દળના લોકોનો વિરોધ કરે છે. બંને પક્ષો વચ્ચે બોલાબોલી થાય છે. પછી દીપક અને તેના સાથીઓ પાછળથી બજરંગ દળના સભ્યોને ધક્કો મારીને ભગાવી દે છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, કોટદ્વારમાં બાબા સિદ્ધબલી નામનું એક હનુમાન મંદિર છે. મંદિરનો પ્રભાવ એટલો છે કે અહીંના લોકો બાબાના નામને તેમના અંગત અને વ્યવસાયિક જીવન સાથે જોડીને રાખવા માંગે છે. જો તમે ત્યાં રસ્તાઓ પર જશો, તો તમને ‘બાબા’થી શરૂ થતી ઘણી દુકાનો મળી જશે, જેમ કે ‘બાબા બુક સેન્ટર’, ‘બાબા જનરલ સ્ટોર’, ‘બાબા પાનની દુકાન’ વગેરે વગેરે.
એવી જ રીતે કોટદ્વારના પટેલ માર્ગ પર 'બાબા સ્કૂલ ડ્રેસ એન્ડ મેચિંગ સેન્ટર' નામની જ દુકાન આવેલી છે. 26 જાન્યુઆરીના રોજ બજરંગ દળના કાર્યકરો આ દુકાનમાં ઘૂસી ગયા અને માલિકને કહેવા લાગ્યા, ‘અમે તમને પહેલા પણ દુકાનનું નામ બદલવા કહ્યું હતું, પરંતુ અત્યાર હજુ સુધી તમે કેમ નથી બદલ્યું?’
દુકાનદાર દલીલ કરે છે કે, તે 30 વર્ષથી દુકાન ચલાવી રહ્યો છે. 30 વર્ષથી આ જ નામ છે. GST ઓફિસમાં પણ આ જ નામ નોંધાયેલ છે. એવામાં નામ કેવી રીતે બદલી દે? પરંતુ કાર્યકરો તેની વાત સાંભળતા નથી. સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હોય છે. બજરંગ દળના લોકોની આપત્તિ છે કે દુકાન માલિક મુસ્લિમ છે અને માત્ર હિન્દુ સમુદાયના સભ્યોને જ 'બાબા' નામનો ઉપયોગ કરવાનો અધિકાર છે. વીડિયોમાં એક યુવકને આ વાતો કહેતા સ્પષ્ટપણે સાંભળી શકાય છે.
https://twitter.com/MunsifNews24x7/status/2017256903630528539?s=20
કાર્યકરો વારંવાર દુકાનદારને નામ બદલવા અંગે પૂછી રહ્યા છે અને તેના પર દબાણ કરે છે. તેઓ તેને એ પણ યાદ અપાવે છે કે, તેણે કહ્યું હતું કે, દુકાન નવી જગ્યાએ ખસેડવામાં આવશે ત્યારે નામ બદલી દેશે, પરંતુ તેણે હજુ સુધી તે બદલ્યું નથી. તેઓ દુકાનના માલિકને બળજબરીપૂર્વક પૂછે છે કે નામ ક્યારે બદલવામાં આવશે?
ત્યારે સીન થોડું બદલાય છે. એક વ્યક્તિની વીડિયોની ફ્રેમમાં એન્ટ્રી થાય છે. તે બજરંગ દળના સભ્યોના વર્તનનો વિરોધ કરે છે. જ્યારે તેનું નામ પૂછવામાં આવે છે, ત્યારે તે પોતાનું નામ ‘મોહમ્મદ દીપક’ કહે છે. દીપક તેમને પૂછે છે, ‘બાબા’ નામ રાખવાથી શું થઈ ગયું?’ આના પર એક કાર્યકર જવાબ આપે છે, ‘આ અમારા સિદ્ધ બાબાનું નામ છે.’
દીપક પૂછે છે, ‘આટલી બધી દુકાનો પર 'બાબા' લખેલું તો છે?’ જવાબ મળે છે કે તે બધા હિન્દુ છે, પણ આ મુસ્લિમ છે. તેના પર યુવક જવાબ આપે છે, ‘મુસ્લિમ છે તો શું થઈ ગયું? શું મુસ્લિમોમાં પીર બાબા નથી હોતા?’ આને લાઇને દીપક અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે જોરદાર બહેસ થાય છે. હોબાળો જોઈને નજીકના લોકો ભેગા થઈ જાય છે. વીડિયોના અંતે, દીપક અને અન્ય એક સાથી બજરંગ દળના કાર્યકરોને ધક્કો મારીને ભગાવી દે છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર દીપકે જણાવ્યું કે, આ ઘટના 26 જાન્યુઆરીએ બની હતી. બજરંગ દળના કેટલાક લોકો વૃદ્ધ વ્યક્તિની દુકાનમાં ઘૂસી ગયા હતા. તેમણે 70-75 વર્ષના વૃદ્ધ સાથે ખૂબ જ દુર્વ્યવહાર કર્યો. ત્યાં એક નિવેદનબાજી ચાલી રહી હતી, તો અમે તેમને પૂછ્યું કે દુકાનનું નામ કેમ બદલવું છે. તેમને કહ્યું કે, બાબા નામ અમારા સિદ્ધબલી બાબાનું નામ છે. મેં તેમને કહ્યું કે બાબા તો દરેક જાતિમાં વપરાય છે. બાળકોને પણ બાબા કહેવામાં આવે છે. વૃદ્ધોને પણ બાબા કહેવામાં આવે છે. પીર બાબાઓને પણ બાબા કહેવામાં આવે છે.
દીપકે વધુમાં કહ્યું કે, ‘જ્યારે તેમણે મને મારું નામ પુછ્યું તો, આમ તો મારું સાચું નામ દીપક કુમાર છે, પરંતુ મેં તેમને પોતાનું નામ મોહમ્મદ દીપક કહી દીધું. મેં આમ એટલે કહ્યું કારણ કે હિન્દુ અને મુસ્લિમ બધા એક છે.
આ મામલે કોઈપણ પક્ષ સામે ફરિયાદની કોઈ માહિતી નથી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રદીપ નેગીએ જણાવ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને જે કોઈ સામાજિક વાતાવરણ ખરાબ કરશે, તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

