- Opinion
- હવે ભાજપમાં કોઈનું કાયમી ચાલવાનું નથી... ગમે ત્યારે, ગમે તે હાંસિયામાં ધકેલાઈ જશે
હવે ભાજપમાં કોઈનું કાયમી ચાલવાનું નથી... ગમે ત્યારે, ગમે તે હાંસિયામાં ધકેલાઈ જશે
ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકર્તાઓ માટે હવે સમય આવ્યો છે કે ભાજપનું નવું મોડલ સમજે. ગુજરાતના મતદારો અને કાર્યકર્તાઓની ભાજપમાં પોતાને ગમતા નેતાઓ હાંસિયામાં ધકેલાય જવાની નિરાશા અને અચાનક નવા કાર્યકર્તાઓ હોદ્દામાં અને પહેલી હરોળમાં કે મંચ પર ગોઠવાઈ જવાથી જે કેડરમાં અસંતુલન થાય છે તે ત્યારે જ ઉકેલાશે જ્યારે ભાજપનું નવું મોડલ સમજાશે.
થોડા વર્ષો પહેલાં ભાજપમાં એક નવો યુગ જણાયો, યુવા કાર્યકર્તાઓને તક આપવાની સાથે આગળ કરવા. અને એક એવો પણ સંદેશો આપવામાં આવ્યો કે પરિવારવાદ પક્ષમાં નહીં ચાલે. બસ અહીંથી ચાલુ થાય છે ભાજપનું નવું મોડલ. ત્યારબાદ આવે છે વય મર્યાદા અને નો રિપીટેશન. પછી આવ્યું આયાતી લોકોને હારતોરા કરવાનું ઓપરેશન.
ભાજપે સંગઠન અને સરકારથી કરેલા પાયાના વિકાસ કાર્યો સીધા મતદારો જોવા અનુભવવા લાગ્યા. એટલે સમય આવ્યો સરકારના કાર્યોને આધારે મત આપવાનો. અહીં નેતાઓનું મહત્ત્વ પૂરું થયું એટલે કે નેતાઓના ભરોસે મત મેળવવા અને જીતવું એ સમીકરણ બદલાયું અને નવું સમીકરણ એ બન્યું જ્યાં ભાજપ સરકારે કરેલા કામ જોઈને કમળને મત આપવો. પ્રધાનમંત્રી મોદી માટેની લોકચાહના અને કમળનો સમન્વય થયો છે અને મતદારો વોટ સીધો ભાજપને મળે છે ઉમેદવારને નહીં.
હવે ભાજપ માટે એવા જ નેતાઓ અગત્યના છે કે જેઓ સરકારની યોજનાઓનું સારી રીતે અમલ કરે અને એવા જ કાર્યકર્તાઓનું મહત્ત્વ છે જેઓ સંગઠનને સમર્પિત હોય. ટૂંકમાં હવે પક્ષને નેતાની જરૂર નથી. આ નવા મોડલથી ભાજપમાં કોઈનું કાયમી કદ વધશે નહીં અને ક્યારેય કોઈ આંતરિક બળવો કરવા સક્ષમ બનશે નહીં. વર્ષોથી મહેનત કરનાર કોઈ નેતાનું ચાલવાનું નથી એટલે કોઈનું મહત્ત્વ વધશે નહીં. ગમે ત્યારે, ગમે તે હાંસિયામાં ધકેલાઈ જશે અને કહેવાતો સામાન્ય કાર્યકર્તા કોઈની કલ્પના પણ નહીં હોય તેઓ મોટા હોદ્દાઓ પર નિમણૂક પામે અને વ્હોકસ સમય પછી બીજા કોઈક કાર્યકર જગ્યા લઈ લેશે. "ઉતર્યો અમલદાર કોડીનો" ગુજરાતી કહેવત અહીં બંધ બેસે છે.
આ નવા મોડલનો સૌથી મોટો ફાયદો એ છે કે ભાજપમાં નવી પેઢીને તક મળવાથી પક્ષને નવી ઊર્જા મળશે. યુવા કાર્યકર્તાઓના નવા વિચારો અને ઉર્જા પક્ષને સમય તાલમેલમાં રાખશે. પરંતુ આ મોડલની સફળતા માટે જરૂરી છે કે પક્ષના આંતરિક માળખાને આ સમજ સાથે મજબૂત કરવામાં આવે. કાર્યકર્તાઓને નવી નીતિઓના હેતુ અને લાભ સમજાવવા માટે નિયમિત પ્રશિક્ષણના કાર્યક્રમો અને બૌદ્ધિક સત્રો યોજવા જોઈએ. આનાથી કાર્યકર્તાઓમાં અસંતોષ ઘટશે અને તેઓ પક્ષના ધ્યેયો સાથે વધુ જોડાયેલા રહેશે. ઉપરાંત પીઢ કાર્યકર્તાઓના અનુભવનો ઉપયોગ યુવા પેઢીને માર્ગદર્શન આપવા માટે કરવામાં આવે તો પક્ષની એકતા વધુ મજબૂત બનશે. આવી સંતુલિત વ્યૂહરચના ભાજપને લાંબા ગાળે સ્થિર અને મજબૂત રાખે શકશે.
અહીં નવા ચહેરાઓને તક મળશે, પક્ષ નવી યુવા પેઢીના રંગે રંગાશે અને નવા સમાજસેવકો તૈયાર થશે. આ વાસ્તવિક રીતે સત્તાનું વિકેન્દ્રીકરણ છે જે એક સારું પાસું પણ કહી શકાય. બીજી રીતે અહીં તન મન ધનથી પોતાનો અને પરિવારનો ભોગ આપી પક્ષ માટે કામ કરનાર કાર્યકર્તાઓની લાગણીઓ દુભાઈ પણ શકે છે જો પક્ષ એની નવી નીતિ/મોડલ કાર્યકર્તાઓને સમજાવવામાં નિષ્ફળ રહે. સમય આવ્યો છે કે ભાજપ પોતાનું નવું મોડલ કાર્યકર્તાઓને સમજાવે તો " સોનામાં સુગંધ ભળી " એવું થશે અને જો એમ ન થયું તો સંગઠન નબળું થશે, પીઢ નેતાઓ વિરોધી બનશે એમ કહી શકાય કે "કરવા ગયા શીરો અને થઈ થૂલી".

