- Business
- માત્ર 1991ના બજેટને જ ટર્નિંગ પોઈન્ટ કેમ માનવામાં આવે છે? બાકી બજેટમાં આવું કેમ ન થયું?
માત્ર 1991ના બજેટને જ ટર્નિંગ પોઈન્ટ કેમ માનવામાં આવે છે? બાકી બજેટમાં આવું કેમ ન થયું?
મોદી સરકારના કાર્યકાળનું ત્રીજું બજેટ રવિવાર, 1 ફેબ્રુઆરી, 2026ના રોજ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નવમી વખત લોકસભામાં આ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરવા અગાઉ તેને બનવાવાથી લઈને રજૂ કરવા માટે ઘણી તૈયારીઓ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે 1991ના બજેટને દેશની આર્થિક દશા અને દિશા બદલનાર કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ.
1991 અગાઉ, ભારતની અર્થવ્યવસ્થા ગંભીર સંકટમાં હતી. વિદેશી મુદ્રા ભંડાર એટલો ઓછો થઈ ગયો હતો કે મુશ્કેલીથી થોડા અઠવાડિયા માટે આયાત કરી શકાય તેમ હતું. સરકારને સોનું ગીરવે રાખવાની ફરજ પડી હતી. ફુગાવો વધી રહ્યો હતો, ઉદ્યોગો બંધ થઈ રહ્યા હતા અને બેરોજગારી ઝડપથી વધી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની વિશ્વસનીયતા નબળી પડી ચૂકી હતી.
આવી પરિસ્થિતિમાં, વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ અને નાણામંત્રી ડૉ. મનમોહન સિંહે એક સાહસિક પગલું ભર્યું. દેશને જૂની લાઇન પર ચલાવવાનો સરળ રસ્તો હતો, પરંતુ તેમણે જોખમ લીધું. 1991ના બજેટમાં દેશને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે એક નક્કર રોડમેપ રજૂ કરવામાં આવ્યો.
1991ના બજેટની સૌથી મોટી ઓળખ હતી લાઇસન્સ રાજનો ખાત્મો. આ અગાઉ, ઉદ્યોગ શરૂ કરવા માટે સરકારની મંજૂરી જરૂરી હતી, જેના કારણે ભ્રષ્ટાચાર અને વિલંબ થતો હતો. આ બજેટમાં ઉદ્યોગોને પોતાના નિર્ણયો લેવાની, ઉત્પાદન વધારવાની અને સ્પર્ધા કરવાની સ્વતંત્રતા આપી. આનાથી ખાનગી ક્ષેત્રને નવી તાકત મળી.
આ બજેટમાં પહેલી વખત વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવાની ખુલ્લી છૂટ આપવામાં આવી. કસ્ટમ ડ્યૂટીમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો, જે અગાઉ 220 ટકા હતો, તે ઘટાડીને લગભગ 150 ટકા કરવામાં આવ્યો. આનાથી આયાત અને નિકાસમાં વધારો થયો, અને વિદેશી રોકાણકારોને ભારત પર ફરીથી વિશ્વાસ આવવા લાગ્યો.
સરકારે નિકાસને વેગ આપવા માટે ઘણા નીતિગત સુધારા કર્યા. વેપારને સરળ બનાવવામાં આવ્યો, ટેક્સ સંરચનામાં બદલાવ થયા અને ઉદ્યોગો માટેના નિયમો સરળ કરવામાં આવ્યા. આની અસર એ થઈ કે ભારતીય નિકાસમાં વધારો થયો, સરકારી તિજોરીમાં આવકનો પ્રવાહ વધ્યો અને રોજગારની નવી તકો ઉભી થઈ.
બાકી બજેટ ટર્નિંગ પોઈન્ટ કેમ ન બન્યા?
આ બજેટ અગાઉ અને પછી ઘણા બજેટ રજૂ કરવામાં આવ્યા, પરંતુ 1991ના બજેટ જેવી અસર કોઇની ન થઈ. કારણ સ્પષ્ટ છે, બાકી બજેટ સુધારાત્મક હતા, પરંતુ 1991નું બજેટ પરિવર્તનકારી હતું. તે માત્ર ખર્ચ અને ટેક્સની વાત કરતું નહોતું, પરંતુ સમગ્ર આર્થિક માનસિકતાને બદલી રહ્યું હતું. આ મજબૂરીમાં લેવાયેલો નિર્ણય હતો, જેણે દેશને એક નવી દિશા આપી.
1991 બાદ, ભારતનું અર્થતંત્ર ધીમે-ધીમે મજબૂત થતું ગયું. વિદેશી મુદ્રા ભંડાર વધ્યો, ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો, અને ભારત વૈશ્વિક મંચ પર એક ઉભરતી તાકતના રૂપમાં સામે આવ્યું. જો આ બજેટ ન આવ્યું હોત, તો નિષ્ણાતો માને છે કે ભારતની સ્થિતિ ઘણી નબળી અર્થવ્યવસ્થાઓ જેવી હોત.
ડૉ. મનમોહન સિંહનું બજેટ, એટલે પણ યાદ કરવામાં આવે છે કારણ કે તેણે ભયના માહોલમાં આશા જગાવી હતી. આ બજેટ માત્ર આર્થિક સુધારા જ નહીં, પરંતુ ભારતના આત્મવિશ્વાસની પુનઃસ્થાપના પણ હતી. આજે પણ જ્યારે બજેટની ચર્ચા થાય છે, ત્યારે 1991ના બજેટનું નામ સન્માન અને પ્રેરણા સાથે લેવામાં આવે છે.

